હમુસર ગામે સીસીટીવી કેમેરામાં તોડફોડ : એક આસામી સામે ફરિયાદ
ખંભાળિયા, તા. 02 જૂન 2020, મંગળવાર
દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના હમુસર ગામે ગત તા. 30મીના રોજ રાત્રીના સમયે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલા અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરા પૈકી એક કેમેરા તથા નળની લાઈનમાં તોડફોડ થઈ હોવાનું સરપંચ તથા પોલીસ સ્ટાફના ધ્યાને આવ્યું હતું. આ અંગેની તપાસ કરતા રાત્રીના સમયે હમુસર ગામના અને મુળ કલ્યાણપુરના રહીશ ભૂપતભા આશાભા માણેક નામના શખ્સે રૂપિયા 10 હજારની કિંમતના સીસીટીવી કેમેરા તથા રૂપિયા ચાર હજારની કિંમત અને બાર જેટલી પાણીની નળની લાઈનોમાં તોડ ફોડ કરી હોવાનું ખૂલવા પામ્યું હતું.
આમ કુલ રૂ.14 હજારની કિંમતની સરકારી મિલકતને નુકસાન કરવા સબબ હમુસર ગામેના ઉપસરપંચ કારાભા જીમલભા હાથલની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ભૂપતભા માણેક સામે ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.