Get The App

ખંભાળિયા નજીક નિશા ગોંડલિયા ઉપર ફાયરીંગ, આબાદ બચાવ

- જામનગરનાં કૂખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે ફરિયાદ કરનાર

- આરાધનાધામ પાસે હોટેલમાંથી પાર્સલ લઈકાર પાસે પહોંચી ત્યાં જ એકાએક ધસી આવેલી કારમાંથી ઉતરેલા બૂકાનીધારીએ ફાયરીંગ કર્યું

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
ખંભાળિયા નજીક નિશા ગોંડલિયા ઉપર ફાયરીંગ, આબાદ બચાવ 1 - image


જામ ખંભાળિયા,તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર આવેલી એક હોટલમાં જમવાનું પાર્સલ લેવા માટે રોકાણ કરનારી અને જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે અગાઉ તંત્ર સમક્ષ ફરિયાદ કરનાર  નિશા ગોંડલીયા નામની યુવતી પર આજે બપોરે કારમાં ધસી આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હતું. જો કે આ યુવતીનો બચાવ થયો હતો. હૂમલાખોરો નાસી ગયાનું જાહેર થયું છે.

ખંભાળિયા સાથે સમગ્ર જામનગર પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ બનાવની જાહેર થયેલી વિગત મુજબ જામનગરમાં રહેતી અને ઈવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતી નિશાબેન ગુલાબદાસ ગોંડલિયા નામની ૨૮ વર્ષની યુવતીને ખંભાળિયામાં ઈવેન્ટને લગતું કામ હોવાથી આજરોજ શુક્રવારે બપોરે જામનગરથી ખંભાળિયા આવવા નીકળી હતી. 

નિશા ગોંડલીયા તેની જી.જે. એ.ડી. ૪૯૮૩ નંબરની કાળા કલરની કાર મારફતે ખંભાળિયા આવવા નીકળતાં માર્ગમાં ખંભાળિયા-જામનગર રોડ પર અત્રેથી આશરે ૧૧ કી.મી. દૂર આરાધનાધામ પાસે આવેલી સિધ્ધ હોટલ પાસે પહોંચી, જયાં તેણીએ ભોજન તથા પાણી માટે કાર અટકાવી હતી.

ભાજનનું પાર્સલ કરી, તેણી કાર પાસે પરત ફરી હતી, ત્યાં એકાએક જામનગર માર્ગ પરથી સફેદ કલરની ઈનોવા જેવી કાર ધસી આવી હતી. આ કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો બુકાનીધારી શખ્સ કારમાંથી ઉતર્યો હતો, અને તેણે નિશા પર ફાયરીંગ કર્યું હતું. 

નશીબજોગે આ ગોળીથી નિશાનો બચાવ થયો હતો. પરંતુ ધસી આવેલા શખ્સે નિશાના વાળ પકડીને રીવોલ્વરનો નીચેનો ભાગ (કુંદો) મારતાં તેણીને માથામાં ઈજા થવા પામી હતી. આટલું જ નહિં, આરોપી શખ્સે યશપાલસિંહ અને જયેશભાઈનું નામ લેવાનો બહુ શોખ છે.

તેમ કહી, બીજો રાઉન્ડ ફાયરીંગકરે તે પહેલાં નિશાએ કારમાં રહેતો તકીયો શુટર સામે ફેંકતાં તેણીનો બચાવ થયો હતો. આ બનાવ બનતાં સિધ્ધિ હોટલનો સ્ટાફ દોડી ગયો હતો, પરંતુ કારમાં આવેલા શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતાં. જયારે ઈજાગ્રસ્ત હાલતમાં નિશા ગોંડલીયાને અહિંની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. 

આ બનાવ બનતાં ખંભાળિયાના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સી.સી. ખટાણા, અહિંના પી.એસ.આઈ. જાડેજા, પી.એસ.આઈ. ઝાલા, વાડીનારના પી.એસ.આઈ. ચાવડા સાથે એલ.સી.બી. એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો. આટલું જ નહિં, જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંધલ પણ તેમના સ્ટાફ સાથે અત્રે આવ્યા હતાં. જરૂરી પુછપરછ હાથ ધરી હતી. 

આ પ્રકરણ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોષીની હત્યાના બનાવમાં નિશા ગોંડલીયા સાક્ષી છે. આ પ્રકરણમાં જામનગરના કુખ્યાત જયેશ પટેલનું નામ ખુલ્યું હતું. ઉપરાંત યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના જયેશના કથિત ભાગીદારે થોડા દિવસ પહેલાં નિશાને ફોન ઉપર ધમકી આપી, આ કેસમાં હટી જવાનું દબાણ કર્યું હતું.

આટલું જ નહિં, અગાઉ પણ જામનગરમાં ફાયરીંગ થયુ ંહતું. આ ઉપરાંત આજે પણ નીશા પર હત્યાના ઈરાદે ફાયરીંગ થયાનું નિશા ગોંડલીયાની ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર  બનાવ અંગે ખંભાળિયા તાબેના વાડીનાર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૬ (૨) તથા આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવે ખંભાળિયા પંથકમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

Tags :