Updated: Mar 1st, 2023
ભોગાત ગામનો પૂર્વ સરપંચ, તાલુકા પંચાયના પૂર્વ સદસ્યનો ભાઈ જુગટુ રમતો હતો : હાઈ પ્રોફાઈલ જુગારના અખાડામાંથી રૂા. 10.25 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા, એક ફરાર
જામ ખંભાળિયા, દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ગત સાંજે એલસીબી પોલીસ દ્વારા જુગારધામ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના બંગલામાંથી જુગારની મોજ માણતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ખંભાળિયાનો એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. આ દરોડા દરમ્યાન એક મોટરકાર સહિત કુલ રૂપિયા ૧૦.૨૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.
આ ચકચારી જુગાર દરોડા પ્રકરણમાં જાહેર થયેલી વિગત મુજબ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતેશભા મેપાભા માણેક (ઉ.વ. ૪૨) નામના શખ્સ દ્વારા તેના શીવ વિલા નામના બંગલામાં જુગારનો અખાડો ચલાવતા હોવાનું ધ્યાને આવતા આ સ્થળે એલસીબી પોલીસ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં જીતેશભા ઉર્ફે જીતુભા મેપાભા માણેક (ઉ.વ. 42), ખંભાળિયામાં ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા રાજા ઉર્ફે કાનો વેજાણંદ જોગાણી, કલ્યાણપુર તાલુકાના ભોગત ગામે રહેતા મંગળસિંહ ઉર્ફે હકુભા ભૂપતસિંહ વાઢેર અને ભોગાત ગામના નગા ગગુ ગઢવી નામના ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા 3,05,200 ની રોકડ રકમ તેમજ રૂ. 20,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત આરોપી રાજા ઉર્ફે કાનો વેજાણંદ જોગાણીની માલિકીની રૂપિયા 7લાખની કિંમતની ક્રેટા મોટરકાર મળી કુલ રૂ. 10,25,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડાની આ કાર્યવાહી દરમિયાન ખંભાળિયામાં રહેતો દુલા લુણા ગઢવી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાસી છૂટયો હોવાનું વધુમાં જાહેર થયું છે. જેથી પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે. આ જુગાર દરોડામાં ઝડપાયેલા જીતેશભા ઉર્ફે જીતુભા માણેક દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હોવાનું તેમજ આ દરોડાના અન્ય આરોપી નગા ગગુ ગઢવી ભોગાત ગામના પૂર્વ સરપંચ હોવાનું તથા ફરાર થઈ ગયેલા દુલા લુણા ગઢવી ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના ભાઈ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે.