ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી બોટોમાં જીવના જોખમે યાત્રા કરતા યાત્રાળુઓ
- નિયમો વિરૂદ્ધ ઓવર કેપેસીટીમાં ભરાતા પેસેન્જરો
- બોટમાં પુરતા લાઈફ જેકેટ્સનો અભાવઃ નિયમ દરથી વધારે ભાડુ લઈ ઉઘાડી લૂંટ
ઓખા,તા. 1 નવેમ્બર 2019, શુક્રવાર
ઓખા - બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવસમાં હાલમાં દિવાળી વેકેશનમાં યાત્રાળુઓના ચિકકાર ટ્રાફીક વચ્ચે આયોજનના અભાવે નિયમ વિરૂધ્ધ તેમજ જીવના જોખમે જાત્રા કરવા યાત્રાળુઓ મજબૂર બન્યા છે.
યાત્રાધામ બેટ દ્વારકા એ ભગવાન શ્રીકૃષ્ણનું શયન સ્થાન હોય આ યાત્રાધામમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે આશરે ૧૭૦ જેટલી પેસેન્જર ફેરી બોટ ચલાવવામાંં આવે છે. હાલમાં દિવાળીનું વેકેશન હોય દર વર્ષની જેમ હજારો ભાવિકો દિવાળી વેકેશનમાં નવા વર્ષમાં ભગવાનના દર્શનાર્થે આવતા હોય ચિકકાર ગીર્દી જોવા મળી રહી છે. યાત્રાળુઓના આ ટ્રાફીકને રોકડા કરી લેવાની ગણતરીએ ઓખા - બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવસમાં બોટ ચાલકો દ્વારા નિયમોની વિરૂધ્ધ ઓવર કેપેસીટીમાં પેસેન્જરો ભરાતા હોવાની, લાઈફ જેકેટસનો અભાવ કે અપૂરતા હોવાની તેમજ મુસાફરો પાસેથી નિયત દરથી વધારે ભાડુ લેવાતું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
વેકેશનના ટ્રાફીકની સાથે જરૂરી વ્યવસ્થા ઓખા મેરીટાઈમ બોર્ડ તેમજ સબંધિત વિભાગે કરવાની થતી હોય તેઓ દ્વારા આ મામલે ઘોર બેદરકારી દાખવતાં યાત્રાળુઓની સલામતી તેમજ સગવડતાના ભોગે બોટ ચાલકોને ખુલ્લો દોર મળી જતાં ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. આ અંગે મેરીટાઇમ બોર્ડની ઘોર બેદરકારીથી યાત્રીકોના જીવ જોખમમાં મૂકાયા છે.