દેવભૂમિ દ્વારકા: પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી જિંદગી ટૂંકાવી
- ભાવનગર રહેતા પરિણીતાના માતાની ફરિયાદ પરથી 5 સામે ફરિયાદ
ખંભાળિયા, તા. 18 મે 2020, સોમવાર
દેવભૂમિ દ્વારકામાં ઓખા મંડળની એક પરિણીત યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવેલા અમાનુષી અત્યાચારથી કંટાળીને શનિવારે ગળાફાંસો ખાઈ લીધો હતો. સુરજકરાડી વિસ્તારમાં આવેલા ગણેશપરા ખાતે રહેતા અજય અશોકભાઈ વાઘેલા નામના યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે ભાવનગર તાલુકાના સીદસર ગામે રહેતા ભાવનાબેન રમેશભાઈ ગોહિલ(50)ની પુત્રી પ્રીતિ સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન પ્રીતિબેન પર પતિ અજય, સાસુ ગૌરીબેન, સસરા અશોકભાઈ મનજીભાઈ વાઘેલા, દેર અમિત અને નણંદ વૈશાલી દ્વારા ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ કારણથી તેણે કંટાળીને શનિવારે ગણેશપરા ખાતે તેના સાસરે જ પંખાના હુકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાની માતાની ફરિયાદ પરથી તેની પુત્રીને આત્મહત્યા માટે મજબૂર કરવા મામલે પાંચ સાસરિયાઓ સામે અહીંની મહિલા પોલીસમાં ગુનો નોંધાયો હતો.