દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંલગ્ન અન્ય જિલ્લાની ચેકપોસ્ટ બાબતે નવા હુકમ જાહેર કરાયા
- જિલ્લા કલેકટર દ્વારા તેની અમલવારી માટે હુકમ
જામ ખંભાળિયા, તા.7 મે 2020, ગુરૂવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કરવા તથા જિલ્લામાંથી બહાર જવા માટે જુદા- જુદા સ્થળોએ ચેકપોસ્ટ કાર્યરત છે. આ ચેક પોસ્ટ અંગે વિવિધ સુચનો સાથેનું જાહેરનામું દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના દ્વારા આ જિલ્લાની તમામ ચેક પોસ્ટ ખાતે વિવિધ સૂચનાઓ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતે કોઈપણ વ્યક્તિના "ડિજિટલ ગુજરાત ઓનલાઈન પાસ" તથા "Covid-19 symptoms free Certificate" તથા મેડીકલ સ્ક્રિનિંગ વગર જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં.
ડીજીટલ ગુજરાત વેબપોર્ટલ અંતર્ગત આપવામાં આવેલા ઓનલાઈન પાસ સિવાય કોઈપણ પ્રકારના પાસ માન્ય રાખવામાં આવશે નહીં. ડીજીટલ ગુજરાત પાસની તારીખથી બે દિવસની મુદત સુધી તથા "Covid-19 symptoms free Certificate"ની ઇસ્યુ તારીખથી ત્રણ દિવસની મુદતની ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાય તો જ આવી વ્યક્તિને મેડિકલ સ્ક્રિનિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે.
ડિજિટલ ગુજરાત વેબપોર્ટલ અંતર્ગત ઇસ્યુ થયેલા ઓનલાઈન પાસ "લોક ડાઉન પાસ વેરીફિકેશન" એપ વેરીફાઈ થઈ શકશે. કન્ટેનમેન્ટ ઝોન/ વિસ્તાર જાહેર થયેલા વિસ્તારમાંથી કોઈપણ વ્યક્તિ કે વાહનને આ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ હુકમ ઈમરજન્સી કે મેડિકલ સેવા માટે લાગુ પડશે નહીં. તેમ આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.