દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં ખનીજ ચોરી કરીને વેચાણ અંગેનું મસમોટું કૌભાંડ
- સાડા ત્રણ માસ પૂર્વેના પ્રકરણ અંગે આખરે નવ શખ્સો સામે ગુનો નોંધાયો
ખંભાળિયા, તા. 8 જુન 2020, સોમવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આજથી આશરે સાડા ત્રણ માસ પૂર્વે ઝડપાયેલી ખનીજ ચોરી પ્રકરણમાં મોટા પ્રમાણેમાં ડુપ્લીકેટ રોયલ્ટી સહિતનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આના અનુસંધાને ગત્ મોડી સાંજે કલ્યાણપુર પોલીસ મથકના સંબંધિત અધિકારી દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ વીરપુર- ગાંગડી ગામ જમીનમાંથી વિવિધ ટ્રક મારફતે બ્લેક ટ્રેપ નામના ખનીજની મોટા પ્રમાણમાં ચોરી થયાનું ખાણ ખનીજ વિભાગના ધ્યાને આવ્યું હતું. તપાસમાં કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા વીરપુર તથા ગાંગડી ગામના સર્વે નંબર 180/1/અ તથા ગાંધવી ગામના સર્વે નંબર 270 પૈકીની જમીનના કુલ ચાર વિસ્તારોમાંથી બ્લેક ટ્રેપ ખનીજ કાઢવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.
ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ બે ટ્રક મારફતે બ્લેક ટ્રેપ નામની કપચી (ખનીજ) ભરીને નીકળેલા આ ટ્રક સાથે રહેલી રોયલ્ટી ડુપ્લિકેટ હોવાનું જાહેર થયું હતું. ખનીજની લીઝમાં કાઢવામાં આવતા ઓરીજનલ જેવા રોયલ્ટી પાસ ડુપ્લીકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, એ બન્ને ટ્રક મારફતે કપચી ભરી, ડુપ્લીકેટ રોયલ્ટી સાથે નીકળેલા બન્ને ટ્રક ચાલક તથા સંબંધિત ખરીદકર્તાઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી જી. એચ. આરેઠીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીરપુર ગાંગડી ગામના લીઝ ધારક સામત ધરણાતભાઈ ગોજીયા, આ જ ગામના લીઝ ધારક દાના રણમલભાઇ ગોજીયા, અન્ય લીઝ ધરાવતા ગાંધવી ગામના પરબત રામશીભાઈ ગોજીયા, ખનીજનો સ્ટોક મેળવનાર ગાંઘવી ગામના ક્રિષ્ના સ્ટોન વર્કસ, અન્ય ખરીદકર્તા કલ્યાણપુર તથા ભાટીયાના શિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ, તથા બંને ટ્રકના માલિક સામત ધરણાંતભાઈ ગોજીયા (રહે. ગાંગડી , તા. કલ્યાણપુર) તથા તેના ચાલક મહેશ સામ વન ( રહે. ગાંગડી), અન્ય ટ્રકના ચાલક રામસિંહ કાનાભાઈ ગોજીયા (રહે. ગાંગડી) સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.