શિવરાત્રીએ દ્વારકાના ઐતિહાસીક શિવાલય ભડકેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય લોક મેળો
- સવારથીજ સમગ્ર ઓખામંડળના લોકોથી ૐનમઃ શિવાયના નાદથી શિવાલય ગુંજી ઉઠશે
દ્વારકા, તા. 2 માર્ચ 2019, શનિવાર
યાત્રાધામ દ્વારકામાં ઠેર-ઠેર શિવાલયો સ્થાપિત છે .અને દરેક શિવાલયની આગવી વિશેષતા રહી છે. આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગલિક વિશેષતા ધરાવતું ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરે શિવરાત્રીને તા. 4 ના રોજ ભવ્ય લોકમેળો યોજાશે.
રત્નાકર પોતાના જળ થી ભગવાન શિવના નિત્યચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશીની મધ્યે ખડક પર ભડકેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. સેકંડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સામે બાથ ભિડીને પોતાની ધ્વજા-પતાકા લહેરાતુ આ મંદિર દ્વારકા નગરીના પ્રભાવશાળી ધાર્મિક સ્થાનોમાનું એક છે. મહાશિવરાત્રિએ દર વર્ષે ભડકેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય લોકમેળો યોજાય છે.
મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથીજ ભાવિકોના ધોડાપુર ઉમટી પડશે. અને બિલ્લીપત્ર તથા દુધનો અભિષેક કરી ષોડશોપચાર મંત્રો સાથે શિવની વિશેષ પુજા-અર્ચના કરી ભાવકો ધન્યતા પ્રાપ્ત કરશે. શિવરાત્રીએ હજારો ભક્તો આવતા હોય મંદિરના પુજારી તેમજ સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મહાશિવરાત્રીને ભડકેશ્વર મહાદેવના શિવાલયે સવારે ૫ વાગ્યે મહાઆરતી થશે .ત્યારબાદ નિજમંદિરમાં 6:30 વાગ્યા સુધી ભાવિકોને અભિષેક પુજા કરવા દેવામાં આવશે. રાત્રે દસ વાગ્યે ફુલ શ્રુંગાર કરવામાં આવશે. રાત્રીના 12:00 વાગ્યે મહાશિવરાત્રીની મહાદેવને વિષેશ આરતી કરવામાં આવશે.