ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી
- બીમારી તથા માનસિક અસ્વસ્થતા વચ્ચે આપઘાત કર્યાનું ખુલ્યું
- શહેરભરમાં ભારે ચકચાર સાથે અરેરાટી
ખંભાળિયા, તા. 18 જુન 2020, ગુરુવાર
ખંભાળિયાના જાણીતા ઓઈલ મીલર અને આહિર જ્ઞાતિના અગ્રણી એવા એક વૃદ્ધે તેમની શારીરિક અને માનસિક બીમારી વચ્ચે આજરોજ બપોરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ભડાકો કરી, આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલા અશોક ઉદ્યોગનગર નામના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઈ આંબલીયા નામના 65 વર્ષના વૃધ્ધના ધર્મપત્ની આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે અવસાન પામ્યા હતા. ત્યારથી તેઓ તેમનો મોટા ભાગનો સમય અશોક ઉદ્યોગનગર ખાતે આવેલી તેમની ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગાળતા હતા.
ખંભાળિયાના આહિર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ તથા રામભાઈ આશ્રય મિલવારા તરીકે ઓળખાતા રામભાઈ આંબલીયા છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ તથા હાઈ બીપીની બીમારી વચ્ચે ઓછી સ્મરણશક્તિ અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ દરમિયાન આજરોજ ગુરુવારે તેમના પરિવારમાં એક પુત્રીના લગ્ન હોવાથી તેમના પરિવારજનો આ લગ્નમાં ગયા હતા. જ્યારે રામભાઈ તથા તેમનો પુત્ર મનીષ અને મનિષભાઈનો ભાણેજ મિલન છૂછર સવારે આશ્રય મિલ ખાતે હતા.
આજરોજ બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે મિલન અહીંની એક હોટલમાંથી ત્રણેય વ્યક્તિઓ માટે ભોજનનું ટિફિન લઈને આવ્યો હતો. દરમિયાન રામભાઈ પોતાને અસ્વસ્થ અલગતા ઓઈલ મિલમાં જ આવેલા બીજા માળ ખાતે તેઓ ગયા હતા. જ્યાં બપોરના આશરે એકાદ વાગ્યે નીચે રહેલા મનિશ તથા મિલનને ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા આ બન્ને અગાસી પાસે દોડી ગયા હતા. જ્યાં રામભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સાંપડ્યો હતો. રામભાઈ પોતાના હાથે પોતાની લાયસન્સવારી રિવોલ્વર મારફતે પોતાના કપાળની વચ્ચે જ એક ભડાકો કરીને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા અહીંના પી.એસ.આઈ. અનિરુદ્ધસિંહ ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પુત્ર મનીષભાઈ રામભાઈ આંબલીયા (ઉ. વ. 38) નું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.