ખંભાળિયામાં અનાજના વેપારીઓનું પોલીસ સાથે ઘર્ષણ: તમામ દુકાનો બંધ કરાઈ: મામલો ગરમાયો
જામ ખંભાળિયા, તા. 30 એપ્રીલ 2020, ગુરુવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં હાલ કોરોનાની પરિસ્થિતિમાં મહત્વની જીવનજરૂરી ચીજવસ્તુઓ એવા અનાજ કરિયાણાના વેપારીઓને કોઈ બાબતે આજે સવારે સ્થાનિક પોલીસ તંત્ર સાથે મનદુઃખ સર્જાતા સવારે જ શહેરના મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના હાર્દસમાન જોધપુર ગેટ વિસ્તારના અનાજ કરિયાણાનો વેપાર કરતા કોઈ વેપારી સાથે પોલીસને કોઈ મુદ્દે રકઝક થયા બાદ આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે અનાજના વિવિધ એસોસિએશન દ્વારા એક સંપ કરીને તુરત જ તેમના શટરો પાડી દઈ, પોતાની દુકાનો બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે અહીંના પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને ઉચ્ચકક્ષાએ રજૂઆતો તથા મિટિંગોનો ધમધમાટ ચાલુ થયો છે. આ મુદ્દે સ્થાનિક તંત્રની કહેવાતી કેટલીક દાદાગીરી સામે આ પગલું ભરવામાં આવ્યાનું વેપારીઓ દ્વારા સાંભળવા મળ્યું હતું.