દ્વારકાના ભદ્રકાલી ચોક, રેલવે સ્ટેશન રોડ પર ગોઠણડૂબ પાણી
- મુશળધાર વરસાદથી યાત્રાધામ જળબંબાકાર
- રૂપેણ બંદરે મકાનોમાં ઘુસ્યા પાણી
દ્વારકા, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
યાત્રાધામ દ્વારકામાં ગત રાત્રીથી મધ્યરાત્રી સુધીમાં ૧૧ ઈંચ વરસાદ પડતાં મુખ્ય ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ ઉપર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં અવર-જવર ઠપ્પ થઈ ગઈ હતી. જ્યારે રૂપેણબંદરના નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં કમરડુબ પાણી ભરાઈ જતાં લોકો હેરાનગતિમાં મૂકાયા હતા.
યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે સવારથી ઝરમર વરસાદ ચાલું થયા બાદ રાત્રીના આઠ વાગ્યા પછી ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ રાત્રીના બે વાગ્યા સુધી વરસ્યો હતો અને ત્યારબાદ પણ ધીમીધારે આખી રાત વરસાદ ચાલું રહ્યો હતો. પરિણામે દ્વારકાના મુખ્ય રસ્તાઓ ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ, તોતાત્રીમઠ સહિતના રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
જ્યારે રૂપેણબંદર વિસ્તારમાં ઝુંપડાઓ, મકાનોમાં, કમરડુબ પાણી ભરાય ગયેલ હોવાથી બેટમાં ફેરવાયું છે. રૂપણ બંદર પર વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ગયેલ હોય લોકો હાલાકીમાં મૂકાયા છે.