મેઘરાજાના રોદ્ર સ્વરૂપથી ખંભાળિયા બેટમાં ફેરવાયું
- સાંબેલાધારે 18 ઈંચ સાથે મોસમનો 101 ટકા વરસાદ
- ખંભાળિયા-જામનગર વચ્ચે પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો
અનેક સ્થળે ખાનાખરાબી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘ મહેરની બદલે જાણે મેઘરાજાનો કહેર વરસ્યો હોય તેમ ખંભાળિયા પંથકમાં આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયેલા વરસાદે બપોર બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને સાંજે બે કલાકમાં સાંબેલાધારે ૧૨ સહિત સાંજે ૧૮ ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
ખંભાળિયા તાલુકામાં આજે સવારથી સાંજ સુધીમાં ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઢળતી સાંજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બે કલાકમાં બાર ઈંચ પાણી વરસી ગયું હતું. આમ આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં ૧૮ ઇંચ જેટલું પાણી વરસાદ વરસી ગયો હતો.ખંભાળિયામાં આ સાથે મોસમનો કુલ વરસાદ ૭૨૨ મીલીમીટર થયો છે. મહત્વની બાબત તો એ છે કે સરકારી ચોપડે વાષક સરેરાશ ૭૧૪ મી.મી. પાણી પડે છે. ત્યારે આજે ચોમાસાના પ્રારંભે જ મોસમનો ૧૦૧ ટકા વરસાદ વરસી ગયો છે.
આજના મુશળધાર વરસાદથી ખંભાળિયા પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક નુકશાની થયાનું પણ સામે આવ્યું છે. ખંભાળિયાના શક્તિનગર- બંગલાવાડી વિસ્તારમાં કેટલાક નિચાણવાળા ભાગોમાં આશરે બે ડઝન જેટલા મકાનોમાં જ્યારે યોગેશ્વરનગરના કેટલાક વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાની થવા પામી હતી. આ ઉપરાંત આ વિસ્તારના રહીશો પણ ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.
ખંભાળિયાના પાદરમાં આવેલી સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠક પાસેના નદીના વહેણમાં ઘોડાપુર ઉમટયા હતા. જેના કારણે બેઠકમાં ગોઠણબુડ પાણી ભરાઈ ગયા હતા. આ સાથે અહીંના નારાયણ નગર વિસ્તારમાં પણ કેટલાક સ્થળોએ વ્યાપક પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે ખંભાળિયા જામનગર રોડ પરના દાતા ગામ પાસેના મેઇન રોડને જોડતા પુલ પરથી પાણી વહેવા લાગતા હાઈવે પરનો સંપર્ક તુટી ગયો હતો. આ ઉપરાંત દાતા ગામમાં પાણી ભરાઈ જતા અનેક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
આ મુશળધાર વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઇ જતા નુકશાની થવાની દહેશત પણ વ્યક્ત કરાઈ રહી છે. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં તથા જામનગર રોડ પરના સિંહણ ડેમમાં પણ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી આવી ગયાનું જાણવા મળેલ છે. આમ, મુશળધાર વરસાદે અનેક સ્થળોએ ભયાવહ ચિત્રો ખડા કર્યા હતા અને થોડો સમય લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.