ઓખામાં સુધરાઇ પ્રમુખ સહિત ચાર શખ્સોનો પરિવાર પર હુમલો
- જાહેરમાં ગાળો બોલવા બાબતે થયેલી માથાકૂટ
- બે શખ્સોએ સાળા - બનેવીને માર માર્યા બાદ પાલિકાનાં પ્રમુખ સહિતનાં ઇસમોએ ઘરે પણ ધસી જઇને મહિલાઓને પણ કરી મારકૂટ
ખંભાળિયા, તા. 20 ઓક્ટોબર 2019,રવિવાર
ઓખામાં ગાળો બોલતાં બે શખ્સોને ટપારતાં સાળા - બનેવી સાથે આ શખ્સોએ માથાકૂટ કર્યા બાદ આ ડખ્ખામાં ઓખા નગરપાલિકાના પ્રમુખ સહિત ચાર શખ્સોએ મહિલા સહિતનાં પરિવારજનો ઉપર પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો પોલીસમાં નોંધાયો છે.
ઓખા મરીન પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ, ઓખાની બજારમાં સ્થાનિક રહીશો સંજય અને કિશોર આલાભા માણેક નામના બે શખ્સો ગાળા - ગાળી કરી રહ્યા હતા, ત્યારે ઓખામાં નવી નગરી ખાતે રહેતા માંડણમાં નંઢાભા જગતીયાના પુત્ર તથા જમાઇ પાન - ફાકી ખાવા ગયા હતા, જ્યાં તેઓએ ગાળા-ગાળી કરી રહેલા સંજય અને કિશોરને ગાળો બોલવાની ના કહી હતી.
આનાથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ સાળા - બનેવીને ફડાકા ખેંચી લીધા હતા. આટલું જ નહિં, તેઓએ ફોન કરી, બીજા લોકોને પણ બોલાવતાં થોડી જ વારમાં ઇનોવા કાર મારફતે ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતન ભાવસીંગ માણેક અને કેશુ માલા નામના શખ્સો માંડણભા જગતીયાના ઘર પાસે મોડી રાત્રીના સમયે ધસી આવ્યા હતા.
આ સ્થળે આવી, આરોપીએ - ''આને પતાવી દયો, છરી - ધોકા બધું કાઢો અને મારો'' તેમ કહેતાં ભારે દેકારો બોલી ગયો હતો. આથી ફરિયાદી માંડણભાના પુત્ર શિવરાજ તથા તેમના પરિવારના દેવલબેન તથા ભાવનાબેન તેઓને છોડાવવા વચ્ચે પડતાં ચેતન માણેક ભાવનાબેનના પેટમાં લાતા મારી, તેણીને તથા અન્ય પરિવારજનોને ઇજાઓ પહોંચાડી હતી. જેથી ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આટલું જ નહિં, આરોપી એ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતાં ઓખા મરીન પોલીસે ચારેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ. સી.બી. જાડેજાએ હાથ ધરી છે. આ બનાવે ઓખા મંડળમાં ભારે ચકચાર જગાવી છે.