Gujarat

દ્વારકા-જામનગરમાં સિઝનનો 100% વરસાદ ખાબક્યો

By GS Team
8 Jul 20201 min read
This article was originally published on 8 Jul 2020
દ્વારકા-જામનગરમાં સિઝનનો 100% વરસાદ ખાબક્યો

દ્વારકા, તા. 08 જુલાઈ 2020 બુધવાર

વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ પગલે હાલ સર્વત્ર પાણી પાણી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સીઝનનો 100 % વરસાદ વરસી પડ્યો છે. 

અષાઢ મહિનાની શરૂઆતમાં જ મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. જેથી હવે આગામી ઉનાળામાં જામનગર અને દ્વારકા જિલ્લાના લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય.

ખંભાળીયામાં 12 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ, ભાણવડમાં 7.5 ઇંચ, જામ જોધપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 5 ઇંચ, લાલપુરમાં 5 ઇંચ, રાણાવાવમાં 5 ઈંચ, પોરબંદરમાં 4 ઇંચ વરસાદ 24 કલાકમાં નોંધાયો છે.