સલાયા: આર્થિક સંકડામણથી ત્રાસીને પ્રૌઢની આત્મહત્યા
સલાયા, તા. 25 જુલાઈ 2020, શનિવાર
સલાયામાં હવેલી શેરીમાં રહેતા જેન્તીલાલ ડાયાલાલ રાવત નામના 54 વર્ષીય પ્રૌઢે આર્થિક ભીંસને કારણે તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. જેન્તીલાલભાઈ સાઇકલ પર છૂટક ફેરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેના એક પુત્ર પર કરજ વધી જતાં લેણદારોનો તકાદો પણ વધ્યો હોવાથી તે મૂંઝાઈ ગયા હતા.
આજે સવારે 7 વાગ્યા આસપાસ બાથરૂમના દરવાજામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેનાં પત્ની તાત્કાલિકે એમને હોસ્પિટલે લઈ ગયાં હતાં. જોકે ત્યાં સુધીમાં પ્રૌઢે દમ તોડી દીધો હતો. કોરોના મહામારી બાદ આર્થિક-સામાજિક ચિત્રમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. લોકડાઉન દરમ્યાન અને ત્યાર બાદ ધંધા ભાંગી પડવાથી સૌરાષ્ટ્રમાં નાણાકીય સંકડામણે અનેક લોકોને મોતના મોંમાં ધકેલી દીધા છે.