દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓના શિક્ષકોને તા. 8 મી થી મેડિકલ સર્ટિ. સાથે હાજર રહેવા હુકમ
જામ ખંભાળિયા, તા.29 મે 2020, શુક્રવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે, અને ઉનાળુ વેકેશન સાથે શાળાઓમાં પણ બંધ છે. ત્યારે આગામી તારીખ 8 મી જુનથી જિલ્લાના શિક્ષકોએ સ્થાનિક શાળાઓમાં મેડિકલ સર્ટિ સાથે ઉપસ્થિત રહેવા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
હાલ કોરોના વાયરસની મહામારીના કારણે લોક ડાઉન- 4 અમલી છે જે પણ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે. ત્યારે દર વર્ષની જેમ ઉનાળુ વેકેશન હાલ પૂર્ણ થતું હોય, આગામી તા.8 મી જૂનથી જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં સો ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ અંતર્ગત વેકેશન ખુલતા અન્ય જિલ્લાના શિક્ષકો દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 8 મીથી ફરજ પર હાજર થનાર છે. કોરોના વાયરસની મહામારીમાં તકેદારીના પગલારૂપે અન્ય જિલ્લામાંથી અત્રે જિલ્લામાં ફરજ પર આવતા દરેક શિક્ષકોએ જે - તે તાલુકા આરોગ્ય અધિકારીનું કોરોના અંગેનું આરોગ્ય સર્ટિફિકેટ ફરજિયાત પણે મેળવીને ફરજ પર હાજર થવા અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવા સ્થાનિક તાલુકા શિક્ષણાધિકારીઓને આ અંગેની સૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર દ્વારા આપવામાં આવી છે.
જો કે શાળાઓ પૂર્વવત્ રીતે શરૂ થવા અંગે કોઈ યાદી કે સૂચના જાહેર કરાઈ નથી. પરંતુ સંભવતઃ રીતે જુલાઈ કે ઓગસ્ટ માસમાં શૈક્ષણિક કાર્યો ખાસ નિયમો તથા સૂચનાઓ સાથે શરૂ થાય તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.