દ્વારકાના જગતમંદિરે શ્રીજીને ગરમી ન લાગે તે માટે પુષ્પ વસ્ત્રોના અનેરા શણગાર
દ્વારકા, તા.27 એપ્રિલ 2020, સોમવાર
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અક્ષય તૃતીયાથી લઈ અષાઢસુદ એકમ સુધી બે માસ દરમ્યાન જગત મંદિરે કાળિયા ઠાકોરજીને ફૂલોના વસ્ત્રો અંગીકાર કરાવવામાં આવે છે. દ્વારકાધીશજીને ગરમી ન લાગે તે રીતે તેમના શુંગાર કરવામા આવે છે.
આ અંગે દ્વારકાધીશ મંદિરના વારદાર પુજારી વૈભવભાઇએ જણાવ્યું કે, આજથી દરરોજ બપોરે 1 થી 5 વગ્યા સુધી પુજારી પરીવારની મહિલાઓ તેમજ વૈષ્ણવો દ્વારા જગતમંદિર ભોગ ભંડારના ભાગમાં ભગવાનના વસ્ત્રો બનાવવાની સેવા કરવામાં આવી રહી છે. આ વસ્ત્રો બનાવવા બદામના પાંદડા પર ચમેલી ,જુઈ , મોગરો, ગુલાબ, વગેરે ના ફૂલોની કળીઓથી ભગવાન ના વાઘા એટલે કે વસ્ત્રોને સજાવવામા આવે છે.
આ ફુલ જામનગર, ખંભાળિયા સહિત શહેરોમાંથી દરરોજ મંગાવામાં આવે છે. અને સાંજે ભગવાન કાળિયા ઠાકોરજીને શ્રીઅંગે અંગીકાર કરાવવામા આવે છે. વિવિધ ફૂલોની કડીઓથી ભગવાનના શુંગારના મનમોહક દર્શનનો લાભ ભાવીકો સોશ્યલ મિડીયાના માધ્યમથી લે છે.
ભગવાન બે માસ સુધી ભારે વસ્ત્રો અંગીકાર કરતા નથી. સોના ચાંદી બદલે પુષ્પોના વસ્ત્રો ભગવાનને અંગીકાર કરાવવામા આવે છે.