ખંભાળિયામાં સમય મર્યાદા પછી પણ દુકાન ખુલ્લી રાખતાં કારીગરો, વેપારીઓ સામે ગુનો
ખંભાળિયા, તા. 02 જૂન 2020, મંગળવાર
અનલોક-1ના પ્રથમ દિવસે ગઈકાલે સોમવારે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટરના જાહેરનામાને અવગણી, ખંભાળિયામાં ગત રાત્રીના 8 વાગ્યે અહીંની ઝવેરી બજારમાં આવેલા મોમાઈ કોમ્પ્લેક્સમાં દુકાનો ખુલ્લી રાખવા સબબ 8 વેપારી તથા કારીગરોને પોલીસે ઝડપી લીધા હતા.
ખંભાળિયામાં મહાકાળી ચોક નજીક આવેલા મોમાઈ કૉમ્પ્લેક્સમાં ગઈકાલે સોમવારે રાત્રીના આઠેક વાગ્યાના સમયે દુકાનો ખુલ્લી રાખીને બેઠેલા આઠ આસામીઓને અહીંની પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.
કોરોના વાયરસ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા બાદ ખંભાળિયા તાલુકાના સલાયા ગામની મેઈન બજારમાંથી રાત્રીના દસ વાગ્યે કામ વગર નીકળેલા એક યુવાનને પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રે યુવાન સામે તથા ઓખામાં એક શખ્સ સામે પણ સ્થાનિક પોલીસે જાહેરનામા ભંગ સબબની કાર્યવાહી કરી હતી.