ખંભાળિયામાં સુરતથી આવેલા મહિલાને કોરોના પોઝિટિવ: જિલ્લામાં કુલ આંકડો વીસ સુધી પહોંચ્યો
જામ ખંભાળિયા, તા. 20 જુન 2020, શનિવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવનો વધુ એક કેસ આજરોજ શનિવારે નોંધાયો છે.જેમાં સુરતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવેલા અને ભાડથર ગામના રહીશ એવા એક મહિલાને કોરોના હોવાનું આજે જાહેર થયું છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના મુળ વાતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા પચાસ વર્ષીય એક મહિલા તેમના પતિ સાથે ગત્ તારીખ 18મી ના રોજ સુરતથી નીકળી, ગઈકાલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની બસમાં ખંભાળિયા ઉતર્યા હતા.
ખંભાળિયા ઉતાર્યા બાદ બંને તેઓની મોટરકાર મારફતે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાડા ચારેક વાગ્યે તેમને ગળાના દુખાવા જેવા કોરોનાના લક્ષણો જણાતાં તેમના કોરોના અંગેના સેમ્પલો આજરોજ શનિવારે લેવામાં આવ્યા હતા.
જ્યાં તેના રિપોર્ટ પરથી આ મહિલાને કોરોના હોવાનું જાહેર થયું હતું. કોરોનાગ્રસ્ત મહિલાને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં તેમની સાથે તેમના પતિને પણ ખંભાળિયાની હોસ્પિટલમાં હાલ પૂરતા રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવ અંગે ખંભાળિયાના આરોગ્ય વિભાગના સ્ટાફે કોરોનાગ્રસ્ત મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની માહિતી એકત્ર કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આજના આ વધુ એક પોઝિટિવ કેસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો 20 સુધી પહોંચ્યો છે.