પતિએ તલાક આપવા કહેતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
- મીઠાપુરનાં ઉદ્યોગનગર વિસ્તારની ઘટના
- વારંવાર મેણા મારીને શંકા-કુશંકા કરી મારકૂટ પણ કરતા એસિડ ગટગટાવ્યું
ખંભાળિયા, તા.18 જુલાઈ, 2020, શનિવાર
મીઠાપુરમાં પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ એસિડ ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટનાથી ચકચાર જાગી છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા જમીલાબેન આરીફભાઈ મધરા નામના એક મહિલાને તેના પતિ આરીફ ઈસ્માઈલભાઈ મધરા દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણા ટોણા મારી, અને વિવિધ બાબતે શંકા-કુશંકા કરવામાં આવતી હતી. એટલું જ નહીં પતિ દ્વારા જમીલાબેનને મારકૂટ કરી, છેલ્લા એકાદ માસથી તેણી તથા તેના બાળકોને બોલાવતો ન હતો.
આ ઉપરાંત આરીફ દ્વારા પોતાની પત્નીને તલાક આપવાનું કહેતા આ પ્રકારના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને જમીલાબેને એસિડ પી લેતાં તેણીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.આ સમગ્ર બનાવ અંગે મહિલા પોલીસે જમીલાબેનની ફરિયાદ પરથી આરીફ ઈસ્માઈલ સામે આઈ. પી. સી. કલમ ૪૯૮ (એ) તથા ૩૨૩ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.