ભાણવડ નજીક એસટી બસ ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
- સદભાગ્યે જાનહાની ટળી
જામ ખંભાળિયા, તા. 5 સપ્ટેમ્બર 2021 રવિવાર
ભાણવડ નજીક આજરોજ સવારે એસટીની એક બસના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગાંધીનગર- જામજોધપુર રૂટની એસ.ટી.ની બસ આજરોજ સવારે આશરે સાડા પોણા સાતેક વાગ્યે ભાણવડથી નીકળી અને વેરાડ ગામ પાસે પહોંચી હતી, ત્યારે બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી આ બસ રોડની રેલીંગ તોડી, એક ખેતરમાં ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં બસના ડ્રાઈવર તથા કંડકટરને ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસમાં મુસાફરોની સંખ્યા નહિવત્ હોવાથી સદ્દભાગ્યે મોટી જાનહાની અટકી હતી.