અઢી માસ બાદ આજથી દ્વારકામાં ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન કરી શકશે
- સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા નિજ મંદિર પટાગણ પરિસર સહિત રેલીંગો કાઢી નાખી છ-છ ફુટના ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા
દ્વારકા, તા. 7 જૂન 2020 રવિવાર
યાત્રાધામ દ્વારકા જગતમંદિરના દ્વાર કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે છેલ્લા અંદાજીત અઢી માસથી બંધ હતા. ત્યારે સમગ્ર ગુજરાતના તિર્થધામો ના દ્વારો સરકાર દ્વારા 8મી જૂનથી ખોલવાની છુટછાટ આપી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં આવેલ જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરના દ્વાર ખોલવા તંત્ર દ્વારા તૈયારીનો આખરી ઓપ આપી દિધો છે.
જગતમંદિર પટાંગણ, પરિસર સહિતની જગ્યાએ ભાવિકોની ભીડ ન થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે રેલીંગો કાઢી છ-છ ફુટનું સોશ્યલ ડીસ્ટન્સ જળવાય રહે તે હેતુથી ગોળ રાઉન્ડ મંદિર પરીસરમાં નિજ મંદિરમાં દોરવામાં આવ્યા છે.
મંદિર પરીસરમાં દર્શને આવનાર ભાવિકોને આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે તેમજ દેવસ્થાન સમિતિ દ્વારા સેનેટાઇઝ સહિતના મશીનો મુકવામાં આવ્યા છે. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઇઝ કરીને ભક્તોને મંદિર અંદર પ્રવેશ આપવામાં આવશે. અંદાજીત અઠી માસ બાદ સોમવારથી ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન કરી શકશે પણ ભાવિકોએ ચુસ્ત નિયમોનું પાલન કરવું પડશે.