પાક.માં પતિ સાથે તલાક બાદ ભારત આવેલી મહિલાને મળ્યું નાગરિકત્વ
- 13 વર્ષથી ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ
- 1999 માં પાક.માં લગ્ન થયા હતા, તલાક અને પતિના મોત બાદ હસીનાબેન ભાણવડમાં પિતાનાં ઘરે રહે છે
જામખંભાળિયા, તા. 19 ડિસેમ્બર 2019, ગુરૂવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની મુસ્લિમ યુવતીના પાકિસ્તાનમાં લગ્ન થયા બાદ તેણીના તલાક અને પતિના મૃત્યુ બાદ તેણી પુન: ભારતમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જે અંગેની તેણીની રજૂઆત અને નિયમ મુજબ તેણીને ભારતની નાગરીક હોવા અંગેનો સત્તાવાર પરિપત્ર જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યો છે.
વર્ષ ૧૯૯૯માં હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતેના વેરાડ ગેઇટ પાસે રહેતા અબ્બાસ અલી વાડસરીયા તથા દોલતબાઇ વાડસરીયાની ૧ માર્ચ ૧૯૭૬ના દિને જન્મેલી પુત્રી હસીનાના લગ્ન આજથી ૨૦ વર્ષ પહેલાં ૧૯૯૯ની સાલમાં પાકિસ્તાની નાગરીક તનવીર કરીમ ખોજા સાથે થયા હતા.
સાત વર્ષના તેણીના લગ્નજીવન બાદ તેણીના તલાક થયા હતા. બાદમાં પતિનું મૃત્યુ થયું હતું. આથી ઉપરોકત યુવતી હસીના તેણીના ભાણવડ ખાતે રહેતા પિતાના ઘરે રહેવા ચાલી આવી હતી.
છેલ્લા આશરે તેર વર્ષથી અહિં રહેતા હસીનાબેનને ભારતનું નાગરીકત્વ મળે તે માટે ભારત સરકાર - રાજ્ય સરકાર સમક્ષ અરજી કરી હતી. જેના અનુસંધાને ગૃહ વિભાગ દ્વારા તેણીના આ દેશમાં સાત વર્ષના વસવાટ સહિતનાં મુદ્દાઓને ધ્યાને લઇને હસીનાબેનનું ભારતનું નાગરીકત્વ મંજૂર કર્યું હતું.
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીના દ્વારા હસીના અબ્બાસઅલીને નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની ધારા ૫ (૧) (ક) અન્વયે ભારતના નાગરીક તરીકેનું પ્રમાણપત્ર સુપ્રત કર્યું હતું.
હસીનાબેન હાલ તેણીના માતા - પિતા અને ભાઇ સાથે રહેતા હોવાનું તથા નિ:સંતાન હોવાનું જાણવા મળેલ છે.