Get The App

સૌરાષ્ટ્રમાં નવા નાગરિકતા કાનુનનાં વિરોધ અને સમર્થનમાં ઠેર-ઠેર રેલી

- દ્વારકા અને માળીયા મિંયાણામાં નવો કાનૂન રદ કરવા માંગ

Updated: Dec 21st, 2019

GS TEAM

Google News
Google News

- દ્વારકા, જૂનાગઢ, કલ્યાણપુર, કાલાવડ, પડધરી, મોરબી, જોડીયા વગેરેમાં સીએએ અને એનઆરસી રાષ્ટ્રહિતનો કાયદો ગણાવીને કેન્દ્ર સરકારની સરાહના કરવા સાથે આવેદનપત્ર

સૌરાષ્ટ્રમાં નવા નાગરિકતા કાનુનનાં વિરોધ અને સમર્થનમાં ઠેર-ઠેર રેલી 1 - image

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. 21 ડિસેમ્બર 2019, શનિવાર

ભારતમાં નવા નાગરિકતા સંશોધન અધિનિયમનો અમલ થતાં જ ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે સૌરાષ્ટ્રમાં દ્વારકા અને માળીયા મિંયાણામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરાટ રેલી કાઢીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ આજે દ્વારકા, જૂનાગઢ, કલ્યાણપુર, કાલાવડ, પડધરી, મોરબી, જોડીયા વગેરે શહેરો - ગામોમાં નવા નાગરિકતા કાનૂન સી.એ.એ. અને એન.આર.સી.ને રાષ્ટ્રહિતનાં કાયદા ગણાવીને સમર્થન આપી કેન્દ્ર સરકારની સરાહના કરવા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતાં. 

* દ્વારકા સહિતના ઓખા મંડળ તાલુકાનાં બે હજાર જેટલા મુસ્લીમ લોકો સાથે નાગરિકતાનાં નવા કાયદાના વિરોધમાં દ્વારકા હેલિપેડથી અંજુમને ઈસ્લામ ઓખા મંડળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણ બચાઓ રેલી બે કિલોમીટર સુધી વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ રેલી કાઢી નવા કાયદાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે નોંધાવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રેલી દ્વારકા હેલીપેડથી શરૂ થઈ રબારી ગેટ થઈ દ્વારકા પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

* માળીયા મિંયાણામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢીને નાગરિકતા સંશોધન કાયદા સામે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ કાયદો દેશનાં મૂળ બંધારણની સમાન નાગરિકતાની વિભાવનાનો ભંગ કરે છે, જેથી તેને રદ કરવો જોઈએ.

* દ્વારકામાં આજે સાંજે ચાર વાગ્યે દ્વારકા, મિઠાપુર, ઓખા સહિતના ૨૦૦૦ જેટલા લોકો હોમગાર્ડચોક ખાતે એકઠા થયા હતાં. શહેરના રાજમાર્ગો ત્રણબત્તી ચોક, જોધામાણેક ચોક, મંદિર ચોક, નિલકંઠ ચોક, હોળી ચોક, માર્કેટ ચોક ખાતે ભારત માતાકી જય, વંદે માતરમના નારા સાથે રેલી કાઢી દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચી ભારત સરકારે નાગરિકતાનો નવો કાયદો અમલી બનાવ્યો તેને સમર્થન આપવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. આ વેળાએ કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં  આવ્યો હતો. 

* જૂનાગઢમાં શનિવારે એનઆરસીના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ દ્વારા કલેકરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો તથા વિવિધ સંસ્થાના હોદેદારો જોડાયા હતાં.

* કલ્યાણપુર તાલુકા સંવિધાન બચાવો મંચ દ્વારા નાગરિકતા બિલના સમર્થનમાં આજે કલ્યાણપુર તાલુકાનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભાટિયા તેમજ આજુબાજુના ગામોના યુવાનો જોડાયા હતાં. દેશમાં શાંતિ તેમજ ભાઈચારો વધે હિંસાઓ બંધ થાય તેમજ કોઈ અફવાઓનો શિકાર ન થાય તથા આ કાયદો દેશહીતમાં છે માટે બધા નાગરિકોએ આ કાયદાનું સમર્થન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું.

* કાલાવડમાં આજે સંવિધાન  બચાવો મંચ દ્વારા નવા નાગરિકતા સંશોધન અધિનિયમનાં સમર્થનમાં શાંતિપૂર્ણ રેલી કાઢીને માનવ અધિકારની રક્ષા કરતા નવા કાયદા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતું આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.

* પડધરીમાં સંવિધાન બચાવો મંચ  દ્વારા આજે રેલી કાઢીને નવા નાગરિકતા સંશોધન કાનુનને સમર્થન આપી હાલ આ મુદ્દે દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડક પગલા ભરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

* મોરબી સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને નવા નાગરીકતા કાનુનને સમર્થન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બીલને મંજુર કરાવ્યા બાદ અમુક દેશવિરોધીઓ જુઠાણું ફેલાવી લોકોને ભરમાવી રહયા હોવાનો આક્રોશ પણ ઠાલવાયો હતો.

* જોડિયા તાલુકા સંવિધાન બચાવ સમિતિની આગેવાની હેઠળ ૨૪ જેટલા ગામોના યુવાનો દ્વારા આજે નાગરિકતા સંશોધન બીલને સમર્થન આપીને રેલી યોજવામાં આવી હતી અને ૨૦૦૦ જેટલા હસ્તાક્ષરો વાળું આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.

મોરબીમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આજે રાષ્ટ્રહિત લોકજાગૃતિ મહારેલી

તાજેતરમા નાગરિકતા સંશોધન કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જેથી સરકારના પગલાને આવકારવા રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા રવિવારે રાષ્ટ્રહિત લોક જાગૃતિ મહારેલી યોજાશે.  દેશમા રાષ્ટ્રહિત માટે જે નાગરિકતા સંશોધન કાયદો અમલમાં લાવવાનાં સરાહનીય પગલાને આવકારવા તા.૨૨ને રવિવારે સવારે ૯ કલાકે મોરબીમાં માર્કેટીંગ યાર્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી રાષ્ટ્રહિત લોકજાગૃતિ મહારેલી યોજાશે. જેમાં લોક જાગૃતિ માટે રાષ્ટ્રપ્રેમી યુવાનો, સાંસદ અને જીલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ૭૦૦થી વધુ કાર અને ૧૦૦૦થી વધુ  બાઈક સાથે મહારેલી યોજાશે.

Tags :