Updated: Nov 15th, 2022
- કોઈપણ ચૂંટણીમાં અહીં ભાજપ, કોંગ્રેસ કે અપક્ષની રાજનીતિ ચાલતી નથી, જ્ઞાાતિ પરિબળ જ સર્વોપરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧-ખંભાળિયા વિધાનસભા બેઠક પર કુલ ૩.૦૪ લાખ મતદારો છે. અહીં ખંભાળિયા સાથે ભાણવડ તાલુકાના પણ મતદારો સમાવિષ્ટ છે. આહિર જ્ઞાાતિનું વર્ચસ્વ ધરાવતા ખંભાળિયાના ઇતિહાસમાં છેલ્લા પાંચ દાયકાથી અત્યાર સુધી માત્ર એક જ વખત બિનઆહિર ઉમેદવાર જીત્યા છે. આ બેઠક પર આટલા દાયકાઓમાં અપક્ષ હોય કે ભાજપ કે કોંગ્રેસ હોય, આહિર જ્ઞાાતિના ઉમેદવાર જ વિજેતા બને છે. જેથી ગ્રામ પંચાયતોથી માંડીને સંસદની ચુંટણી સુધી ખંભાળિયા તાલુકામાં મુખ્ય હરીફ પક્ષોમાં સામસામે ઉમેદવારો પણ આહિર જ્ઞાાતિનાં જ હોય છે.
ખંભાળિયા વિધાનસભા બેઠકનાં ઈતિહાસની વાત કરીએ તો વર્ષ-૧૯૭૨માં અપક્ષ ઉમેદવાર હેમતભાઈ રામભાઈ માડમ તેમના હરીફ ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા હતા. વર્ષ-૧૯૭૫માં જમનાદાસ પાબારીને હરાવી, પુનઃ હેમતભાઈ માડમ વિજેતા થયા હતા. વર્ષ-૧૯૮૦માં પણ જગુભાઈ તન્નાને હરાવી હેમતભાઈ માડમ વિજેતા થયા હતા. આ જ રીતે વર્ષ-૧૯૮૫માં ખીમાજીભાઈ જાડેજાને હરાવી, સતત ચોથી વખત અપક્ષ ઉમેદવાર હેમતભાઈ માડમ જીત્યા હતા.
જો કે, વર્ષ-૧૯૯૦માં અહીં પલટો આવ્યો હતો અને કોંગ્રેસે આ બેઠક પર ડો. રણમલભાઈ વારોતરીયાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે જગુભાઈ તન્નાને હરાવી, આ સીટ કબજે કરી હતી. ત્યારબાદ વર્ષ-૧૯૯૫માં ભાજપના ઉમેદવાર જેસાભાઈ ગોરીયાએ ૧૧૬૦ મતની વધુ લીડ મેળવી ડો. વારોતરીયાને પરાજિત કર્યા હતા. વર્ષ-૧૯૯૮માં આ બેઠક પર ભાજપના કાળુભાઈ ચાવડાએ ડો.સાજણ વારોતરીયાને હરાવી, ૧૧૫૦૦ હજાર મતની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી વખત પણ કાળુભાઈ ચાવડાએ વર્ષ-૨૦૦૨માં કોંગ્રેસનાં ડો. રણમલભાઈ વારોતરીયાને હરાવી, આ સીટ પર કબજો બરકરાર રાખ્યો હતો.
અંતે વર્ષ-૨૦૦૭માં ભાજપે પ્રથમ વખત ખંભાળિયા બેઠક પર બિનઆહિર ઉમેદવાર મેઘજીભાઈ કણજારીયાને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે મોદી-મેજીકનો લાભ મેળવી માત્ર ૭૯૮ મતની લીડ મેળવીને કોંગ્રેસનાં ડો. રણમલભાઈ વારોતરીયાને હરાવી દીધા હતા. આમ, ૧૯૭૨થી આહિર જ્ઞાાતિ અંગેનો રેકોર્ડ મેઘજીભાઈ કણજારીયાએ તોડયો હતો અને બિનઆહિર ઉમેદવાર વિજેતા થયા હતા, જે રેકોર્ડ આ દોઢ દાયકામાં તૂટયો નથી.
વર્ષ-૨૦૧૨માં ખંભાળિયા બેઠક પર ભાજપના પૂનમબેન માડમે કોંગ્રેસના એભાભાઈ કરમુરને હરાવી, ૩૮ હજારથી વધુ મતોની ઐતિહાસિક લીડ મેળવી નવો વિજય રેકોર્ડ સર્જ્યો હતો. આ પછી ધારાસભ્ય પૂનમબેન માડમ વર્ષ-૨૦૧૪માં સાંસદ બનતા ખાલી પડેલી ખંભાળિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાને હરાવી, કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ ૧૧૫૦ મતે ભાજપ પાસેથી આ સીટ કબજે કરી હતી. સતત પાંચ ટર્મથી ભાજપના કબજામાં રહેલી આ સીટ કોંગ્રેસે આંચકી લીધી હતી. વર્ષ-૨૦૧૭ માં ભાજપના ઉમેદવાર કાળુભાઈ ચાવડાને હરાવી જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે ૧૧,૦૦૦ થી વધુની લીડ મેળવીને વિજેતા બન્યા હતા. સતત અઢી દાયકા સુધી ખંભાળિયાની બેઠક પર જીતનાર ભાજપને છેલ્લી બે ટર્મથી આ બેઠક ગુમાવવાનું થયું છે ત્યારે આ વખતે મરણિયા પ્રયાસો સાથે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
'આપ'નાં મુખ્યમંત્રીપદનાં ચહેરા ઈશુદાન ગઢવી પર સૌની મીટ
ગુજરાત વિધાનસભાની ચાલુ ચુંટણીમાં આ વખતે મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં પહેરા એવા સક્ષમ ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારા પણ અહીં ફોર્મ ભરવામાં આવતા ખંભાળિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. ખંભાળિયા બેઠક માટેની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ચર્ચા સાથે ઉત્તેજનાસભર બની રહી છે.