મીઠાપુર નજીકના હમુસર ગામના યુવાનની દસ્તો મારી કરપીણ હત્યા કરતી પત્ની
- માનસિક રીતે અસ્વસ્થ મહિલાની ધરપકડ: બે સંતાનનો નોધરા બન્યા
જામ ખંભાળિયા, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના હમુસર ગામે આવેલી પ્રાથમિક શાળા પાસેના વાડી વિસ્તારમાં રહેતા ટપુભા દેવાણંદભા હાથલ નામના 38 વર્ષના યુવાનનો આજરોજ સવારે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સાંપડયો હતો.
આથી આ અંગે વધુ વિગત મુજબ મૃતક ટપુભા હાથલના પત્ની રૂપાબેન હાથલ (ઉં. વ. 30) છેલ્લા આશરે સાતેક વર્ષથી માનસિક રીતે બીમાર હોવાથી તેની દવા જામનગરની હોસ્પિટલમાં ચાલુ હતી. આ દરમિયાન આજરોજ સવારે આશરે પાંચેક વાગ્યે રૂપીબેને નિંદ્રાધીન રહેલા પોતાના પતિ ટપુભાને માથામાં ખાંડણીના લોખંડના દસ્તા વડે બે - ત્રણ ઘા ઝીંકી દેતા તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ રામભા દાનસંગભા હાથલની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ગુનો નોંધી મૃતકના પત્ની રૂપીબેનની અટકાયત કરી હતી. આ દંપતીને બે સંતાનોમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.
તેઓ તેમના ભાઈઓના અન્ય પરિવારો સાથે બાજુ બાજુમાં રહેતા હોવાનું તથા મૃતક યુવાન ટાટા કંપનીમાં મજૂરીકામ કરતો હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ બનતા મીઠાપુર ના પી. આઇ. શ્રદ્ધા બેન ડાંગર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે નાના એવા હમુસર ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.