ખંભાળિયામાં પેટ્રોલનાં ટેન્કર સાથે નાસેલો ડ્રાઇવર કલકત્તાથી ઝડપાયો
- બે મહિના પહેલાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા
- રૂા. 16 લાખનું પેટ્રોલ નોયડામાં રૂા. 4.50 લાખમાં વેંચીને ટેન્કરને કલર કરાવી ખોટી નંબર પ્લોટ લગાડીઃ બોગસ લાયસન્સ અને આધાર કાર્ડ પણ બનાવ્યા
ખંભાળિયા, તા. 1 ડિસેમ્બર 2019, રવિવાર
ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાંથી કલકત્તાના રહીશ એવા મુસ્લીમ શખ્સે પેટ્રોલ ભરીને ટેન્કર લઇ ગયા બાદ સાથે લાપત્તા બની જતાં આ આરોપી શખ્સને જિલ્લા રૂા. ૩૦ લાખના મુદ્દામાલ એલ.સી.બી. પોલીસે ટેન્કર સાથે પશ્ચિમ બંગાળથી દબોચી લીધો હતો.
વિગત મુજબ નાની ખાવડી ખાતે રહેતા કનકસિંહ મોહબ્બતસિંહ જાડેજાની માલિકીનું ટેન્કર અહીંની નયારા કંપનીમાંથી ૨૪ હજાર લીટર પેટ્રોલ ભરીને હાથ રસ ડેપો (યુ.પી.) માટે નીકળ્યા બાદ આ સ્થળે પહોંચવાના બદલે લાપત્તા બની ગયું હતું. આ અંગે રૂા. સોળ લાખના પેટ્રોલ તથા રૂા. ચૌદ લાખની કિંમતના ટેન્કર મળી, રૂા. ૩૦ હજારની વિશ્વાસઘાત અને છેતરપીંડી થવા સબબ કનકસિંહ જાડેજાએ કોલકત્તા (વેસ્ટ બંગાલ) ખાતે રહેતા ઇલયાસખાન એસ. ખાન સામે અહિંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ જિલ્લા એલ.સી.બી. વિભાગના પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયા તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભાતા આ સંદર્ભે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળ ખાતે જઇ, સી.જી.આર. રોડ, કોલકત્તા ખાતેથી આરોપી ઇલીયાસખાન સુભાન ખાનની રૂા. ચૌદ લાખની કિંમતના ટેન્કર સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ઇલીયાસખાને રૂા. સોળ લાખની કિંમતનું પેટ્રોલ રૂા. સાડા ચાર લાખમાં નોયડા નજીક વેંચ્યાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આટલું જ નહિં, આ શખ્સે અહિંથી નીકળીને રાજસ્થાન પાસીંગના ટેન્કરના નંબર બદલી, ખોટી નંબર પ્લેટ બનાવી વેસ્ટ બેંગાલના કર્યા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલ છે. આ ઉપરાંત તેણે ટેન્કરમાં રંગ - રોગાન કરાવી, પોતાના આધાર કાર્ડ તથા લાયસન્સ પણ ડુપ્લીકેટ બનાવ્યાનું પણ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આ શખ્સનો કબ્જો અહિંની સ્થાનિક પોલીસને સોંપી, રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.