દિલ્હીની વાત : મોદીના બદલે શાહે ફોન કરતાં મમતા-નવિનનો ટોણો
- પવારે મમતાને સોનિયાની બેઠક માટે મનાવ્યાં
- પ્રિયંકાની બસો અંગે કોંગ્રેસનું જૂઠાણું પકડાઈ ગયું
મોદીના બદલે શાહે ફોન કરતાં મમતા-નવિનનો ટોણો
નવીદિલ્હી, તા.૧૯
પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર 'અમ્ફાન'વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે અમિત શાહે મંગળવારે મમતા બેનરજી અને નવિન પટનાઈક સાથે વાત કરી. શાહે બંનેને આ વાવાઝોડા સામે લડવા માટે જરૂરી તમામ મદદ કરવાની ખાતરી આપી.
ગૃહ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મમતા અને શાહ વચ્ચેની વાતચીત એકંદરે સારી રહી પણ મમતાએ આ વાતચીતમાં પણ કેન્દ્ર સરકાર પર કટાક્ષ તો કરી જ લીધા.
મમતાએ ટોણો માર્યો કે, કોરોના સામેની લડાઈ વખતે પણ તમામ સહાયનું વચન અપાયેલું ને અમે હજુ રાહ જોઈએ છીએ. મમતાએ એવો કટાક્ષ પણ કર્યો કે, આ વખતે સ્થિતીની સમીક્ષા માટે કેન્દ્ર સરકારની ટીમ મોકલવાની મહેરબાની ના કરતા.
આ સૂત્રોના મતે, નવિન પટનાઈકે તેમના સ્વભાવ પ્રમાણે કામથી કામ રાખીને પોતાની સરકારે લીધેલાં પગલાંની માહિતી આપી. જો કે તેમણે પણ એવી ટીપ્પણી તો કરી જ કે, આ ખતરો બહુ મોટો છે તેથી અમે વડાપ્રધાન અમારી સાથે વાત કરે એવી અપેક્ષા રાખતા હતા.
પવારે મમતાને સોનિયાની બેઠક માટે મનાવ્યાં
લોકડાઉનના કારણે રાજ્યોની આથક હાલત ખરાબ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડવા ભાજપ વિરોધી પક્ષોને એક કરવા કમર કસી છે. આ અભિયાનના ભાગરૂપે સોનિયા ગાંધીએ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે વિરોધ પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાજરી આપવા ૧૫ પક્ષના નેતાઓએ સંમતિ આપી છે. ઉધ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, શરદ પવાર, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન આ બેઠકમાં હાજર રહેશે.
આ બેઠકમાં હાજર રહેવા મમતા બેનરજી ઉત્સુક નહોતાં. મમતા કોંગ્રેસથી દૂર રહેવા માગે છે તેથી તેમણે સ્પષ્ટ ના પાડી હતી. એ પછી સોનિયાએ શરદ પવારને મમતાને મનાવવાનું કામ સોંપ્યું હતું. પવારના આગ્રહથી મમતા તૈયાર થયાં હોવાનું કોંગ્રેસનાં સૂત્રો જણાવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ સિવાયના પક્ષોનું શાસન છે એ રાજ્યો સાથે ભેદભાવ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ મમતા, ઉધ્ધવ સહિતના નેતાઓ કર્યા કરે છે. આ મુદ્દે હવે શું કરશે તેની વ્યૂહરચના ઘડાશે. આ સિવાય રાજ્યો માટે ખાસ પેકેજની માગણી બુંલદ કરવા શું કરવું તે અંગે પણ ચર્ચા થશે.
પીએમઓ સરકારની વર્ષગાંઠની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત
કોરોનાના કહેર વચ્ચે મોદી સરકાર પોતાની બીજી ઈનિંગ્સનું એક વર્ષ ૩૦ મેના દિવસે પૂરી કરશે. કોરોનાના કારણે મોદી સરકાર કોઈ ભવ્ય ઉજવણી નહીં કરે પણ એક વર્ષની સિધ્ધીઓની વાત મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી ચોક્કસ પહોંચાડશે. આ પ્રચારની જવાબદારી પીએમઓને સોંપી દેવાઈ છે. દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પીએમઓ સરકારનાં ગુણગાનની તૈયારીમાં વ્યસ્ત છે.
મોદીએ તમામ પ્રધાનોને સૂચના આપી દીધી છે કે, પોત પોતાના મંત્રાલયની સિધ્ધીઓની વાત પીએમઓને શનિવાર સુધીમાં પહોંચાડી દેવી. પીએમઓના અધિકારીઓ તેમાંથી ચમકાવવા જેવી બાબતોની પસંદગી કરશે અને માહિતી-પ્રસારણ મંત્રાલયને પહોંચાડશે. માહિતી-પ્રસારણ મંત્રાલયને બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી, ટ્રિપલ તલાક પ્રથા નાબૂદ કરતો કાયદો અને કોરોના સામે અસરકારક કામગીરી તથા વીસ લાખના આથક પેકેજને વધારે મહત્વ આપવા સૂચના આપી દેવાઈ છે.
મોદી ૩૦ મેના દિવસે જ રેડિયો પર 'મન કી બાત'કરવાના છે. આ કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે જ તે સરકારની સિધ્ધીઓની વાત કરશે જ.
ભાજપ કાર્યકરોને હેડક્વાર્ટર નહીં આવવા આદેશ
દિલ્હીમાં લોકડાઉનના નિયમો હળવા થતાં જ લોકો બહાર નિકળવા માંડયાં છે. તેની અસર ભાજપના મુખ્યાલય પર પણ વર્તાઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતાં જે.પી. નડ્ડાએ કાર્યકરોને હેડક્વાર્ટર પર નહીં આવવાની સૂચના આપવી પડી છે. ભાજપના કાર્યકરોને પોતાના વોર્ડ પ્રમુખોના સંપર્કમાં રહેવા અને એ સોંપે એ કામ કરવા કહી દેવાયું છે. હિજરતી કામદારોની તકલીફો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ છે.
લોકડાઉન જાહેર થયું ત્યારથી એટલે કે ૨૫ માર્ચથી ભાજપે દીનદયાળ માર્ગ ખાતેના તેના હેડક્વાર્ટરને બંધ કરી દીધું હતું. મે મહિનાની શરૂઆતમાં ભાજપે ફરી હેડક્વાર્ટર શરૂ કર્યું પણ રાષ્ટ્રીય હોદ્દેદારો સિવાય કોઈને નહીં આવવાની સૂચના આપી હતી. ઓફિસ સ્ટાફની પણ શિફ્ટ ગોઠવી દેવાઈ છે અને ૩૦ ટકા કરતાં વધારે સ્ટાફ આવે નહીં એવી ગોઠવણ કરી દેવાઈ છે. નડ્ડા અને ઓફિસ સેક્રેટરી મહેન્દ્ર પાંડે સિવાય બીજા કોઈ હોદ્દેદાર નિયમિત રીતે નથી આવતા.
પ્રિયંકાની બસો અંગે કોંગ્રેસનું જૂઠાણું પકડાઈ ગયું
પ્રિયંકા ગાંધીએ પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા માટે એક હજાર બસો ચલાવવા માંગેલી મંજૂરીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જામી છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં હાઈવે પર બસોની લાંબી લાઈન દેખાઈ રહી છે. કોંગ્રેસીઓ આ તસવીર વાયરલ કરીને એવા મેસેજ લખી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધીજીએ ઉત્તર પ્રદેશમાં એક હજાર બસો તૈયાર રાખી છે પણ યોગી આદિત્યનાથ મંજૂરી નથી આપતા.
કોંગ્રેસીઓ છેલ્લા બે દિવસથી આ મેસેજનો મારો ચલાવતા હતા પણ કેટલીક વેબસાઈટે પોતાની જૂની તસવીરો મૂકીને કોંગ્રેસના જૂઠાણાને ઉઘાડું પાડી દીધું છે. વાસ્તવમાં આ તસવીરો ગયા વર્ષે યોજાયેલા કુંભ મેળા વખતે ઉત્તર પ્રદેશ સરકારે શ્રધ્ધાળુઓને લઈ જવા માટે મૂકાયેલી બસોની છે. યોગી સરકારે એ વખતે એક સાથે ૫૦૦ બસો મૂકીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોંગ્રેસીઓએ આ વર્લ્ડ રેકોર્ડને બે દિવસ વટાવ્યો પણ પોલ ખૂલતાં બધા બંધ થઈ ગયા છે.
લોકડાઉનના કારણે ચાલીસ વર્ષમાં ના થયું એ માર્ચમાં થયું
લોકડાઉનના કારણે અર્થતંત્રને ભલે નુકસાન ગયું હોય પણ પર્યાવરણને ભારે ફાયદો થયો છે. લોકડાઉનના કારણે છેલ્લાં ચાલીસ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો હોય. આ વર્ષના માર્ચ મહિનામાં ભારતમાં ગયા વર્ષની સરખામણીમાં કાર્બન ઉત્સર્જન ૧૫ ટકા ઘટયું છે.
ભારત વિશ્વમાં કાર્બનના ઉત્સર્જનમાં અગ્રણી દેશોમાં એક છે. કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટે ભારત વરસોથી મથ્યા કરે છે પણ સફળતા નહોતી મળતી. લોકડાઉનના કારણે તમામ આથક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ. તેના કારણે વીજળીની માંગમાં બહુ મોટો ઘટાડો થયો. ભારતમાં વીજળીનું ઉત્પાદન મોટા ભાગે કોલસા દ્વારા થાય છે. તેના કારણે મોટા પ્રમાણમાં કાર્બન પેદા થાય છે અને પર્યાવરણને બગાડી મૂકે છે. વીજળીનું ઉત્પાદન ઓછું થતાં આપોઆપ કાર્બનનું પ્રમાણ પણ ઘટી ગયું. આ ઉપરાંત વાહનો પણ ઓછાં નિકળ્યાં તેથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટયું છે.
***
લૉકડાઉન ચાર પછીની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ એક લાખને પાર પહોંચી ગયા છે. દેશના ૫૦૦ કરતાં વધુ જિલ્લા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી તરફ લૉકડાઉન-૪માં છૂટછાટો આપીને વેપાર-ધંધા શરૂ કરાવાયા છે. કોરોના કાબુમાં લેવાની સાથે સાથે અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડાવવાનો પડકાર પણ ખડો થયો છે. તેની સામે લડવા માટે સરકારે રાહત પેકેજ તો જાહેર કરી દીધા છે, પરંતુ એક તરફ આજીવિકા છે, તો બીજી તરફ જીવન છે. જો જીવન બચાવવા લોકો ઘરમાં બંધ રહે તો આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવે અને આજીવિકા માટે બહાર નીકળે તો જીવન જોખમમાં મૂકાય તેમ છે. બંનેમાં સમતુલા રાખીને આગળ વધવું પડે તેમ છે. બિહારમાં ૭.૪ લાખ મજૂરો પહોંચી ચૂક્યા છે. દાવો એવો થઈ રહ્યો છે કે એમાંથી આઠ ટકા મજૂરોના રીપોર્ટ પોઝિટીવ છે. આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કેન્દ્ર સરકારે મેસેજ આપતા કહ્યું હતું કે લોકોએ સાવધાની રાખવાનું શીખવું પડશે. કોરોનાનો ખતરો ઓછો થયો નથી, એ સમજીને જ બહાર નીકળવું જોઈએ.
દેખો કોરોના વાલે આ ગયે!
દિલ્હીમાં રહેતા ૨૧ મજૂરો ૧૩ દિવસ સુધી ચાલીને બિહાર પહોંચ્યા હતા, પરંતુ તેમને વતનમાં કડવો અનુભવ થયો હતો. આ મજૂરોને કોરોના વાલે કહીને બોલાવાય છે. સ્થાનિક લોકોએ બીજા રાજ્યમાં કામ કરીને વતન પાછા ફરેલા મજૂરો માટે કહ્યું હતું ઃ દેખો કોરોના વાલે આ ગયે. કોરોના તરફ લોકોનો આ અભિગમ સામાજિક અંતર વધારી રહ્યો છે. બીજા રાજ્યમાંથી આવનારાને કોરોના સંક્રમિત માની લઈને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના બનાવો વધી રહ્યા છે. પટણામાં આનો અનુભવ કરી ચૂકેલા ઉદય કુમારે કહ્યું હતું કે ઘણાં કિસ્સામાં હેન્ડ પંપમાંથી પાણી પણ સિંચવા દેવાતું નથી. ઘણાંને તો ગામમાં જ પ્રવેશવા દેવાતા નથી. સરકારી તંત્રના હસ્તક્ષેપ પછી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. લોકોને બહારથી આવેલાને કોરોના ફેલાવનારા જ ગણીને અપમાનિત કરે છે.
ખિસ્સામાં ૧૦ રૂપિયા સાથે નીકળેલો મજૂર
નોઈડામાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરતો ઓમ પ્રકાશ બિહારના સારન જવા નીકળ્યો હતો. તેનું વતન એક હજાર કિલોમીટર દૂર હતું. તે ૨૦૦ કિલોમીટર ચાલીને આગ્રા પહોંચી ગયો હતો. ત્યાંથી એક ટ્રક ડ્રાઈવરે ૩૫૦ કિલોમીટર દૂર લખનઉ પહોંચાડવાની તૈયારી બતાવી હતી. એ માટે ૪૦૦ રૂપિયા ભાડું નક્કી થયું હતું. એ ભાડું આપી દીધા પછી ઓમ પ્રકાશના ખિસ્સામાં માત્ર ૧૦ રૂપિયા બચ્યા હતા. લખનઉમાં તેણે આંખમાં આંસુ સાથે કહ્યું હતું ઃ હવે મને ખબર નથી આગળ શું થશે. ભાડું નથી એટલે ટ્રકમાં તો બેસી શકાશે નહીં. આગળની મુસાફરે ચાલીને જ કરવી પડશે, પરંતુ ખાવાનું શું થશે એની મને ચિંતા છે. કેવી સ્થિતિનો સામનો કરવો પડશે તે મને ખબર નથી.
દિલ્હીમાં ઓડ-ઈવનથી વેપાર શક્ય બનશે?
ખાન માર્કેટ એસોસિએશનના પ્રમુખ સંજીવ મેહરાએ કહ્યું હતું કે દિલ્હીની સરકાર ઓડ-ઈવન પ્રમાણે દુકાનો ચાલુ રાખવાની છૂટછાટ આપી રહી છે, પરંતુ મુશ્કેલી એ છે કે ઘણી દુકાનો એક જ સરખા નંબરની હોવાથી ઓડ-ઈવન કેવી રીતે લાગું કરવું? જેમ કે કોઈ દુકાનનો નંબર ૧ છે. તો કોઈ ૧-એ કે ૧-બી નંબરની છે. આમાંથી કઈ દુકાન ચાલુ રાખવી અને કઈ બંધ રાખવી એવા સવાલો ખડા થયા છે. અગાઉ વાહનોની બાબતે દિલ્હીની સરકારે ઓડ-ઈવન સફળ રીતે લાગુ કરીને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો, પરંતુ આ વખતે દુકાનોના નંબર બાબતે ઓડ-ઈવન પ્રેક્ટિકલ નથી એવો સૂર ઉઠયો છે. વેપારી ઓસોસિએશને આ અંગે દિલ્હી સરકારને રજૂઆત કરી છે. કંઈક યોગ્ય રસ્તો કાઢવાની માગણી વેપારીઓએ સરકારને કરી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ ચીંથરેહાલ!
દિલ્હીમાં લૉકડાઉન-૪ પછી છૂટછાટો મળી છે, તેનો લાભ લેવા લોકોએ લાંબી લાઈન લગાવી હતી. દિલ્હી-નોઈડા અને દિલ્હી ગુરુગ્રામ બોર્ડરે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરાં ઉડયા હતા. ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો એક સાથે બહાર નીકળી પડયા હતા. પોલીસ જવાનો સામે ય ફરિયાદ ઉઠી છે. કેટલાય કાર ચાલકોએ એવી ફરિયાદ કરી હતી કે પોલીસ જવાનો પાસ ચેકિંગ કરતી વખતે નિયમ પાળતા નથી, ડિસ્ટન્સ જાળવતા નથી. ડ્રાઈવરની સાવ નજીક આવીને ટ્રાફિક પોલીસના જવાનો પાસ ચેક કરે છે. એ વ્યવસ્થા ભૂલભરેલી છે એવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ગાઝીપુર નજીક યુપી જવા માટે અધીરા બનેલા મજૂરો એકઠાં થયા હતા. એ વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના સરકારી નિયમો ચીંથરેહાલ થયા હતા.
- ઈન્દર સાહની