Delhi ni Vaat

એસઆઇઆર વિવાદ : રીજીજુ અને શશી થરૂર સામસામે

By GS Team
19 Oct 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુના નિવેદન પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પ્રતિક્રિયા આપી છે. થરૂરે કહ્યું કે વિરોધ પક્ષ હિંસાનું સમર્થન નથી કરતો, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરે છે. દરમિયાન, તિહાર જેલમાં કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસને હાઇ સિક્યુરીટી વોર્ડમાં રખાયા છે, જ્યાં 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસઆઇઆર વિવાદ : રીજીજુ અને શશી થરૂર સામસામે

નવીદિલ્હી : કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ એસઆઇઆર સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાબતે કરેલા નિવેદન પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ પ્રતિક્રિયા આપી છે. શશી થરૂરનું કહેવું છે કે ભારત ન તો બાંગ્લાદેશ છે, ન તો ફ્રાંસ. એમણે કહ્યું હતું કે વિરોધ પક્ષ હિંસાનું સમર્થન નથી કરતો, પરંતુ વિરોધપક્ષની માંગણી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ માટેની છે. ફ્રાંસમાં જે રીતે બસો તેમ જ પોલીસ સ્ટેશનોને આગ લગાડવા જેવી હિંસક ઘટનાઓ બને છે એવા વિરોધને વિરોધ પક્ષો કદી ટેકો આપે નહીં. વિરોધ પક્ષ શાંતિપૂર્ણ વિરોધ કરવામાં વિશ્વાસ રાખે છે. કિરેન રીજીજુએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આરોપ કર્યો હતો કે કેટલાક નેતાઓ અને ભારત વિરોધી તત્વો મળીને દેશમાં હિંસા ફેલાવવા યુવાનોને ભડકાવી રહ્યા છે.
તિહાર જેલમાં સીજેપી નેતાઓ હાઇ સિક્યુરીટી વોર્ડમાં
વગર પરવાનગીએ જંતર મંતરમાં પ્રવેશ કરવાની કોશિષ કરનાર કોકરોચ જનતા પાર્ટીના આસુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હીની તિહાર જેલમાં હાઇ સિક્યુરીટી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેલના સત્તાધિશોએ એમની કોટડીની બહાર વધારાના સુરક્ષા કર્મચારીઓ મૂક્યા તેમ જ દિવસના સમયે બીજા કેદીઓ સાથે બહાર નીકળીને મળે નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. જેલના રેકોર્ડ પ્રમાણે રાંકાનો કેદી નંબર ૧૭૮૪ અને દાસનો કેદી નંબર ૩૭૫૨ છે. શરૂઆતમાં બંને ને જેલ નંબર ૨માં રાખવામાં આવ્યા હતા, પરંતુ પછીથી રાંકાને જેલ નંબર ૪માં ખસેડવામાં આવ્યા હતા. જેલના પરિસરમાં બીજા બ્લોકોની સરખામણીએ આ બંનેને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં કેદીઓની સંખ્યા ઓછી છે. ચોવીસે કલાક એમના પર નજર રાખવામાં આવે છે.
'૨૦૨૩ના ચૂંટણી કમિશન કાયદાને ટેકો આપીને ભુલ કરી'
વાયએસઆરસીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કબુલ કર્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને ૨૦૨૩માં બનાવવામાં આવેલા કાયદાને એમણે ટેકો આપીને ભૂલ કરી હતી. નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે એમણે સુધારો કરવાની માંગણી કરી છે. રેડ્ડીનું કહેવું છે કે, ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જેમના પર છે એમને પસંદ કરવાની સત્તા સત્તાધારી પક્ષ પાસે હોવી જોઇએ નહીં. પહેલાની પદ્ધતિ એટલે કે ચૂંટણી કમિશનર નિમવાની સત્તા વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશને આપવામાં આવતી હતી. પરીક્ષકની નિમણૂક વિદ્યાર્થી દ્વારા નહી થઈ શકે. જો કોઈ નિષ્પક્ષ સંસ્થા દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક નહીં થાય તો ચૂંટણી કમિશનએ ટીકાનો સામનો કરવો પડી શકે છે.
લખનૌમાં ઉલટી ગંગા, એબીવીપીનું જ્ઞાનેશ કુમારના સમર્થનમાં પ્રદર્શન
સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે દિલ્હી સહિત દેશ આખામાં દેખાવો થઈ રહ્યા છે. જોકે હવે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ લખનૌમાં જ્ઞાનેશ કુમારના ટેકામાં દેખાવો કર્યા હતા. દેખાવો દરમિયાન એબીવીપીના કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગણીને ગેરકાયદેસર ગણાવી છે. એબીવીપીના નેતાઓનું કહેવું છે કે, દેશના બંધારણીય પદો પર રહેલી વ્યક્તિઓ સામે દેખાવો કરવા જોઈએ નહીં. આવા દેખાવોને કારણે લોકશાહી નબળી પડે છે. એબીવીપીએ 'અરાજકતા રોકો, લોકતંત્ર અપનાવો' અભિયાન હેઠળ 'છાત્ર હુકાંર' વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. લખનૌ યુનિવર્સિટીના ગેટ નંબર ૩ નજીક એબીવીપીના સેંકડો કાર્યકરો ભેગા થયા હતા અને એમણે સૂત્રો પોકાર્યા હતા. એમણે કોકરોચ પાર્ટી મુર્દાબાદના સૂત્રો પોકારીને અભિજીત દિપકે અને ધ્રુવ રાંઠીને દેશદ્રોહી ગણાવ્યા હતા.
જુબીન નૌટીયાલના પિતા કોંગ્રેસમાં જોડાયા
દહેરાદુન જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ અને ગાયક જુબીન નૌટીયાલના પિતા રામ શરણ નૌટીયાલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. એમણે જ્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે જ એવી ચર્ચા થતી હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાશે. એઆઇસીસીના રાષ્ટ્રીય મહામંત્રી કુમારી સૈલજાએ એમને કોંગ્રેસ પ્રવેશ આપ્યો હતો. રામ શરણ નૌટીયાલએ રાજકારણની શરૂઆત કોંગ્રેસમાંથી કરી હતી. તેઓ ઉત્તરાખંડ કોંગ્રેસના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. ૨૦૧૪ના વર્ષમાં નૌટીયાલ ભાજપમાં જોડાયા હતા. ત્યાર પછી ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે એમને ચકરાતા બેઠકની ટિકિટ આપી હતી. જોકે તેઓ જીતી શક્યા નહોતા. કોંગ્રેસમાં જોડાયા પછી નૌટીયાલએ કહ્યું હતું કે, 'પક્ષ મારા માટે શું વિચારે છે એ હું કહી શકું નહીં, પરંતુ મારૂ મન કોંગ્રેસ વગર માનતું નહોતુ. એટલે હું ફરીથી કોંગ્રેસમાં જોડાયો.'
બદનક્ષીની નોટીસ બાબતે સુધાકર સિંહની સ્પીકરને રાવ
બિહારના ભોજપુર જિલ્લામાં આવેલા બીલૌટી ગામમાં ભરત ભૂષણ તિવારીના કહેવાતા બનાવટી એન્કાઉન્ટરનો કિસ્સો હવે સંસદીય સ્તર પર પહોંચી ગયો છે. આ બાબતે સવાલો કરનાર આરજેડીના સાંસદ સુધાકર સિંહએ બિહારના સિનિયર આઇપીએસ અધિકારી કુંદન કૃષ્ણન તરફથી મોકલવામાં આવેલી બદનક્ષીની નોટીસ સંદર્ભે લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાના હસ્તક્ષેપની માંગણી કરી છે. સુધાકર સિંહે પત્ર લખીને સંપૂર્ણ કિસ્સાની તપાસ કરવા તેમજ પ્રથમ દ્રષ્ટીએ જે હકીકત જાણવા મળે એને સંસદની વિશેષાધિકાર સમિતિ પાસે મોકલવાની માંગણી કરી છે. કુંદન કૃષ્ણનએ એમના અંગત વકીલ મારફતે આ નોટીસ મોકલી હતી. સાંસદનું કહેવું છે કે નોટીસમાં જાહેર માફી સાથે પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગણી પણ થઈ છે.
ટાઇગર શ્રોફ પર ફાયરીંગ કરાવનાર અનિલ પંડીત કોણ છે?
અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડીતનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બહાર આવેલા વીડિયોમાં અનિલ પંડીત અને હરમન સંધુએ આ ઘટનાની જવાબદારી લીધી છે. પંડીતએ ઓડીયોમાં સલમાન ખાન અને એના પરિવારને પણ ધમકી આપી છે. અનિલ પંડીતનું નામ આ પહેલા હરિયાણામાં થયેલા એક ફાયરીંગમાં બહાર આવ્યું હતું. આ વર્ષના માર્ચ મહિનામાં પાણીપતની એક મની એક્સચેન્જ ઓફિસ પર દિવસે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલી વ્યક્તિઓએ આ ગોળીબાર કરાવ્યો હોવાની જવાબદારી લીધી હતી. એ વખતે અમેરિકા રહેતા અનિલ પંડીત અને રણદીપ મલ્લીકના નામ બહાર આવ્યા હતા. એ વખતે પંજાબના એક ગાયક - રૈપર બાદશાહને પણ ધમકીઓ આપવામાં આવી હતી.