For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી નડ્ડાને રીપીટ કરવાના મૂડમાં

Updated: Jan 15th, 2023

Article Content Imageમોદી નડ્ડાને રીપીટ કરવાના મૂડમાં

નવીદિલ્હી, તા.૧૫

નવી દિલ્હીમાં સોમવારથી બે દિવસની ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થઈ રહી છે ત્યારે સૌની નજર હવે પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે કોણ આવશે તેના પર મંડાયેલી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, જે.પી. નડ્ડાાને રીપીટ કરાશે કેમ કે આ વરસે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી. અલબત્ત મોદી તેમની આદત પ્રમાણે સરપ્રાઈઝ આપી શકે છે.

નડ્ડાના કાર્યકાળ દરમિયાન ભાજપ સતત જીત્યો છે. નડ્ડા પોતે મંત્રીપદ કે બીજી કોઈ લાલચ વિના સંગઠનના કામ માટે સતત દોડતા રહે છે તેનું વળતર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી અપાશે પણ ત્યા સુધી નડ્ડાને ચાલુ રખાશે.

ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે પણ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મંત્રીમંડળમાં પણ સક્ષમ માણસોની જરૂર છે તેથી મોદી હાલ કોઈ ફેરફાર કરવાન મૂડમાં નથી.

રાહુલની યાત્રામાં સાંસદ સંતોષ સિંહનું નિધન

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જ  હાર્ટ એટેક આવતાં પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંતોખ સિંહ ચૌધરીનું નિન થયું છે.  જલંધર બેઠક પરથી છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ચૂંટાતા સાંસદ ચૌધરી સંતોખ સિંહનું નિધન ડોક્ટરોની બેદરકારીના કારણે થયું હોવાનો તેમના ધારાસભ્ય પુત્ર વિક્રમજીત ચૌધરીએ આક્ષેપ કર્યો છે.

વિક્રનમજીતનો દાવો છે કે, એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે પમ્પિંગ કરાતાં સંતોખ સિંહ શ્વાસ લઈ રહ્યા હતા. હાજર ડોક્ટરોએ અમને ત્યાંથી દૂર કરી દીધા અને પમ્પિંગ બંધ કરવી દેતાં મારા પિતાગુજરી ગયા. ડોક્ટરો પાસે કોઈ ઈમરજન્સીમાં ટ્રીટમેન્ટ આપવા માટેનાં સાધનો પણ ન હતા.

સંતોખ સિંહ રાહુલ ગાંધીની યાત્રામાં સાથે ચાલતા  ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. તમિલનાડુના સાંસદ જ્યોતિ સાથે વાત કરતાં કરતાં અચાનક નીચે ઢળી પડયા હતા. 

તેમને તાત્કાલિક ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા  જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સિંહના નિધનને પગલે રાહુલે ભારત જોડો યાત્રા રોકી દીધી હતી.

ગડકરીને કર્ણાટકથી મળી મારી નંખવાની ધમકી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે. કોઈ વ્યક્તિએ એક કલાકમાં ત્રણ વખત ગડકરીની નાગપુર ઓફિસના લેન્ડ લાઈન  ફોન પર આ ધમકી આપી હતી. ફોન કરનારે ખંડણી પણ માંગી છે.

પોલીસનો દાવો છે કે, કોલ કર્ણાટકના ચોક્કસ વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો અને આ કોલ કોઈકે કરેલી ટીખળ હોઈ શકે છે. ગડકરીની નાગપુરની ઓફિસમાં સવારે ૧૧-૪૦ થી ૧૨-૪૦ વચ્ચે એક કલાકમાં ત્રણવાર ધમકીના ફોન આવ્યા હતા. નાગપુરમાં આવેલા ખામલા ચોકની ઓફિસથી ગડકરીનું ઘર માત્ર એક કિલોમીટર દૂર હોવાથી પોલીસનો બંદોબસ્ત વધારી દેવાયો છે.  

ગડકરીને છેલ્લા કેટલાક સમયથી મોદી સાથે ફાવતું નથી. પાંચ મહિના પહેલાં ભાજપના સંસદીય બોર્ડમાંથી ગડકરીને હટાવાયા હતા એ પછી ગડકરી સતત કેન્દ્રની ભાજપ સરકાર વિરોધી નિવેદનો કરે છે.  થોડા સમય પહેલાં ગડકરીએ કહ્યું કે સરકાર વિકાસનાં કાર્યો અંગે સમયસર નિર્ણયો લઈ રહી નથી એ એક મોટી સમસ્યા છે.

કાશ્મીરમાં મતદારો ઘેર બેઠાં મતદાન કરી શકશે

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આ વરસે જ વિધાનસભાની ચૂંટણી કરાવવા કમર કસી છે. આતંકવાદીઓ ચૂંટણીમાં વિઘ્ન સર્જે એવો ખતરો હોવાથી સરકાર મતદારો મતદાન મથકમા ગયા વિના પણ તેમનો મત આપી શકે એવી વ્યવસ્થા ગોઠવી રહી છે. તેના ભાગરૂપે ચૂંટણી પંચે સોમવારે તમામ પક્ષોને વિજ્ઞાાન ભવનમાં આમંત્રિત કર્યા છે. પંચ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓને નવા વોટિંગ મશીનનું ટેકનિકલ ડેમોન્સ્ટ્રેશન કરશે.

ચૂંટણી પંચે મહેબબા મુફતીની પીડીપી અને અબ્દુલ્લા પરિવારની નેશનલ કોન્ફરન્સને પણ આમંત્રણ મોકલ્યું છે.  આ બંને પક્ષો આવે છે કે નહી તેના પર સૌની નજર છે.

જમ્મુ અને કાશ્મીરની અંતિમ મતદાર યાદી ૨૫ નવેમ્બરે પ્રસિદ્ધ કરી દેવાતાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. કલમ ૩૭૦   નાબૂદ કર્યા પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું છે. એ પછી આ વખતે રાજ્યમાં પ્રથમ ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં હિંસા રોકવા  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના હજારો જવાનોને તૈનાત કરવામાં આવશે.

થરૂરની આગાહી, ભાજપની ૨૦૨૪માં ૫૦ બેઠકો ઘટશે

શશિ થરૂરે આગાહી કરી છે કે,  ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે અને આ વખતે  ભાજપની લોકસભા ચૂંટણીમાં ૫૦ બેઠકો ઓછી આવશે.  ભાજપે ૨૦૧૯માં હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તમામ બેઠકો જીતી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ૧૮ બેઠકો જીતી હતી. થરૂરનો દાવો છે કે,  હવે આ  પરિણામ રિપીટ કરવા ભાજપ માટે અઘરાં છે એ જોતાં ભાજપ ૨૦૨૪માં સ્પષ્ટ બહુમતી મેળવી શકશે નહીં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા પુલવામાના આતંકી હુમલા બાદ બાલાકોટ હુમલાના કારણે દેશમાં ભાજપના પક્ષમાં એક જબરદસ્ત લહેર ઉભી થઈ ગઈ હતી. આ ઘટનાને ૨૦૨૪માં રિપીટ કરી શકાય નહીં.

ભાજપના નેતા થરૂરની વાતોને ખયાલી પુલાવ ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે, ભાજપ ૨૦૨૪માં અત્યાર કરતાં વધારે બેઠકો જીતશે. થરૂરે કોંગ્રેસની કેટલી બેઠકો આવશે તેની ચિંતા કરી જોઈએ કેમ કે ફરી કોંગ્રેસ ૫૦ બેઠકોની અંદર જતી રહેવાની છે.

ધારાસભ્યની અધિકારીને 

ધમકી, ફાંસી પર લટકાવી દઈશ

મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ગૌરીશંકર બિસેને આરટીઓને જાહેરમાં મારી નાંખવાની ધમકી આપી તેનો વીડિયો વાયરલ થયો છે. બિસેને બાલાઘાટના આરટીઓ અનિમેષ ગઢપાલે સાથે જાહેરમાં ગાળાગાળી કરીને તેમને ફાંસી પર ચડાવી દેવાની ધમકી આપી હતી.

માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત થતાં પોલીસ સ્ટેશનમાં યોજાયેલી બેઠકમાં બિસેન ઉકળ્યા હતા. બેઠકમાં ભાજપ કાર્ર્યકરે ફરિયાદ કરેલી કે,  વાહનો ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને પોલીસવાળા દંડ કરવાના બદલે ૫૦-૧૦૦ રૂપિયા લઈને તોડ કરે છે. બિસેન પહેલાં તેના પર ઉકળ્યા હતા ને તેની સાથે જીભાજોડી કરી હતી. કાર્યકરે તેમને સામે ચોપવડાવતાં  બિસેનનો ગુસ્સો ભડકી ઉઠયો હતો. તેમણે હાજર અધિકારીઓ અને ગ્રામજનોને તતડાવ્યા હતા.

મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ સામે લોકોમાં નારાજગી છે.  લોકો જાહેરમાં અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે પણ ધારાસભ્યોના હાથમાં કંઈ નથી તેથી ધારાસભ્યોનો પિત્તો જતો રહે છે.

***

પ્રજાસત્તાક દિવસ અગાઉ સુરક્ષા વધારાઇ

બે શંકાસ્પદ ત્રાસવાદીઓની તપાસ પછી બે હાથ બોમ્બ તથા ક્ષત-વિક્ષત થયેલો એક માનવદેહ મળી આવતા રાષ્ટ્રીય આ પાટનગરમાં આગામી પ્રજાસત્તાક દિવસ અગાઉ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. તપાસકર્તા એજન્સીના મતે, શંકાસ્પદ ત્રાસવાદીઓ દિલ્હીમાં હુમલાની યોજના કરતા હોઇ શકે.

દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષકોની ૮૦૦૦ જગ્યા ખાલી

દિલ્હી સરકારના શિક્ષણ નિદેશાલયના વડા મુનાઝઝાએ એમના વિભાગને લગતી એક આરટીઆઇ (રાઇટ ટુ એજ્યુકેશન) અરજીના પ્રતિભાવમાં જણાવ્યું કે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ દિલ્હીની સરકારી શાળાઓમાં ગણિતના શિક્ષકોની ૩૦૮૪ જગ્યા, જ્યારે  વિજ્ઞાાન શિક્ષકોની ૨૦૮૪ જગ્યા ખાલી હતી. એજ રીતે, અંગ્રેજીના ૨૦૫૩, જ્યારે હિંદીના ૧૦૮૪ શિક્ષકો ઓછા હતા, એમ અધિકારીએ ઉમેર્યું.

બાળ જન્મસંબંધી સુશ્રુષા માટે નદીઓ ઓળંગતી નર્સો

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં રેફરલ કેન્દ્રોની સ્થાપનાથી અહીંની હોસ્પિટલોમાં અગાઉ કરતાં વધુ નવજાત શિશુના જન્મ થાય છે. આ જિલ્લામાં આવેલા વહીવટી બ્લોક ઓરછામાં આવાં ચાર કેન્દ્રો છે. અહીં ઉનાળા-શિયાળામાં પ્રતિમાસ સરેરાશપણે ૧૨૦ પ્રસુતિઓ થાય છે. ચોમાસામાં અબુજમારના જંગલોમાં આવેલા ગ્રામવિસ્તારો પાણીના ભરાવાના લીધે બાકી દુનિયાથી કપાઇ જાય છે. આવી કપરી પરિસ્થિતિમાં અહીંની નર્સો, આદિવાસી પ્રસુતાઓને બાળજન્મ અગાઉની સુશ્રુષા પૂરી પાડવા માટે પાણીથી છલકાતી નદીઓ ખૂંદીને દવાખાને પહોંચે છે.

થરૂરના નવા કાળા કોટથી રાજકીય વિવાદ  

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પહેરેલો નવો કાળો કોટ એમની, કેરળના મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા દર્શાવતો હોવાના કોંગ્રેસી નેતા રમેશ ચેન્નિથાલાના નિવેદનના પ્રતિભાવમાં થરૂરે એ વાતનો છેદ ઉડાવી દેતા કહ્યું કે એમણે મુખ્યમંત્રીનું પદ મેળવવા માટે કોટ સીવડાવ્યો નથી. ચેન્નિથાલાએ નિવેદનમાં કહ્યું કે જેણે પણ મુખ્યમંત્રીનું પદ મેળવવા માટે કોટ સીવડાવ્યો હોય તે એ કોટ ઉતારી નાખે.

- ઇન્દર સાહની

Gujarat