Get The App

ઈંટનો જવાબ પથ્થરથી, ચીનને અમેરિકાના ટેરિફનો ડર કેમ નથી ?

Updated: Apr 12th, 2025

GS TEAM

Google News
Google News
ઈંટનો જવાબ પથ્થરથી, ચીનને અમેરિકાના ટેરિફનો ડર કેમ નથી ? 1 - image

- અમેરિકા અત્યારે પણ દુનિયામાં સૌથી વધુ તાકાતવર દેશ છે કે તેની સામે ઘૂંટણિયે પડવાના બદલે ચીન તેનો સામનો કરતા દુનિયાને આશ્ચર્ય થયું છે

- ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એકલું પાડી દેવા માટે બીજા દેશો પરના ટેરિફનો અમલ 90 દિવસ માટે મોકૂફ રાખ્યો જ્યારે ચીનના માલ પરનો ટેરિફ વધારી દીધો. ટ્રમ્પને લાગે છે કે, પોતાના નિર્ણયના કારણે બીજા દેશો ચીન સાથે વ્યાપાર બંધ કરીને અમેરિકા સાથે જ વ્યાપાર કરશે પણ ટ્રમ્પ બહુ મોટા ભ્રમમાં છે. ઘણી ઈન્ડસ્ટ્રી એવી છે કે, ચીનની તેમાં મોનોપોલી છે. ઈલેક્ટ્રિકલ બેટરી અને લિથિયમ આયન બેટરી તેમાં મુખ્ય છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ એ બે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગો ઈલેક્ટ્રિકલ બેટરી અને લિથિયમ આયન બેટરી પર ચાલે છે. ચીન પાસેથી આ બે પ્રોડક્ટ્સના મળે તો સંખ્યાબંધ દેશોની મોટી મોટી કંપનીઓ બંધ થઈ જાય. આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ઘણા બધા કાચા માલમાં પણ ચીનની મોનોપોલી છે. કેમિકલ્સ. લાઈટ વેઈટ મેટલ્સ સહિતની ચીજોનો જંગી જથ્થો ચીનમાંથી જ મળે છે તેથી ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર દેશોને ચીન વિના ચાલે એમ જ નથી.

અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વોર હવે જંગમાં પરિણમી છે અને બંને દેશો આર-પારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના માલ પર ૧૨૫ ટકા ટેરિફ લાદ્યા તો ચીને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાના માલ પર ટેરિફ ૮૪ ટકાથી વધારીને ૧૨૫ ટકા કરી નાંખી. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ બંને ભૂરાંટા થયા છે તેથી આ ટેરિફ વોર ક્યાં જઈને અટકશે એ ખબર નથી પણ ચીનના મર્દાના મિજાજે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકા અત્યારે પણ દુનિયામાં આર્થિક રીતે સૌથી તાકાતવર દેશ છે. તેની સામે ઘૂંટણ ટેકવવાના બદલે ચીન તેની સામે ભિડાઈ ગયું છે એ જોઈને આખી દુનિયા છક છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે ભારત સહિતના દેશો ફફડેલા છે, યુરોપીયન યુનિયન જેવો સાયન્સ-ટેકનોલોજી ને સમૃદ્ધિ બંનેમાં અમેરિકાને ટક્કર આપી શકે એવું સંગઠન પણ ફફડી ગયું છે ત્યારે ચીન જરાય ડર્યા વિના ઈંટનો જવાબ પથ્થરથી કઈ રીતે આપી રહ્યું છે તેનું ભારતીયોને આશ્ચર્ય થાય છે પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને આત્મનિર્ભર બનાવવાની ખાલી વાતો કરે છે પણ ચીનના શાસકોએ એ કરી બતાવ્યું છે. ભારતમાં સ્કીલ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા જેવા નારા ચૂંટણીઓ જીતવા અપાય છે જ્યારે ચીનમાં વાસ્તવિક રીતે તેનો અમલ થયેલો છે.

એક જમાનામાં અમેરિકા અને યુરોપના દેશો એટલે કે પશ્ચિમ અને સોવિયેત યુનિયન ટેકનોલોજીમાં પાવરહાઉસ હતાં. રશિયાની વસતી ઓછી છે તેથી રશિયાને કદી ટેકનોલોજીનો ઉપયોગ માર્કેટ સર કરવા માટે કરવામાં રસ નહોતો. જાપાન અમેરિકાનું આંગળિયાત હતું તેથી વરસો સુધી અમેરિકા-યુરોપના દેશોની મોનોપોલી રહી. કારથી માંડીને કોમ્પ્યુટર્સ સુધીની ટેકનોલોજી આધારિત તમામ કન્ઝયુમર પ્રોડક્ટ્સ પશ્ચિમની જ હોય તેથી પશ્ચિમના દેશો ધનિક બન્યા. 

ચીનના શાસકોએ ૧૯૮૦ના દાયકામાં ઔદ્યોગિક ઉત્પાદન તરફ વળવાનું નક્કી કર્યું પછી ૪૦ વર્ષમાં ચીનને દુનિયાની ફેક્ટરી બનાવી દીધી છે. ચીને ૧૯૮૦ના દાયકામાં અમેરિકા સહિતના દેશોને સસ્તો માલ આપવા માંડયો ત્યારે કોઈને કલ્પના નહોતી કે, એક દિવસ ચીન એટલી મોટી આર્થિક મહાસત્તા બની જશે કે અમેરિકાને પણ પડકારશે. ચીને પોતાનો માલ વેચવા અમેરિકા સહિતના દેશોનો સંપર્ક કર્યો ત્યારે  અમેરિકા એવા જ ભ્રમમાં હતું કે, સામ્યવાદી દેશોમાં ફેક્ટરીઓમાં પરાણે મજૂરી કરાવીને બનાવાતો માલ ચીન અમેરિકાને પધરાવવા માગે છે કે જેથી તેનું ગાડું ગબડે. 

ચીન સાવ સસ્તા ભાવે માલ આપતું તેથી અમેરિકાને પોતાનો ફાયદો લાગતો એટલે તેણે માલ લેવા માંડયો. એ વખતે  અમેરિકા એવા ભ્રમમાં જ હતું કે, સોવિયેત યુનિયનની જેમ ચીનનું પણ એક દિવસ પતન થશે કેમ કે કરોડોની વસતીને પોષવા માટે ચીનની સામ્યવાદી સરકાર પાસે નાણાં જ નહીં હોય. ચીને ધીરે ધીરે એવો વિકાસ કર્યો છે કે, કોમ્પ્યુટર્સથી માંડીને ક્લાઉડ સુધીની ટેકનોજી હોય કે કપડાં સહિતનાં કન્ઝયુમર ગુડ્ઝ હોય, ચીન બધું જ બનાવે છે અને બીજાં બધાં કરતાં સસ્તા ભાવે આપે છે તેથી આજે ચીન દુનિયામાં સૌથી મોટો નિકાસકાર દેશ છે. ચીન આ નિકાસના જોરે જ અમેરિકા સામે ભિડાઈ ગયું છે.

આપણે ત્યાં ફાંકોડી ભક્તો ચીનના પછાડવાની ડંફાશો મારે છે પણ વૈશ્વિક અર્થતંત્રમાં ચીનની સામે આપણી કોઈ હૈસિયત નથી. ૨૦૨૪માં ચીનની કુલ નિકાસ ૩૫૭૭ અબજ ડોલર હતી જ્યારે આયાત ૨૫૮૧ અબજ ડોલર હતી. મતલબ કે, આપણી જીડીપી છે એટલા માલની તો ચીન દુનિયામાં નિકાસ કરે છે. અમેરિકા, ભારત સહિતનાં મોટા ભાગનાં અર્થતંત્રોની આયાત કરતાં નિકાસ ઓછી છે તેથી વ્યાપાર ખાધ ધરાવે છે. ચીનની આયાત ઓછી છે જ્યારે નિકાસ વધારે છે તેથી ચીન લગભગ ૧ ટ્રિલિયન ડોલર સરપ્લસ ધરાવતો દેશ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એકલું પાડી દેવા માટે બીજા દેશો પરના ટેરિફનો અમલ ૯૦ દિવસ માટે મોકૂફ રાખ્યો જ્યારે ચીનના માલ પરનો ટેરિફ વધારી દીધો. ટ્રમ્પને લાગે છે કે, પોતાના નિર્ણયના કારણે બીજા દેશો ચીન સાથે વ્યાપાર બંધ કરીને અમેરિકા સાથે જ વ્યાપાર કરશે પણ ટ્રમ્પ બહુ મોટા ભ્રમમાં છે. ઘણી ઈન્ડસ્ટ્રી એવી છે કે, ચીનની તેમાં મોનોપોલી છે. ઈલેક્ટ્રિકલ બેટરી અને લિથિયમ આયન બેટરી તેમાં મુખ્ય છે. 

ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ એ બે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગો ઈલેક્ટ્રિકલ બેટરી અને લિથિયમ આયન બેટરી પર ચાલે છે. ચીન પાસેથી આ બે પ્રોડક્ટ્સ ના મળે તો સંખ્યાબંધ દેશોની મોટી મોટી કંપનીઓ બંધ થઈ જાય. આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ઘણા બધા કાચા માલમાં પણ ચીનની મોનોપોલી છે. કેમિકલ્સ. લાઈટ વેઈટ મેટલ્સ સહિતની ચીજોનો જંગી જથ્થો ચીનમાંથી જ મળે છે તેથી ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર દેશોને ચીન વિના ચાલે એમ જ નથી. ખુદ અમેરિકાની સંખ્યાબંધ કંપનીઓ જ ચીન પર નિર્ભર છે તેથી પોતાના પ્લાન્ટ્સ ચીન અથવા ચીનની નજીકના દેશોમાં ખસેડવા માંડશે. 

ટ્રમ્પનો ઉદ્દેશ ચીનને ઘૂંટણિયે પાડીને અમેરિકા સાથેના વ્યાપારની ખાધ ઘટાડવાનો છે પણ ચીન મચક આપે એવી શક્યતા ઓછી છે કેમ કે ચીન અમેરિકા પર નિર્ભર નથી. બલ્કે ચીન કોઈ દેશ પર નિર્ભર નથી એ જોતાં ટેરિફ વોરમાં ચીનને હરાવવાનું ટ્રમ્પનું સપનું સાકાર થાય એવી શક્યતા ઓછી છે.

ચીને 2018 થી અમેરિકા સાથે ટેરિફ વોરની તૈયારી શરૂ કરી દીધેલી

ચીન લાંબા સમયથી અમેરિકા સાથે ટ્રેડ વોર માટે તૈયાર હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે ચીન પર ટેરિફ લાદ્યા ત્યારથી ચીને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની શરૂઆત કરી અને નવાં બજારો શોધવા માંડયાં. ચીન જબરદસ્ત સ્ટ્રેટેજી સાથે આગળ વધ્યું છે તેથી અત્યારે અમેરિકા પર જરાય નિર્ભર નથી. બલ્કે ચીન કે યુરોપીયન યુનિયન તો અમેરિકાનાં સૌથી મોટાં બિઝનેસ પાર્ટનર પણ નથી. ૨૦૧૮માં ચીનની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૧૯.૨ ટકા હતો જે અત્યારે ઘટીને ૧૪.૨ ટકા થયો છે.

 છ વર્ષમાં ચીનની અમેરિકામાં નિકાસ ૫ ટકા ઘટી પણ ચીનની કુલ નિકાસ ઘટી નથી પણ વધી છે. ચીનની કુલ નિકાસમાં ૨૦૦૦ની સાલમાં દુનિયાના ધનિક દેશોના સંગઠન જી-૭માં થતી નિકાસનો ફાળો ૪૮ ટકા હતો પણ અત્યારે ૩૦ ટકા જ છે.  તેનો અર્થ એ થયો કે, ચીને નવાં બજારો સર કર્યાં છે.

ચીનનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ એ ૧૦ દેશોનું આસિયાન સંગઠન છે.  આસિયાનમાં પપુઆ ન્યુ ગિનિયા અને ટિમોર-લેસ્ટ ઓબ્ઝર્વર દેશો છે. ૨૦૨૪માં ૫૮૬.૫ અબજ ડોલરની નિકાસ અને ૩૯૫.૮ અબજ ડોલરની આયાત સાથે ચીનનો આસિયાન દેશો સાથેનો વ્યાપાર ૯૮૨.૩ અબજ ડોલરનો હતો.

 ચીન ૧૯૦.૭ અબજ ડોલર સરપ્લસ છે પણ આસિયાનના દેશો બહુ મોટી ઈકોનોમી ધરાવતા નથી અને ચીનની નજીક છે તેથી અમેરિકા કે યુરોપ કરતાં ચીન સાથે બિઝનેસ કરવામાં તેમને ફાયદો છે.

ચીન અમેરિકાને ટેકનોલોજીના પાર્ટ્સ આપીને અબજો કમાય છે

ભારતમાં એવી માન્યતા છે કે, ચીન સસ્તાં કપડાં તથા બીજી ઘરવપરાશની ચીજો સસ્તા ભાવે પધરાવીને અમેરિકાના બજારમાં ઘૂસી ગયું છે પણ આ માન્યતા ખોટી છે. ચીન ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીઝ માટે જરૂરી પાર્ટ્સ સસ્તા ભાવે આપી શકે છે એ તેની અસલી તાકાત છે. ચીનની અમેરિકામાં થતી નિકાસ પર નજર નાંખશો તો સમજાશે કે, કપડાં, શૂઝ વગેરે ચીજોનું ચીનની અમેરિકામાં કુલ નિકાસમાં પ્રમાણ બહુ જ ઓછું છે. 

અમેરિકાએ ૨૦૨૪માં અમેરિકામાં કુલ ૪૩૮ અબજ ડોલરની નિકાસ કરી હતી. તેમાંથી ૧૨૫ અબજ ડોલર એટલે કે લગભગ ૨૮ ટકા નિકાસ તો ઈલેક્ટ્રિકલ મશીનરી અને ટીવી પાર્ટ્સની હતી. ૮૨ અબજ ડોલર એટલે કે ૧૮ ટકા નિકાસ ન્યુક્લીયર રીએક્ટર પાર્ટ્સ અને મીકેનિકલ એપ્લાયન્સીસની હતી. મતલબ કે, કુલ નિકાસમાં ૪૬ ટકા નિકાસ તો પ્યોર ટેકનોલોજીની જ છે કે જે ચીન જેટલા સસ્તા ભાવે દુનિયાનો બીજો કોઈ દેશ કદાચ ના આપી શકે. 

ચીનની બાકીની ૫૪ ટકા નિકાસમાં રમકડાં, ગેમ્સ અને સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટનો હિસ્સો ૭ ટકા, પ્લાસ્ટિકનો હિસ્સો ૪ ટકા, ફર્નિચર, લેમ્પ્સ અને પ્રિ-ફેબ્રિકેટેડ બિલ્ડિંગ્સનો હિસ્સો ૪ ટકા, વ્હીકલ્સનો હિસ્સો ૪ ટકા, આયર્ન અને સ્ટીલનો હિસ્સો ૩ ટકા, ઓપ્ટિકલ અને ફોટોગ્રાફિક પાર્ટ્સનો હિસ્સો ૩ ટકા. કપડાં અને સૂઝનો બે-બે ટકા મળીને કુલ હિસ્સો ટકા છે.  આ સિવાય ચીન બીજી હજારો નાની નાની ચીજો પણ અમેરિકાને આપે છે.