Get The App

દિલ્હીની વાત : તેજસ્વી યાદવની વાત માનવા રાહુલ ગાંધીનો ઇન્કાર

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : તેજસ્વી યાદવની વાત માનવા રાહુલ ગાંધીનો ઇન્કાર 1 - image


નવી દિલ્હી : આરજેડીના નેતા તેજસ્વી યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા કોંગ્રેસ આનાકાની કરે છે. કોંગ્રેસના આ ખચકાટ પાછળ મતોનું ગણીત પણ છે. તેજસ્વી યાદવની ઇમેજ યાદવ અને મુસ્લિમ મતદારોમાં મજબૂત છે જ્યારે કોંગ્રેસ સવર્ણ અને અનુસૂચિત જાતિના મતદારોને પણ ખુશ રાખવા માંગે છે. હમણા આ મતદારો એનડીએ તરફ છે. તેજસ્વી યાદવનું નામ આગળ કરવાથી સવર્ણો ઉપરાંત બીજી નબળી ઉપ જાતિઓ, વિશેષ કરીને અતિ પછાત, નારાજ થઈ જવાનો કોંગ્રેસને ડર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કારણે જ કોંગ્રેસ તેજસ્વીનું નામ આગળ કરવા માંગતી નથી. બીજી તરફ તેજસ્વી યાદવ શરમ મૂકીને પોતાને મુખ્યમંત્રીના દાવેદાર ગણાવી રહ્યા છે. ૧૯૭૯ના ભાગલપુર હુલ્લડો પછી અસમંજસમાં રહેલી કોંગ્રેસે તમામને નારાજ કર્યા હતા.

નાગરીકતા મળ્યા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ વોટર લિસ્ટમાં કઈ રીતે?

કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી સામે એફઆઇઆર દાખલ કરવા માટેની અરજી દિલ્હીની એક કોર્ટમાં કરવામાં આવી છે. સુનાવણી વખતે વકીલે કોર્ટમાં પ્રશ્ન કર્યો હતો કે, ભારતીય નાગરીકતા મળી એના ત્રણ વર્ષ પહેલા સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં કઈ રીતે દાખલ થયું હતું. રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને એવી માંગણી કરવામાં આવી છે કે આ આરોપ હેઠળ સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ કરવામાં આવે અને એની તપાસ થાય. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધી ૧૯૮૩ની ૩૦મી એપ્રિલે ભારતના નાગરીક બન્યા હતા. જોકે મતદાર યાદીમાં એમનું નામ ૧૯૮૦માં જ દાખલ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ભાજપે પણ આવો જ આક્ષેપ કર્યો હતો.

વસુંધરા રાજે અને ભાગવતની મુલાકાત, રાજકીય વર્તુળોમાં ચર્ચા

છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે નેપથ્યમાં છે. હવે એકાએક રાજે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા છે. આ મુલાકાતની ચર્ચા રાજસ્થાનના રાજકારણમાં થઈ રહી છે. રાજસ્થાનના જોધપુરમાં આ બંને વચ્ચે થયેલી મીટીંગનો એજન્ડા કયો હતો એની જાણ કોઈને થઈ નથી. ભાજપના નેતા હોય કે કોંગ્રેસના કાર્યકરો બધાને જ જાણવું છે કે મીટીંગમાં શું થયું. મોહન ભાગવત, આરએસએસ અને એમના પેટા સંગઠનો વચ્ચેની સમન્વય બેઠક માટે જોધપુર ગયા હતા. ભાગવત અને રાજેની મુલાકાતને એટલે પણ અગત્યની ગણવામાં આવે છે કે થોડા દિવસ પહેલા રાજેએ કહ્યું હતું કે, 'દરેક વ્યક્તિના જીવનમાં વનવાસ આવે છે, પરંતુ એ સ્થાયી નથી હોતો. આવા સમયએ ધૈર્ય રાખવું જરૂરી છે.'

'તમને દરગાહ, મજાર સિવાય બીજે દબાણ દેખાતું નથી?'

દિલ્હી હાઇકોર્ટે એક એનજીઓને પૂછયું છે કે દબાણ હટાવવાના નામે એમને ફક્ત દરગાહો અને મજારો જ કેમ દેખાય છે? એમની સામે પગલા લેવાની માંગણી શા માટે કરે છે? એનજીઓએ દાખલ કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હીતની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની સિંચાઇ અને પુર નિયંત્રણ જમીન પર ગેરકાયદેસર બાંધકામો થયા છે. ત્રણ દરગાહ અને એક મજાર ગેરકાયદેસર બનાવવામાં આવ્યા છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે, જમીન માફિયાઓએ આ સરકારી જમીન પચાવી પાડી છે. કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટીસ બી કે ઉપાધ્યાયે અરજી કરનારને પૂછયું હતું કે, 'તમે ફરીફરીને કયાંથી પણ દરગાહને કેમ લઈ આવો છો? તમને બીજી કોઈ જગ્યાએ દબાણ દેખાતા જ નથી?'

અહીંયા કમળ ખિલવતા ભાજપને 40 વર્ષ થયા

બિહારની જમુઇ વિધાનસભા બેઠક હોટ સીટ ગણાઇ છે. સમાજવાદી અને કોંગ્રેસનો ગઢ ગણાતા આ ક્ષેત્રમાં ભાજપ સ્થાપનાના ૪૦ વર્ષ પછી એટલે કે ૨૦૨૦માં પહેલી વખત અહીંથી જીત્યો હતો. ૧૯૯૫માં પહેલી વખત ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ અહીંથી ઉભા રહ્યા હતા ત્યારે એમને ફક્ત પાંચ હજાર મતો મળ્યા હતા. ત્યાર પછી બિહારમાં ગઠબંધનનો યુગ શરૂ થયો, જેને કારણે આ બેઠક જેડીયુના ખાતામાં જતી હતી. ૨૦૨૦માં પહેલી વખત ભાજપના શ્રેયસી સિંહ અહીંથી ધારાસભ્ય બન્યા હતા. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર પૂરી તાકાત લગાડશે. જોકે તેજસ્વી યાદવને વિશ્વાસ છે કે એમની સ્ટ્રેટજીને કારણે તેઓ ભાજપના ઉમેદવારને જીતવા નહીં દે.

'પિતા પોલીસી બનાવે છે, પુત્ર નોટ છાપે છે'

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એમના પુત્રોને કારણે સંકટમાં મુકાયા છે. કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાએ કહ્યું છે કે, નિતિન ગડકરીના પુત્રો નિખીલ ગડકરી અને સારંગ ગડકરીની કંપની ઇથેનોલનું ઉત્પાદન કરે છે. એમના પિતા સરકારમાં બેસીને પોલીસી બનાવે છે અને પુત્રો નોટ છાપે છે. ખેડાએ કહ્યું હતું કે, 'નિખીલ ગડકરીની કંપની સીયાન એગ્રોની આવક જૂન ૨૦૨૪માં ૧૮ કરોડ રૂપિયા હતી જે જૂન ૨૦૨૫માં વધીને ૭૨૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કંપનીના શેરની કિંમત જાન્યુઆરી ૨૦૨૫માં ૩૭ રૂપિયા હતી જે વધીને ૬૩૮ રૂપિયા થઈ ગઈ છે.' ખેડાના કહેવા પ્રમાણે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મીશ્રણ કરવાની પોલીસી ખૂબ જ ઝડપથી લાગુ કરી દેવામાં આવી હતી.

સીજેઆઇના ભાણેજ હાઇકોર્ટના જજ બન્યા, જસ્ટીસ ઓકાએ કહ્યું, હું હોંવ તો આવુ નહીં કરૃં

ચિફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈના ભાણેજ રાજ વાકોડેનું નામ બોમ્બે હાઇકોર્ટના જજ તરીકે મોકલવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં જ એમના નામની ભલામણ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ અભય ઓકાએ કહ્યું છે કે જે કોલેજિયમએ નામ મંજૂર કર્યું એનાથી સીજેઆઇ બી આર ગવઈએ અલગ રહેવાની જરૂર હતી. હું મારી વાત ચોખ્ખી કરવા માંગુ છું. જો કોઈ ઉમેદવારનું નામ હાઇકોર્ટની ભલામણ માટે આવે છે તો એમના કોઈપણ સગાએ કોલેજિયમમાં ભાગ લેવો જોઈએ નહીં. એમના કહેવા પ્રમાણે જો કોઈ ઉમેદવાર ખરેખર યોગ્ય છે તો શું એમને ન્યાય પાલિકાથી દુર રાખવો જોઈએ કે એમની એન્ટ્રી રોકવી જોઈએ? આ વાત પર વિચાર થવો જોઈએ. મને ખબર નથી કે સીજેઆઇ શા માટે કોલેજિયમથી અળગા રહ્યા નહોતા.

Tags :