દિલ્હીની વાત : બિહારમાં ભાજપએ કરાવેલા સર્વેનો રીપોર્ટ આવી ગયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બિહાર ભાજપ કોર કમીટીના સભ્યો દિલ્હીમાં મળ્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે હવે અમિત શાહ બિહારમાં ભાજપની રણનીતિ તૈયાર કરશે. મીટીંગમાં સૌથી વધુ ચર્ચા વિધાનસભા બેઠકોની શેરીંગ બાબતે થઈ હતી. ભાજપે બિહારમાં વિવિધ સ્તરે સર્વે કરાવ્યા છે. રાજ્યમાં પક્ષ માટે મજબૂત અને નબળા ક્ષેત્રો કયા છે એ વિશે પણ સર્વેમાં જણાવાયું છે. હવે સાથી પક્ષો સાથે બેસીને એમને સમજાવવાની તૈયારી ભાજપ કરી રહ્યો છે. રાજ્યમાં એન્ટી ઇન્કમબન્સી તેમજ નબળા ધારાસભ્યોની ટિકિટ કાપ્યા પછીની પરિસ્થિતિનો તાગ લઈને રણનીતિ ઘડવામાં આવશે. રાહુલ ગાંધીની 'વોટર અધિકાર યાત્રા' પછી લોકોના બદલાયેલા મૂડનું કાઉન્ટર કઈ રીતે કરવું એ વિશે પણ અમિત શાહ વિચારી રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યએ મહિલા પત્રકારને કહેલી વાતને કારણે વિવાદ
પ્રેગ્નન્સી બાબતે મહિલા પત્રકારના સવાલનો અસંવેદનશીલ જવાબ આપવાને કારણે કોંગ્રેસના ધારાસભ્યની ટીકા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં તેમજ પત્રકારોમાં પણ ધારાસભ્યના જવાબની ચર્ચા થઈ રહી છે. નિવેદન બદલ દેશપાંડેની માફીની માંગણી પણ કરવામાં આવી છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના હલિયતના ધારાસભ્ય દેશપાંડેને હોસ્પિટલ બાબતનો સવાલ એક મહિલા પત્રકારે કર્યો હતો. એમણે પૂછયું હતું કે, જોઈડા તાલુકામાં હોસ્પિટલ ક્યારે બનશે, કારણ કે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને ગર્ભવતિ મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્યએ આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 'ચિંતા નહીં કર, તુ પ્રેગ્નન્ટ થશે ત્યા સુધીમાં બધુ થઈ જશે.' ધારાસભ્યનો જવાબ સાંભળીને પત્રકારે ફક્ત એટલો જ જવાબ આપ્યો હતો કે 'શું સર'
હું સ્વસ્થ ચર્ચામાં માનું છું, મારા વિરોધીઓ બોલતા નથી
ધનખડના રાજીનામા પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આ મહિનાની ૯મી તારીખે થવાની છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિરોધપક્ષના ઉમેદવાર તરીકે સુદર્શન રેડ્ડી છે. સુદર્શન રેડ્ડીએ પોતાના પ્રતિસ્પર્ધી અને એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે ચૂપ રહેવાનો આરોપ મૂક્યો છે. રેડ્ડીના કહેવા પ્રમાણે જો રાધાકૃષ્ણન કઈક બોલે તો સ્વસ્થ ચર્ચા થઈ શકે. પોતે ચર્ચાના પક્ષમાં છે અને એમનો ઇરાદો એમના વિરોધીઓનું અપમાન કરવાનો નથી. સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે, 'હું દરરોજ મીડિયા સાથે વાત કરૃં છું. હું આ ટીપ્પણી એમ વિચારીને કરૂ છું કે અમારી વચ્ચે સ્વસ્થ ચર્ચા થાય. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં દેશ સામે સૌથી મોટી બંધારણીય ચેલેન્જ કઈ છે ત્યારે રેડ્ડીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ જોખમી છે. એમણે કહ્યું હતું કે, 'જો આમ જ ચાલતું રહ્યું તો દેશની લોકશાહી માટે મુશ્કેલી ઉભી થશે.'
ગુરુગ્રામની દુર્દશા માટે પણ નહેરૂ જવાબદાર?
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામની હાલત આજકાલ ખૂબ ખરાબ છે. ગુરુગ્રામનો વિકાસ આડેધડ થયો છે. દિલ્હીવાસીઓની અવરજવર અહીં રહે છે. ગુરુગ્રામના રસ્તાઓ તૂટેલા છે, વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને ચારે તરફ ગંદકી છે. ગુરુગ્રામની સ્થિતિ જોઈને જાણીતા લેખક સુહેલ શેઠે કેટલાક અણીયાળા સવાલો પૂછયા છે. એમણે ભાજપને પૂછયું છે કે ગુરુગ્રામની દુર્દશા માટે પણ શું નહેરૂ જવાબદાર છે? સુહેલ શેઠે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ગંભીરતાથી કહીએ તો ગુરુગ્રામ ખતમ થઈ ગયું છે. તમે હાલાકીની કલ્પના પણ નહીં કરી શકો. આ શહેરને બરબાદ કરનાર સૌથી પહેલી વ્યક્તિ મનોહરલાલ ખટ્ટર હતા. હવે નાયબ સૈની પરિસ્થિતિ સંભાળી શકતા નથી. ભાજપે ગંભીર આત્મનીરીક્ષણ કરવાની જરૂર છે. છેલ્લા ૧૧ વર્ષથી હરિયાણામાં ભાજપની સરકાર છે.'
'નફરત' ફેલાવનારાઓ માટે આ દેશમાં કોઈ જગ્યા નથી
જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહેમુદ અસદ મદનીએ આસામની રાજધાની ગોહટ્ટી જઈને રાજ્ય સરકાર સામે નારાજગી દર્શાવી હતી. એમના કહેવા પ્રમાણે આસામ સરકારના કેટલીક નિર્ણયો માનવતાવાદી સિદ્ધાંત વિરૂદ્ધ તો છે જ પરંતુ સુપ્રિમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ પણ છે. મદનીએ કહ્યું હતું કે, 'અમે આસામના ઘણા સ્થળોએ ગયા હતા. અમે જાતે કેટલીક દુખદ પરિસ્થિત જોઈ. લોકોના મોઢા ઉપર દયા અને નિરાશા દેખાતી હતી. વધુ ચિંતાની વાત એ છે કે લોકોને ધર્મને આધારે વિભાજીત કરવામાં આવે છે. એક ખાસ ધર્મના લોકો માટે 'મીંયા' અને 'ડાઉટફૂલ' જેવા અપમાનજનક શબ્દોના પ્રયોગ થાય છે. આ ખુબ જ દુઃખદ છે. જો અહીં કોઈ વિદેશી મળે તો એમને તરત જ બહાર કાઢી મૂકવા જોઈએ. અમને એમની ચિંતા નથી, પરંતુ જે ભારતના નાગરીક છે એમને ફરીથી અહીં વસાવવા જોઈએ.'
આપ માટે હવે કોંગ્રેસ દુશ્મન નં. 1
કોંગ્રેસ પક્ષ સાથે ઇન્ડિયા ગઠબંધનના સાથીદાર રહીને ૨૦૨૪ લોકસભાની ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટીના સમીકરણો હવે બદલાઈ ગયા છે. ઇન્ડિયા ગઠબંધનમાંથી આપ નિકળી ગયું છે. થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલએ સવાલ કર્યો હતો કે, ભાજપ સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ધરપકડ શા માટે નથી કરતી. હવે મનિષ સિસોદીયાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની મીલીભગતના આરોપ મૂક્યા છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવએ આપેલા એક ઇન્ટરવ્યૂને કેન્દ્રમાં રાખીને આપના નેતાઓએ આક્ષેપો તૈયાર કર્યા છે. આપના કહેવા પ્રમાણે દેવેન્દ્ર યાદવએ કેમેરા સામે કબુલ કર્યું છે કે એમણે ભાજપને જીતાડવાની કોશિષ કરી હતી. દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ સોશ્યલ મીડિયા એક્સ પર તૈયાર કરવામાં આવેલો એક વિડિયો મૂક્યો છે. એમણે લખ્યું છે કે, 'દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે કોંગ્રેસે શું કર્યું હતું એની ખબર અમને તો હતી જ પરંતુ દેવેન્દ્ર યાદવે પણ અમારા આક્ષેપ કબુલ કર્યા છે.'
માફિયાની ખાલી કરાવેલી જમીન પર બનેલા ફલેટોની વહેંચણીમાં કૌભાંડ
માફિયા મુખ્તાર અંસારીની ખાલી કરાવેલી જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા હતા. લખનૌના દાલીબાગ વિસ્તારમાં આ મકાનો બન્યા હતા. હવે મોટું કૌભાંડ બહાર આવ્યુ છે. ચીટરોએ આવાસના બનાવટી ફાળવણી પત્રો તૈયાર કરીને મોટી છેતરપીંડી કરી છે. ચીટરોએ પોતાને એલડીએના કર્મચારી તરીકેની ઓળખાણ આપી હતી. ૧૮ જેટલી વ્યક્તિઓ પાસે ૨૬ લાખ ૪૦ હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા. રહેઠાણનો કબજો નહિ મળ્યો ત્યારે પીડિતો એલડીએની ઓફિસમાં ગયા હતા. ત્યારે ભાંડો ફૂટયો હતો. હવે ચીટરો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. છેતરપીંડી કરનારાઓની શોધ ચાલુ છે.