Get The App

દિલ્હીની વાત : ખોટી ફરિયાદો બાબતે સુપ્રિમ કોર્ટ કડક

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ખોટી ફરિયાદો બાબતે સુપ્રિમ કોર્ટ કડક 1 - image

નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટે લગ્ન જીવનના વિવાદોમાં ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ફોજદારી કેસોની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, કોર્ટો અને વકીલો બંનેની જવાબદારી છે કે અંગત દ્વેષને કારણે ફોજદારી કાયદાનો દુરઉપયોગ થતો રોકે. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જલ ભૂયીઆની બેંચે પતિ અને એમના કુટુંબીઓ વિરુદ્ધ કરવામાં આવેલી ૧૦થી વધુ ફોજદારી ફરિયાદોને રદ કરતા આ ટીપ્પણી કરી હતી. આ કેસોમાં પોક્સો કાયદો અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ દુષ્કૃત્યની ફરિયાદોનો સમાવેશ પણ થાય છે. કોર્ટે ટીપ્પણી કરી હતી કે, 'લગ્ન જીવનના વિવાદોમાં ખોટા આક્ષેપો અને દ્વેષપૂર્ણ કેસોને કોર્ટે ઉત્તેજન આપવું જોઈએ નહીં. વકીલો ઉપર સામાજીક જવાબદારી છે અને કુટુંબ જીવનના સામાજીક બંધનને તૂટતુ બચાવવું જોઈએ.

મરાઠા અનામત માટે જરાંગે પાટીલનું ફરીથી આંદોલન

મરાઠા અનામત માટે લડી રહેલા મનોજ જરાંગેએ ૯મી વખત આમરણાત ઉપવાસ શરૂ કર્યા છે. મહારાષ્ટ્રના જલના જિલ્લામાં તેઓ પોતાના ટેકેદારો સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને ખબર છે કે, મરાઠા અનામત બાબતે મહારાષ્ટ્રના મરાઠાઓ ખૂબ સંવેદનશીલ છે. ભૂતકાળમાં પણ જેતે સરકારે મનોજ જરાંગે સાથે વાતચીત કરવી પડી છે. મનોજ જરાંગે ભૂખ હડતાળ પર ઉતરતા જ મરાઠા અનામત કેબિનેટ સબ કમીટીના ચેરમેન અને મંત્રી રાધાકૃષ્ણ વીખે પાટીલ જરાંગેને મળવા દોડી ગયા હતા. પાટીલે જરાંગેને એમનું આંદોલન પરત ખેંચવા વિનંતી કરી હતી. જરાંગેએ અંતરવાલી સરાતી ગામમાં આંદોલન શરૂ કર્યું છે. ભારે ગરમી વચ્ચે કોઈ મંડપ બાંધ્યા વગર તેઓ ખુલ્લામાં ભૂખ હડતાળ કરી રહ્યા છે. એમણે સરકારને વારંવાર વિંનતી કરી હોવા છતાં પણ સરકારે ધ્યાન આપ્યું નહોતું.

ભાજપ સરકાર ઇચ્છે છે કે સિંગુરમાં ટાટા ગુ્રપ પરત ફરે

પશ્ચિમ બંગાળમાં જ્યારે સામ્યવાદીઓ સત્તામાં હતા ત્યારે ટાટા ગુ્રપને પ્લાન્ટ નાખવા માટે સિંગુરમાં જમીન ફાળવવામાં આવી હતી. એ વખતે મમતા બેનર્જીએ મોટુ આંદોલન ચલાવીને ટાટા ગુ્રપને બંગાળમાંથી પરત કર્યું હતું. દુભાયેલા ઉદ્યોગગૃહોએ ત્યાર પછી બંગાળમાં નવા ઉદ્યોગો સ્થાપવાનું માંડી વાળ્યું હતું. હવે બંગાળમાં ભાજપ સરકાર સત્તા પર આવ્યા પછી બંગાળના ભાજપ પ્રમુખ સમીક ભટ્ટાચાર્યએ ટાટા ગુ્રપને સિંગુરમાં પાછા આવવા આમંત્રણ આપ્યું છે. એમનું માનવું છે કે જો બંગાળમાં ટાટા ગુ્રપ ફરીથી પ્લાન્ટ નાખે તો રાજ્યમાં બીજા ઇન્વેસ્ટરો આવવા માટે પણ વિચારશે. એમના મતે રાજ્યમાં ટાટાને કોઈપણ હિસાબે પરત લાવવું આવશ્યક છે. હમણા રાજ્યની ઇમેજ ઉદ્યોગ વિરોધી છે. આ ઇમેજ બદલવી હોય તો ફરીથી વિવિધ ઉદ્યોગોને બંગાળમાં લાવવા પડશે.

ડી કે શિવકુમાર ક્યારે સોંગદ લેશે એ જ્યોતિષીએ નક્કી કર્યું

કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર બની રહી છે. ડી કે શિવકુમાર નવા મુખ્યમંત્રી બનશે. ડી કે શિવકુમારને જ્યોતિષીમાં ભારે વિશ્વાસ છે. શિવકુમારના જ્યોતિષી આરાધ્યએ કહ્યું છે કે શિવકુમાર ૩જી જૂને સાંજે ૫.૧૫ વાગ્યે મુખ્યમંત્રી પદના સોંગદ લેશે. આ સલાહ એમને આપવામાં આવી છે. કર્ણાટકમાં નવી સરકાર બને એ પહેલા કોંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલને અને કર્ણાટકના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા બેંગલુરુ પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા સતીષ જારકીહોલીએ કહ્યું છે કે, સિદ્ધારમૈયાએ શરૂ કરેલી કામગીરી ચાલુ રહેશે. આ જવાબદારી અમારા નવા મુખ્યમંત્રી નિભાવશે. સિદ્ધારમૈયાને કોગ્રેેસ હાઇકમાન્ડે રાજ્યસભાની બેઠક ઓફર કરી હતી. જોકે રિસાયેલા સિદ્ધારમૈયાએ આ ઓફર નકારી કાઢી છે. ઉપરછલ્લી રીતે ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયા એક બીજાને ગળે મળે છે, પરંતુ વખત આવે ત્યારે સિદ્ધારમેયા વળતો ઘા કરે એવી પૂરી શક્યતા છે.

'દાવો કરે છે વિશ્વગુરુનો, પરંતુ એક પરીક્ષા પણ ઠીકઠીક કરાવી શકતા નથી'

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશની શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરવાનો આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કહ્યું છે કે વિશ્વગુરુ બનવાના મોટા મોટા દાવા કરતી સરકાર એક પરીક્ષાનું આયોજન પણ યોગ્ય રીતે કરી શકવા સક્ષમ નથી. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ)એ કહ્યું હતું કે શનિવારે દેશભરમાં લેવાનાર સીયુટી-યુજી ૨૦૨૬ પરીક્ષા કેટલાક કેન્દ્રો પર ટેક્નીકલ સમસ્યાને કારણે મોડી શરૂ થઈ હતી. કોંગ્રેસ નેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'નીટ, સીબીએસઈ, એસએસસી અને સીયુઇટી. ચાર પરીક્ષાઓ, એક પણ પરીક્ષા પ્રમાણીકતાથી થઈ નથી.' યુવાધન નીરાશ હોવાનું પણ એમણે કહ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે મોદીએ પુરી શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી છે.

દિલ્હી-એનસીઆરમાં આંધી-વરસાદ

દેશના કેટલાક ભાગોમાં અચાનક વાતાવરણ બદલાયું છે. દિલ્હી -એનસીઆરમાં તેજ પવન અને ધૂળની આંધી તેમજ વરસાદને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જોકે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. રાજસ્થાનના જુરુ, સીકર અને બિકાનેરમાં રેતીની આંધીને કારણે દિવસે પણ અંધારૂ થઈ ગયું હતું. ઉત્તરાખંડમાં આવનારા દિવસોમા ભારે વરસાદ અને ઓલાવૃષ્ટિની આગાહી કરવામાં આવી છે. દિલ્હી - એનસીઆરમાં પણ યલો એલર્ટ જાહેર થયું છે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ખુલ્લી જગ્યાએ જવાનું ટાળે. લગભગ ૭૦ કિલોમીટર દર કલાકની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હી માટે એવી આગાહી છે કે દર વર્ષ કરતા આ વખતે ચોમાસુ નબળુ રહેશે.

પટણાના '10 સરક્યુલર' બંગલામાં પોલીસ પહોંચી

બિહારમાં લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ ભલે ચૂંટણી હાર્યું હોય, પરંતુ હજી તેઓ નમતુ જોખવા તૈયાર નથી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી હજી પણ સરકારી નિવાસ એટલે કે ૧૦ સરક્યુલર રોડ પર આવેલા બંગલામાં આરામથી રહે છે. સરકારે બંગલો ખાલી કરાવવા માટે સચીવાલયના અધિકારી અનુકુમારી ભારીને પોલીસ બંદોબસ્ત સાથે રાબડીના ઘરે મોકલ્યા હતા. એમની સાથે પટણાના એડીએમ (લો એન્ડ ઓર્ડર) પણ હાજર હતા. બંને અધિકારીઓએ બંગલાની અંદર જઈને બિહાર વિધાન પરિષદના નેતા વિરોધપક્ષના રાબડી દેવી સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ એમને મકાન ખાલી કરવાની નોટિસ અને કાયદાકીય હુકમો બતાવ્યા હતા. જોકે આ વાતચીત પછી પણ રાબડી દેવી વિચલીત થયા નહોતા અને એમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે હું કોઈપણ સંજોગોમાં મકાન ખાલી કરવાની નથી.