Get The App

દિલ્હીની વાત : વડાપ્રધાન મોદી અને વિજયન મળેલા હોવાનો આક્ષેપ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વડાપ્રધાન મોદી અને વિજયન મળેલા હોવાનો આક્ષેપ 1 - image

નવીદિલ્હી : રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, કેરળના મુખ્યમંત્રી વિજયન સામ્યવાદી પક્ષના નેતા હોવા છતાં એમણે કદી વડાપ્રધાન મોદીની ટીકા કરી નથી. એ જ રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓની ટીકા કરી રહ્યા છે એ રીતે એમણે વિજયનને દાવમાં લીધા નથી. આ બાબતે હવે ર્કાંગ્રેેસના નેતા અને કેરળના પ્રભાવી સચીન પાયલોટે ખૂલીને આક્ષેપો કર્યા છે. એમના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીને ખુશ કરવા માટે મુખ્યમંત્રી વિજયન રાહુલ ગાંધી માટે અપમાનજનક નિવેદનો કરે છે. વિજયન અને મોદી વચ્ચે કોઈ પ્રકારની છૂપી સમજૂતી થઈ છે. વિજયન એવો આક્ષેપ કરે છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ છે તો પછી એ જાહેર કરો કે કેટલા સામ્યવાદી નેતાઓને કેન્દ્રીય એજન્સીઓએ નિશાન બનાવ્યા છે?

સાક્ષી મહારાજને જોઈએ છે સરકારમાં મોટો ભાગ

રાજકારણમાં પોતાના સમાજ કે જ્ઞાાતિને જોરે ચૂંટાઈ આવતા જનપ્રતિનિધિઓ સત્તા માટે કેટલા બેબાકળા થઈ જાય છે એનું ઉદાહરણ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ છે. સાક્ષી મહારાજ લોધી સમાજમાંથી આવે છે. સાક્ષી મહારાજે સત્તા અને સંગઠનમાં લોધી સમાજની ભાગીદારી વધારવાની માંગણી કરી છે. એમણે નારાજ થઈને કહ્યું હતું કે, આજે પરિસ્થિતિ એવી છે કે, કલ્યાણસિંહની પ્રતિમા મૂકવા માટે પણ પરવાનગી લેવી પડે છે. મુખ્યમંત્રી પદમાં પણ લોધી સમાજનો હિસ્સો વધવો જોઈએ. સાક્ષી મહારાજે લોધી સમાજની રાજકીય તાકાતનો ઉપયોગ કર્યો છે. એમનું માનવું છે કે ઉત્તર પ્રદેશમાં લોધી સમાજના ઇશારે સરકાર બને છે અને તૂટે પણ છે. એમણે જાહેરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, 'અમે લાચાર નથી. અમે અમારું સ્વાભીમાન ગીરવે નહી મૂકીએ.' વડાપ્રધાન કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. તો આ વિકાસમાં લોધી સમાજનો હિસ્સો પણ હોવો જોઈએ.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બીજા રાજ્યો કરતા કઈ રીતે અલગ છે

આવતા મહિને આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ સિવાય બાકીના રાજ્યોમાં મતદાન એક દિવસમાં પૂરુ થશે. પશ્ચિમ બંગાળમાં મતદાન બે ભાગમાં થવાનું છે. જોકે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પશ્ચિમ બંગાળની ચૂંટણી ૬, ૭ કે ક્યારેક ૮ ભાગમાં પણ યોજવામાં આવી છે. બીજા રાજ્યોમાં પણ ચૂંટણી છે છતાં દેશના મીડિયાની નજર પશ્ચિમ બંગાળ પર છે. તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની ટક્કર પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયામાં છવાઈ રહી છે. બીજા રાજ્યો કરતા પશ્ચિમ બંગાળનું રાજકારણ અલગ છે. ૫૦ વર્ષોથી પશ્ચિમ બંગાળમાં એવા પક્ષો સત્તામાં રહ્યા છે કે, જેમના વિરોધી દિલ્હીમાં સત્તા પર હોય. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બીજા રાજ્યો કરતા હિંસા પણ વધુ પ્રમાણમાં થાય છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે એસઆઇઆર અભિયાનનો વિરોધ પણ બીજા રાજ્યો કરતા વધુ થઈ રહ્યો છે. ભારતના ક્ષેત્રીય નેતાઓમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સૌથી શક્તિશાળી ગણાય છે.

પાકિસ્તાન માટે આઇએમએફએ ખજાનો ખુલ્લો મૂક્યો

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઇએમએફ)એ પાકિસ્તાન સાથે અગત્યના કરાર કર્યા છે. થયેલા કરાર પછી પાકિસ્તાનને લગભગ ૧૦,૨૦૦ કરોડ રૂપિયા મળશે. કઈ રીતે આઇએમએફના અધિકારીઓ પાકિસ્તાનના અધિકારીઓની વાત માની ગયા એ શંકાસ્પદ છે. પાકિસ્તાનના નાણામંત્રાલયે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, આઇએમએફએ એક્સીડેન્ટેડ ફંડ ફેસીલીટી હેઠળ ૩૭ મહિનાની એક્સીડેન્ટલ વ્યવસ્થાની ત્રીજી સમીક્ષા કરીને આ નાણાકીય લોન આપવાનું નક્કી કર્યું છે. આઇએમએફ મિશનના પ્રમુખ ઇવા પેટ્રોવાના કહેવા પ્રમાણે પાકિસ્તાનને લગભગ ઇએફએફ હેઠળ ૧ બિલિયન ડોલર અને આરએસએફ હેઠળ લગભગ ૨૧૦ મીલીયન ડોલર મળશે. આઇએમએફને લાગે છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સ્થિર છે. ગયા વર્ષે પાકિસ્તાનને ૧.૪ બિલિયન અમેરિકન ડોલરની લોન મળી હતી જે હજી સુધી પાકિસ્તાન ચૂકવી શક્યું નથી.

પશ્ચિમ એશિયા સંકટ બાબતે પ્રિયંકા ગાંધી વાડ્રાએ શું કહ્યું

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ સામાન્ય કયારે થશે એ વિશે કોઈને ખબર નથી. આ બાબતે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે, યુદ્ધ જેવા ગંભીર મુદ્દે રાજકારણ કરવું યોગ્ય નથી. આ બાબતે દેશે એક રહેવું જોઈએ. રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીએ મવાળ સ્ટેન્ડ લેતા કહ્યું હતું કે આ બાબતે દેશ એક સાથે ઉભો છે. જોકે એમણે સરકારને આ બાબતે યોગ્ય કામગીરી કરવા કહ્યું  હતું. આજ કારણે વિરોધપક્ષ સંસદમાં આ બાબતે વિસ્તૃત ચર્ચાની માંગણી કરે છે. જો આમ થશે તો બધા પક્ષો મળીને રસ્તો કાઢી શકે. પ્રિયંકાએ કહ્યું હતું કે એલીપીજી સીલિન્ડરોની કિંમત એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય લોકો માટે ખરીદવા મુશ્કેલ થઈ ગયા છે. વધતી મોંઘવારીની અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. સમસ્યામાંથી રસ્તો કાઢવા માટે સંસદમાં ચર્ચા થવી જરૂરી છે.

મહિલાઓને ખુશ કરવા માટે ડીએમકે - એઆઇએડીએમકે વચ્ચે સ્પર્ધા

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સત્તાધારી પક્ષ ડીએમકે અને વિરોધ પક્ષ એઆઇએડીએમકેએ ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધા છે. ચૂંટણી ઢંઢેરામાં ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે જાતભાતની યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ડીએમકેએ ૨૦૨૧ની ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ૫૦૫ વચનો આપ્યા હતા. આ વખતે વચનોની સંખ્યા વધારીને ૫૨૫ કરી છે. બીજી તરફ એઆઇએડીએમકેએ ૨૯૭ વચનો આપ્યા છે. ડીએમકેએ ગૃહીણીઓને ઘરેલુ વસ્તુઓ ખરીદવા માટે આઠ હજાર રૂપિયાની કૂપનો આપવાની જાહેરાત કરી છે. મહિલાઓને મહિને એક હજારથી વધારીને બે હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. એઆઇએડીએમકે રેશનકાર્ડ ધારકોને મફત રેફ્રીજેરેટર આપવાનું વચન આપ્યું છે. આ સિવાય કુલા વિલાક્કુ યોજના હેઠળ તમામ રેશનકાર્ડ ધારકો માટે બે હજાર રૂપિયાની સબસીડી જાહેર કરી છે.

નવીન પટનાયક ભાજપના સાંસદ પર લાલઘૂમ

ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ બીજુ પટનાયક પર કરેલી ટીપ્પણીને કારણે ઓડીસાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક નારાજ થઈ ગયા છે. ગુસ્સે થયેલા નવીન પટનાયકે કહ્યું હતું કે, 'બીજુ બાબુ માટે કરવામાં આવેલી અપમાનજનક વાતો સાંભળીને હું દુ:ખી થઈ ગયો છું. કદાચ એમને ખબર નહીં હોય કે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ દિલ્હીમાં પોતાની ઓફિસની બાજુની ઓફિસ બીજુ બાબુને આપી હતી, કારણ કે ચીન સાથેના યુદ્ધમાં રણનીતિ બનાવવામાં મદદરૂપ થઈ શકે. એ વખતે મારી ઉંમર ૧૩ વર્ષની હતી, પરંતુ મને યાદ છે કે ચીને કરેલા હુમલાને કારણે બીજુ બાબુ કેટલા ગુસ્સામાં હતા અને એને રોકવા માટે એમણે કેટલું કામ કર્યું હતું. મને લાગે છે કે સાંસદે માનસિક ડોક્ટરને બતાવવાની જરૂર છે.' નિશીકાંત દુબેએ એવું નિવેદન આપ્યું હતું કે, '૧૯૬૦ના દાયકામાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને સીઆઇએ વચ્ચે બીજુ પટનાયક લિંક તરીકે હતા.'