Get The App

દિલ્હીની વાત : વીવીઆઇપીની સુરક્ષા કરતા કર્મચારીઓની મનોવૈજ્ઞાનિક તપાસ કરાશે

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વીવીઆઇપીની સુરક્ષા કરતા કર્મચારીઓની મનોવૈજ્ઞાનિક તપાસ કરાશે 1 - image

નવીદિલ્હી : દિલ્હીમાં સેંકડો વીવીઆઇપીઓની સુરક્ષા માટે મોટી ફોજ રાખવામાં આવે છે. ભૂતકાળમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હત્યા એમના સુરક્ષા કર્મચારીઓએ કરી હતી. ત્યાર પછી ટોચના સત્તાધિશોની સુરક્ષામાં તહેનાત કર્મચારીઓની પસંદગી ખૂબ ધ્યાનથી થાય છે. હવે નક્કી થયું છે કે આવા કર્મચારીઓની મનોવૈજ્ઞાનિક તપાસ પણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ ફોર્સ અને બીજા સુરક્ષા કર્મચારીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. કોઈ કર્મચારી ફક્ત ફીઝીકલી ફીટ હોય પરંતુ માનસીક રીતે ફીટ નહી હોય તો એ વીવીઆઇપીની સુરક્ષા માટે યોગ્ય નથી એમ મનાય છે. વીવીઆઇપીઓની સુરક્ષા માટે પસંદ થતા સુરક્ષા કર્મચારીઓની ૧૦ પ્રાથમીકતા છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શારીરિક ફીટનેસ કરતા પણ માનસીક ફીટનેસને વધુ મહત્ત્વ આપવું. 

તામિલનાડુમાં અભિનેતા વિજયના પક્ષે પણ કેન્દ્ર સામે બાંયો ચઢાવી

તામિલનાડુની ડીએમકે સરકારે ત્રણ ભાષાની નીતિ તેમ જ સિમાંકન મુદ્દે કેન્દ્ર સરકારના  નાકમાં ફીણ લાવી દીધું છે. હવે જાણીતા ફિલ્મ અભિનેતા વિજયના પક્ષ તમિલગા વૈત્રી કષગમ (ટીવીકે)એ પણ કેન્દ્ર સરકાર સામે બાંયો ચઢાવી છે. ટીવીકેએ પસાર કરેલા પ્રસ્તાવમાં વકફ કાયદામાં ફેરફારના બિલનો પણ વિરોધ કર્યો છે. વકફ બિલ પાછુ લેવાની અપીલ કેન્દ્ર સરકારને કરવામાં આવશે. ત્રણ ભાષાની નીતિનો વિરોધ કરતા ટીવીકેએ કહ્યું છે કે પક્ષ બે ભાષા નીતિને સમર્પિત રહેશે અને નવી શિક્ષા નીતિ અંતર્ગત ત્રણ ભાષા નીતિનો વિરોધ કરશે. આ નીતિ સંઘવાદની ભાવનાથી વિપરીત છે. ટીવીકે કોઈપણ સંજોગોમાં આ રીતે અન્ય ભાષા તામિલનાડુ પર થોપવાને  ચલાવી લેશે નહીં. 

સાક્ષીઓના નિવેદન ઉર્દૂમાં નહીં હોવાથી બોમ્બે હાઇકોર્ટે આરોપીની કસ્ટડી નકારી

બોમ્બે હાઇકોર્ટે એક આરોપીને કસ્ટડીમાં રાખવાનો હુકમ રદ કરી દીધો હતો. હાઇકોર્ટનું કહેવું છે કે, આરોપીને સાક્ષીઓના નિવેદનની કોપી ઉર્દૂ ભાષામાં આપવામાં આવી નહોતી. આરોપી ફક્ત ઉર્દૂ ભાષા જાણે છે. આ કારણે આરોપીના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. જસ્ટીસ સાંરગ કોટવાલ અને એસ એમ મોદકની બેન્ચે આપેલા ચૂકાદામાં કહ્યું છે કે, સાક્ષીઓના નિવેદન આરોપી જે ભાષા સમજી શકે છે એ ભાષામાં આપવામાં આવ્યા નથી. આ કારણે આરોપી કસ્ટડીનો ઓર્ડર ચેલેન્જ કરી શક્યો છે. કોર્ટે કહ્યું હતં  કે, કસ્ટડીનો હુકમ કરતા પહેલા સાક્ષીઓના નિવેદનો સહિત સંપૂર્ણ કાર્યવાહી મરાઠીમાં થઈ હતી. આરોપીને હુકમનો ઉર્દૂ અનુવાદ આપવામાં આવ્યો હતો, પરંતુ સાક્ષીઓના નિવેદન ઉર્દૂમાં આપવામાં આવ્યા નહોતા. 

2027 કુંભમેળાના નામ બાબતે અખાડાઓમાં મતભેદ

૨૦૨૭માં નાસિક ખાતે સિંહસ્ત કુંભમેળાનું આયોજન થવાનું છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે કુંભમેળાના નામ બાબતે વિવિધ અખાડાઓ વચ્ચે મતભેદ છે. આખો કિસ્સો જિલ્લા વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ મામલે જલ્દી નિર્ણય લેવાની વાત કરી છે. નાસિકમાં જે જગ્યાએ કુંભમેળો યોજાવાનો છે એ વિસ્તારને સુરક્ષીત ક્ષેત્ર જાહેર કરવાની માંગણી પણ થઈ છે. કુંભમેળાની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી દવેન્દ્ર ફડણવીસ નાસિક ગયા હતા. એ વખતે ત્રંબકેશ્વર અખાડાના સંતોએ માંગણી કરી હતી કે કુંભમેળાનું નામ ત્રંબકેશ્વર નાસિક સિહંસ્ત કુંભમેળો રાખવામાં આવે. જોકે નાસિક અખાડાના સંતોએ નાસિક નગર પાલિકાની ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં નાસિક અખાડાના સંતોએ કુંભમેળાનું નામ નાસિક કુંભમેળો રાખવાનું કહ્યું હતું. નાસિક અખાડાના સાધુઓની બીજી માંગણી હતી કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી સિંહસ્ત કુંભમેળા ઓથોરીટીમાં એમનો પણ સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત સાધુઓએ કુંભમેળાના ૫૦૦ એકર જેટલા વિસ્તાર હંમેશ માટે સુરક્ષીત વિસ્તાર જાહેર કરવાની માંગ પણ કરી હતી. 

ફરીથી શશી થરૂરે ભાજપ મંત્રીના નિવેદનનું સમર્થન કર્યું 

કોંગ્રેસના સાંસદ શશી થરૂર વારંવાર ભાજપના નેતાઓની વાત સાથે સંમત થઈ રહ્યા હોવાથી થોડા સમય પહેલા વિવાદ પણ થયો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડે એમને આ બાબતે ઠપકો પણ આપ્યો હતો. જોકે શશી થરૂર બદલાયા નથી એમ લાગે છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે લોકસભામાં આપેલા નિવેદન બાબતે શશી થરૂરે એમને ટેકો આપ્યો છે. એસ જયશંકરે પાકિસ્તાન રહેતા લઘુમતિઓની પરીસ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર પછી થરૂરે પણ કહ્યું હતું કે, 'ચોખ્ખી વાત છે કે અમે પાકિસ્તામાં રહેતા લઘુમતિઓની સુખાકારી બાબતે ચિંતીત છીએ. જોકે મને તકલીફ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ રહી નથી. જો વાતચીત થતી હોત તો આપણે આ ચિંતા સીધી પાકિસ્તાન સમક્ષ વ્યક્ત કરી શક્યા હોત. વિદેશ મંત્રીનું નિવેદન સંપૂર્ણ સાચું છે.' 

સુપ્રિમ કોર્ટે કહ્યું ડલ્લેવાલ સાચા ખેડૂત નેતા છે

ખેડૂતોની માંગણી બાબતે લાંબા સમયથી ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ બાબતે પંજાબ સરકારે નિવેદન આપ્યું છે. સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે, આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલએ પાણી પીને ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. આ સાંભળીને સુપ્રિમ કોર્ટે ડલ્લેવાલને સાચા ખેડૂત નેતા ગણાવ્યા હતા. ન્યાયાધિશ સૂર્યકાંત અને ન્યાયાધિશ એન કોટેશ્વરસિંહની બેન્ચને પંજાબના એજીએ કહ્યું હતું કે, ખનૌરી અને શંભુ સરહદે દેખાવ કરતા ખેડૂતોને ત્યાંથી દુર કરવામાં આવ્યા છે. આ નિવેદન સાંભળીને બેન્ચે કહ્યું હતું કે, ડલ્લેવાલ કોઈ રાજકીય એજન્ડા વગર કામ કરનાર સાચા ખેડૂત નેતા છે. અમે હાથ પર હાથ રાખીને બેઠા નથી. અમને બધી ખબર છે. 

દિલ્હીમાં સ્કૂલના પુસ્તકોની ઉઘાડી લૂંટથી વાલીઓ નારાજ

પહેલી એપ્રિલથી દિલ્હીમાં સ્કૂલનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆતથી જ સ્કૂલની નોટબુક અને પુસ્તકો તેમ જ સ્ટેશનરીની કિંમતો બમણી કરી દેવામાં આવી છે. એજ્યુકેશન બોર્ડના હુકમની અવગણના કરીને સ્કૂલો ખાનગી પ્રકાશકોના પુસ્તકો વિદ્યાર્થીઓને પધરાવી રહ્યા છે. એનસીઇઆરટીના જે પુસ્તકો ૩૦ રૂપિયામાં મળે છે એ જ પુસ્તકોના ખાનગી પ્રકાશકો ૨૦૦ રૂપિયા વસૂલે છે. બીજી સ્ટેશનરી બાબતે પણ આ જ હાલત છે. જેમના એકથી વધુ બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એવા મધ્યમ વર્ગના વાલીઓ આ બોજો સહન કરી શકે એમ નથી. દિલ્હીભરના વાલીઓએ હવે આ લૂંટફાટ સામે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

મમતા બેનર્જીની વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ મુકવાની સુવેન્દુ અધિકારીની માગણી

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ વિદેશ મંત્રી એસ.જયશંકરને મુખ્ય મંત્રી મમતા બેનર્જીની વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી છે. તેમણે મમતા પર તેમની તાજેતરની યુકે મુલાકાત દરમ્યાન વૈશ્વિક મંચ પર ભારતનું અપમાન કરવાનો અને ભારતની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો આરોપ કર્યો હતો. અધિકારીએ લંડનમાં મમતાના બંગાળના બ્રિટન સાથેના ઐતિહાસીક સંબંધો વિશેના ભાષણને ટાંકતા આરોપ કર્યો કે તે ભારત વિરોધી હતું. અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતાના નિવેદનો બંગાળીઓ અને ભારતીયો બંને માટે ક્ષોભજનક હતા. અધિકારીએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે મમતાને ભાવિ મુલાકાતો દરમ્યાન ભારતીય દૂતાલયો અને વિદેશી મિશનોનો ઉપયોગ ન કરવા દેવામાં આવે.

કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા યુનિટોને સામેલ કરશે

કોંગ્રેસ જમીની સ્તરે નેતૃત્વ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની પસંદગી માટે પાર્ટી મીટિંગમાં જિલ્લા પ્રમુખોને સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. મુકુલ વાસનિકની આગેવાની હેઠળની કમિટી દ્વારા કરાયેલા આ પ્રસ્તાવ વિશે ૯ એપ્રિલે અમદાવાદમાં એઆઈસીસી સેશનમાં સમીક્ષા કરવામાં આવશે. યોજનામાં કાર્યક્રમોના અસરકારક અમલ માટે જિલ્લા કોંગ્રેસ કમિટીઓના આર્થિક સશક્તિકરણનો પણ સૂઝાવ કરવામાં આવ્યો છે. કમિટીમાં કન્હૈયા કુમાર, સચિન રાવ, કૃષ્ણા અલ્લાવરુ અને મીનાક્ષી નટરાજન સામેલ છે. જિલ્લા યુનિટો સાથે વાટાઘાટો ચાલી રહી છે અને વિવિધ રાજ્યોના ૩૩૮ યુનિટોને સામેલ કરવામાં આવ્યા છે. વધુ ચર્ચાઓ ૩ અને ૪ એપ્રિલે કરવામાં આવશે. કોંગ્રેસની નેતાઓ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે જિલ્લા નેતાઓને સંબોધન કર્યું અને પાર્ટીના નિર્ણયોમાં જમીની સ્તરની ભાગીદારી પર ભાર મુક્યો.

કેસીઆર અને જગનઃ સત્તા અને પરાજય બંનેમાં સમાનતા

ભૂતપૂર્વ તેલંગણા મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) અને ભૂતપૂર્વ આંધ્ર પ્રદેશ મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડી વચ્ચે તેમની રાજકીય સફરમાં ગજબની સામ્યતા છે. બંને એક સમયે એકહથ્થુ સત્તા ધરાવતા હતા પણ શાસન ગુમાવ્યા પછી સમાન રીતે વિધાનસભાના સત્રો ટાળી રહ્યા છે. તેલંગણા વિધાનસભા ૨૦૨૪-૨૫ બજેટ પસાર કર્યા પછી સ્થગિત કરવામાં આવી જેમાં કેસીઆરએ રાજ્યપાલના સંબોધન માટે માત્ર પ્રથમ દિવસે હાજરી આપી હતી. એવી જ રીતે વાયએસઆર કોંગ્રેસ પક્ષના નેતા જગન પણ પોતાની સોગંધવિધિ તેમજ આંધ્ર પ્રદેશ બજેટના સત્ર દરમ્યાન ટૂંકી હાજરી સિવાય ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા ચર્ચામાં ભાગ લેવાની તેમની અનિચ્છા સંભવપણે હાલ સત્તામાં રહેલા રાજકીય વિરોધીઓ સાથે સંઘર્ષ ટાળવાની વ્યૂહાત્મક પીછેહઠ દર્શાવે છે. ઓછા પ્રભાવ સાથેના આ સમયમાં પસાર થતા તેમનું રાજકીય ભાવિ અનિશ્ચિત લાગી રહ્યું છે.

હિંસક અથડામણ પછી એફસીસી ચૂંટણી મોકૂફ રખાઈ

નવી દિલ્હીમાં ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબ (એફસીસી)એ ઉમેદવારો વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી વાર્ષિક સામાન્ય બેઠક (એજીએમ) અને ચૂંટણીઓ અનિશ્ચિત સમય સુધી મુલત્વી રાખી છે. શુક્રવારે મોડી રાત્રે થયેલા વિવાદના પરિણામે મુનિષ ગુપ્તા નામના ઉમેદવારને સંભવતઃ આંતરિક ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા.પોલિસે પીસીઆર કોલ પછી ઘટનાનો પ્રતિસાદ આપ્યો અને પંકજ યાદવ સામે બહુવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી. ગુપ્તાએ આરોપ કર્યો કે યાદવે તેને અપશબ્દો કહ્યા, લાફા માર્યા અને ધમકી આપી હતી. યાદવની પૂછપરછ કરાઈ અને તપાસ ચાલી રહી છે. બ્લિટ્ઝ ઈન્ડિયાના એડિટર-ઈન-ચીફ દીપક દ્વિવેદીએ હુમલાની ટીકા કરી અને તેને જીવલેણ ગણાવ્યો હતો. ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં યાદવ ગુપ્તાને અપશબ્દો બોલતો અને પછી પોલિસનો બોલાવતો જણાઈ રહ્યો છે.

- ઈન્દર સાહની