Get The App

દિલ્હીની વાત : ડિમ્પલ યાદવની તરફેણમાં એનડીએના સાંસદો મેદાનમાં

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ડિમ્પલ યાદવની તરફેણમાં એનડીએના સાંસદો મેદાનમાં 1 - image


નવીદિલ્હી : નવાઇ લાગે એવી વાત છે, પરંતુ સમાજવાદી પક્ષના સાંસદ ડિમ્પલ યાદવની તરફેણમાં એનડીએના સાંસદો મેદાનમાં આવ્યા છે. સંસદ ભવનના કમ્પાઉન્ડમાં આ સાંસદોએ દેખાવો કર્યા હતા. ડિમ્પલ યાદવ મસ્જિદમાં ગયા ત્યારે માથુ ઢાક્યું નહીં હોવાથી મૌલાના સાજીદ રસીદે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. મૌલાનાની ટીપ્પણીનો વિરોધ કરવા એનડીએના સાંસદો ભેગા થયા હતા. આ સાંસદોનું કહેવું છે કે અખિલેશ યાદવ અને સમાજવાદી પક્ષના લોકો મૌલાનાની ટીપ્પણી બાબતે ચૂપ કેમ છે. સંસદ ભવનની નજીક આવેલી મસ્જિદમાં એક મીટીંગ રાખવામાં આવી હતી જ્યાં ડિમ્પલ યાદવ ગયા હતા. અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ આ બાબતે નિવેદન આપ્યું નથી. મૌલાનાના વિરોધમાં અનુરાગ ઠાકુર સહિત બીજા કેટલાક સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીને સીડીને બદલે પેનડ્રાઇવ આપવામાં આવી, એ પણ બગડેલી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂણેની એક કોર્ટમા અનાદરની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ સત્યકી સાવરકર વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદના મુખ્ય ફરિયાદી રાહુલ ગાંધી છે. વિર સાવરકર વિરૂદ્ધ અપમાનજક ટીપ્પણી કરવાને કારણે રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. ફરિયાદમાં રાહુલ ગાંધીએ આરોપ મુક્યો છે કે સત્યકી સાવરકરએ જાણી જોઈને કોર્ટની અવમાનના કરી છે અને અગત્યના દસ્તાવેજો તેમજ ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એમને આપવામાં આવ્યા નથી. રાહુલ ગાંધીના વકીલએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને સીડીને બદલે પેનડ્રાઇવ પર પુરાવા આપવામાં આવ્યા હતા. કોર્ટમાં રજુ કરવામાં આવેલા પુરાવા સીડી પર હતા. રાહુલ ગાંધીને આપવામાં આવેલી પેનડ્રાઇવ પણ ચાલી નહોતી. મૂળ સીડી અને ટ્રાન્સ્ક્રીપ્ટ કદી રાહુલ ગાંધીને આપવામાં આવ્યા નહોતા.

લાલુને ફરીથી મળ્યો 'સુપર સીએમ'નો સાથ

લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવી જ્યારે બિહારના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે ભૂતપૂર્વ સાંસદ ડો. રંજન પ્રસાદ યાદવ સુપર સીએમની ભૂમિકા નિભાવતા હતા. હવે રંજન પ્રસાદ યાદવ ફરીથી આરજેડીના રાજકારણમાં પરત થયા છે. આરજેડીના રાષ્ટ્રીય પ્રમુખ લાલુપ્રસાદ યાદવએ એમને પક્ષની રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય બનાવ્યા છે. પક્ષમાં આ પદ ખુબ જ મહત્વનું ગણાય છે. આમ તો લાલુ - રાબડીનું શાસન ૧૯૯૦થી ૨૦૦૫ સુધી રહ્યું હતું. જોકે શાસનની શરૂઆતના ૭-૮  વર્ષ સુધી રંજન યાદવ સુપર સીએમની ભૂમિકામાં રહ્યા હતા. એ વખતે મહત્વપૂર્ણ નિમણૂક અને બદલીઓ એમની દેખરેખ હેઠળ જ થતી હતી. તેઓ શિક્ષા વિભાગના સર્વેસર્વા મનાતા હતા. કુલપતિઓની નિમણૂકના તમામ નિર્ણયો તેઓ લેતા હતા.

અંગ્રેજી નહી બોલી શકતો અધિકારી ચૂંટણી અધિકારી બનવા સક્ષમ ગણાય કે નહીં

સુપ્રિમ કોર્ટે ઉત્તરાખંડના એક ચુકાદા પર સ્ટે આપી દીધો છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે રાજ્યના ચૂંટણી કમિશનર અને મુખ્ય સચીવને તપાસ કરવાનું કહ્યું હતું કે, વધારાના જિલ્લા મેજીસ્ટ્રેટના રેન્કનો કોઈ અધિકારી અંગ્રેજી બોલી નહીં શકતો હોય તો તે એ યોગ્ય રીતે કાર્ય કરી શકે કે નહીં. ચિફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઇ, જસ્ટીસ વિનોદચંદ્રન અને જસ્ટીસ એન વી અંજારીયાની બેન્ચે રાજ્યની અપીલ બાબતે નોટીસ રવાના કરીને કહ્યું છે કે, આગલા ચૂકાદા સુધી ઉત્તરાખંડ હાઇકોર્ટે કરેલો વિવાદી હુકમ રોકી દેવામાં આવે. પંચાયત મતદારોની યાદીમાં એન્ટ્રી કરતી વખતે ફેમીલી રજિસ્ટરની યોગ્યતા બાબતે એક સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ હાઇકોર્ટે અધિકારીને પૂછપરછ કરી ત્યારે અધિકારીએ હિન્દીમાં જવાબ આપ્યો હતો. અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અંગ્રેજી જાણે છે કે નહીં ત્યારે તેઓએ કહ્યું હતું કે તેઓ અંગ્રેેજી સમજે છે પરંતુ બોલી શકતા નથી.

આઇએએસ અધિકારીએ કાન પકડીને ઉઠક-બેઠક કરવી પડી

ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં નિમાયેલા એસડીએમ રીન્કુસિંહ રાહીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં આઇએએસ અધિકારી વકીલોના ટોળા સામે કાન પકડીને ઉઠક-બેઠક કરતા દેખાય છે. રાહીએ પુવાયા તાલુકામાં ચાર્જ લીધો હતો. રીન્કુસિંહ રાહીએ તલાટી ઓફિસ નજીક એક વ્યક્તિને ખુલ્લામાં પેશાબ કરતો જોયો હતો. એ વ્યક્તિ એક વકીલનો ક્લાર્ક હતો. રાહીએ એને પેશાબ કરવા માટે ઉઠક-બેઠક કરવાની સજા કરી હતી. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં વકીલો તલાટી ઓફીસ ખાતે ભેગા થયા. વિવાદ વધતા એસડીએમ રાહી ઘટના સ્થળે પહોંચ્યા હતા એમણે માફી માગતા કહ્યું હતું કે હું અહિનો સોથી મોટો અધિકારી છું અને કોઈને ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. આટલું બોલીને તેઓએ ઉઠક-બેઠક કરી હતી.

નિમિષા પ્રિયાનો પતિ પુત્રી સાથે યમન પહોચ્યો

ભારતીય મૂળની નર્સ નિમિષા પ્રિયા યમનની જેલમાં કેદ છે. નિમિષાને ફાસીની સજા કરવામાં આવી છે. ભારતનું વિદેશ મંત્રાલય નિમિષાને બચાવવાની કોશિષ કરી રહ્યું છે. હવે નિમિષા પ્રિયાના કુટુંબીઓ પણ યમન પહોંચી ગયા છે. ખ્રિસ્તી ઇવેજલીસ્ટ કેએ પોલએ એક વિડિયો બનાવીને યમનના હુતી શાસકોને નિમિષા પ્રિયાને છોડી દેવા વિનંતી કરી છે. એ સાથે એમણે નિમિષા પ્રિયાની ફાસી લંબાવી દેવા માટે શાસકોનો આભાર પણ માન્યો છે. નિમિષાને ૧૬મી જુલાઈએ ફાસી આપવાની હતી, પરંતુ સુન્ની ગ્રાન્ટ મુફતી કાંઠાપુરમ એપી અબુબકર મુસલીયારની મધ્યસ્થતાને કારણે ફાસીની તારીખ લંબાવવામાં આવી છે. નિમિષાની પુત્રી મીસેલ અને પતિ થોમસ યમનના સના વિસ્તારમાં છે. મીસેલએ પણ વિડિયો બનાવીને કહ્યું છે કે, આઇ લવ યુ મા.

મેધા પાટકરને રાહત નહીં મળી

દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સકસેનાએ જાણીતા સામાજીક કાર્યકર મેધા પાટકર સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. કેસ ચાલી જતા કોર્ટે મેધા પાટકરને બદનક્ષી માટે જવાબદાર ઠેરવીને સજા સંભળાવી હતી. હવે દિલ્હી હાઇકોર્ટે પણ આ સજા યથાવત રાખી છે. જસ્ટીસ સાલીન્દર કૌરએ કહ્યું છે કે, નીચલી અદાલતના હુકમમાં દખલગીરી કરવાની જરૂર નથી. જસ્ટીસ કૌરએ કહ્યું છે કે, આ કોર્ટને નીચલી કોર્ટના હુકમમાં કઈપણ ખરાબી દેખાતી નથી અને આપેલા ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આમ મેધા પાટકરની અપીલ કાઢી નાખવામાં આવી છે. ૨૩ વર્ષ પહેલા સકસેનાએ પાટકર સામે કેસ દાખલ કર્યો હતો જ્યારે તેઓ ગુજરાતમાં એક એનજીઓના પ્રમુખ હતા. એ વખતે મેધા પાટકર નર્મદા બચાવ આંદોલન ચલાવી રહ્યા હતા.

મમતાએ ફેક વીડિયો શેર કર્યોઃસુવેન્દુ અધિકારી

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ પ.બંગાળની સીએમ મમતા બેનર્જી પર દિલ્હીની બંગાળી ભાષી મહિલા અને તેના બાળક પર હુમલાનો ફેક વીડિયો પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે મમતા કાયદાથી પર નથી અને તેને આ બાબતે જવાબદાર ઠેરવવી જોઈએ. અધિકારીના આરોપ મુજબ દિલ્હી પોલીસની અપીલ છતાં મમતાએ ગેરદોરવણી કરતી પોસ્ટ રદ નથી કરી. અગાઉ દિલ્હી પોલીસે પ.બંગાળની સીએમ મમતા બેનર્જી દ્વારા બંગાળી ભાષી મહિલા અને તેના બાળક પર દિલ્હી પોલીસ દ્વારા હુમલાના આરોપો નકારી દીધા હતા અને વાયરલ વીડિયોને બનાવટી અને આધારહીન ગણાવ્યો હતો.

બિહારમાં વિપક્ષોને સરનો ડર સતાવી રહ્યો છે

બિહારમાં ચૂંટણી પંચના મતદાર યાદીઓનું સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (સર) વિપક્ષી રાજકરણીઓમાં નારાજગી સર્જી રહ્યું છે. નિરીક્ષકોના મતે ભાજપને લાભ કરાવવા સર દ્વારા લઘુમતિ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવાઈ રહ્યા છે. બંગાળની સીએમ મમતા બેનર્જીએ તેને બંગાળી વિ. બિન-બંગાળીનો મુદ્દો બનાવી દીધો છે. મમતા વિજય મેળવવા માટે એકત્રિત મુસ્લિમ મતો પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. ઉપરાંત એનડીએના કેટલાક સહયોગીઓ પણ સર કવાયતનો વિરોધ કરી રહ્યા છે.

નિવૃત્ત આઈએએસ અધિકારઓનો પ્રભાવ વધ્યો

ગયા અઠવાડિયે સરકારે તાજેતરમાં નિવૃત્ત થયેલા ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (ડીઈએ)ના સેક્રેટરી અજય સેઠને ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. ગયા વર્ષે ડિસેમ્બરમાં મોદી સરકારે આશ્ચર્ય સર્જીને આઈએએસ અધિકારી સંજય મલ્હોત્રાને તેમની નિવૃત્તિના ત્રણ વર્ષ પહેલા આરબીઆઈના ગવર્નર નિયુક્ત કર્યા હતા. તાજેતરમાં નિવૃત્ત થયેલા સરકારી અધિકારીઓની મહત્વના પદે નિયુક્તિએ નિયામક સ્વતંત્રતા વિશે કેટલીક ચિંતાઓ સર્જી છે. ભૂતપૂર્વ ફાયનાન્સ સેક્રેટરી સુભાષ ગર્ગે જણાવ્યું કે તાજેતરમાં નિવૃત્ત થયેલા ફાયનાન્સ સેક્રેટરીઓ સ્વતંત્ર નિયામકની ભૂમિકા ભજવે તે બાબત અસાધારણ છે. તેમણે જણાવ્યું કે નિયામકો સરકારી અધિકારી બની રહ્યા  હોય તેવી સ્થિતિ જોખમી છે.

- ઈન્દર સાહની

Tags :