નવીદિલ્હી : સંજીવ સાન્યાલ દેશના ટોચના અર્થશાસ્ત્રી છે. તેઓ નરેન્દ્ર મોદીના સલાહકારોની ટીમમાં પણ છે. સાન્યાલએ આપેલું એક નિવેદન આજકાલ વાયરલ થઈ રહ્યું છે. સાન્યાલે દેશની શિક્ષણ વ્યવસ્થા અને યુપીએસસી પરીક્ષા બાબતે નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે, યુપીએસસી સમયની બરબાદી છે. ૧૯૬૦ના સમયમાં એ કદાચ એક યોગ્ય વિચાર હોઈ શકે, પરંતુ આજના સમયમાં એની પ્રાસંગીકતા રહી નથી. સંજીવ સાન્યાલએ એમ પણ કહ્યું હતું કે, ચીલાચાલુ ડીગ્રીઓને બદલે ખાસ આવડત આધારીત શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ જેવા આધુનિક ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવું જોઈએ. ૨૦મી સદીમાં યુનિવર્સિટીમાં જઈને લેક્ચર સાંભળવું એક એલીટ ગતિવિધિ ગણાતું હતું. જોકે આજે ટેક્નોલોજી, લેક્ચર આધારિત યુનિવર્સિટી મોડેલ ઝડપથી અપ્રાસંગીક બની રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થા વિશે આ પ્રકારની ટીપ્પણી કરનાર સંજીવ સાન્યાલે પોતે અનેક ડીગ્રીઓ મેળવી છે.
મેહરોલી મદ્રેસા વિવાદ પર સીજેઆઇએ શું કહ્યું
સુપ્રિમ કોર્ટમાં ગેરકાયદેસર બાંધકામ અને ધાર્મિક બાંધકામના ડિમોલિશન બાબતે સુનાવણી થઈ હતી. બે અલગ અલગ અરજીઓની સુનાવણી ચાલી રહી હતી. એક કિસ્સો મેહરોલી - બદરપુર રોડ સ્થિત એક મદ્રેસાના ડિમોલિશનનો અને બીજો મહારાષ્ટ્રમાં એક મદ્રેસાને મસ્જિદ બનાવવાનો હતો. બંને અરજીઓ સીજેઆઇ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી. મેહરોલી - બદરપુર રોડ સ્થિત એક મદ્રેસાના ડિમોલિશન વિરુદ્ધ દાખલ થયેલી અરજીની સુનાવણી કરતા સીજેઆઇ સૂર્યકાંતે અરજીકર્તાઓને ઠપકાર્યા હતા. એમણે બાંધકામની કાયદેસરતા ઉપર સવાલ ઉઠાવવા ઉપરાંત આ માટે બિલ્ડરોની રમત અને ખોટા નેરેટીવને પણ ઉઘાડા પાડયા હતા. સુનાવણી વખતે મસ્જિદ બોર્ડ તરફથી હાજર રહેલા વકીલ મિનાક્ષી અરોરા દલીલ કરી રહ્યા હતા ત્યારે સીજેઆઇ ગુસ્સે થઈ ગયા હતા. એમણે કહ્યું હતું કે, 'અમને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરો નહીં. આ કોઈ ઐતિહાસીક ઇમારત નથી. ઝુપડપટ્ટીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી મિલ્કત છે.'
મોદીએ જે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ધાટન કર્યું, ત્યાંથી 70 ઘેંટા મરેલા મળ્યા
ઉત્તર પ્રદેશના લખનૌમાંથી ૭૦થી વધુ ઘેટાઓના સામૂહિક મૃત્યુ થયા છે. જે ભરવાડોના આ ઘેંટા હતા તેઓ દુઃખી થઈ ગયા છે. તમામ ઘેંટાઓના મૃત્યુ રાષ્ટ્ર પ્રેરણા સ્થળની આજુબાજુ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫મી ડિસેમ્બરે જ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ધાટન કર્યું હતું. ૨૦૦થી વધુ ઘેંટાઓની સ્થિતિ ગંભીર ગણાય છે. એમ માનવામાં આવે છે કે ૨૫મી ડિસેમ્બરના કાર્યક્રમ પછી વધેલું ખાવાનું ત્યાં જ ફેંકી દેવામાં આવ્યું હતું. ભરવાડોનો આક્ષેપ છે કે આ વાસી અને બગડી ગયેલું ખાવાનું ખાવાથી ઘેંટાઓની તબિયત બગડી ગઈ હતી અને એમના મૃત્યુ થયા હતા. મરી ગયેલા ઘેંટાઓના શરીર જકડાઇ ગયેલા હતા. સમાચાર ફેલાતા જ સરકારી મેડિકલ ટીમ પણ રાષ્ટ્ર પ્રેરણા સ્થળે પહોંચી ગઈ હતી. હવે આ બાબતે વધુ તપાસ થઈ રહી છે.
જેલમાં આઝમ ખાનની હાલત ખરાબ, સુવા માટે તકિયો - ગાદલુ પણ નહીં
સમાજવાદી પક્ષના સિનિયર નેતા આઝમ ખાન લાંબા જેલવાસ પછી જામીન પર છૂટયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ જેલમાંથી બહાર આવીને અખિલેશ યાદવને પણ મળ્યા હતા. જોકે હવે પક્ષ માટે કોઈ કામના નહીં રહેલા આઝમ ખાનને અખિલેશ યાદવે ખાસ ભાવ આપ્યો નહોતો. ત્યાર પછી બીજા એક કેસમાં ફરીથી આઝમ ખાન છેલ્લા દોઢ મહિનાથી રામપુરની જિલ્લા જેલમાં સજા કાપી રહ્યા છે. એમના પત્ની ડો. તનઝીમ ફાતીમા અને પુત્ર અદીબ આઝમ તેમજ બહેન નીખત અખલાકે જેલમાં જઈને એમની મુલાકાત લીધી હતી. જેલમાં આઝમ ખાનની તબિયત બગડી છે અને તેઓ સારવાર હેઠળ છે. આઝમ ખાનના કુટુંબીઓએ આઝમ ખાનની પરિસ્થિતિ ચિંતાજનક ગણાવી હતી. જેલમાં એમને યોગ્ય ખોરાક આપવામાં આવતો નથી અને આરામ માટે પણ કોઈ વ્યવસ્થા નથી. એક જમાનામાં આઝમ ખાન ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા અને એમનો દબદબો પણ જોવા જેવો હતો.
રાહુલ ગાંધીએ સ્ટેન્ડીંગ કમિટિમાં નિવૃત્ત સૈનિકોનો પ્રશ્ન ઉઠાવ્યો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટની સ્ટેન્ડીંગ કમિટિમાં નિવૃત્ત સૈનિકો સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નિવૃત્ત સૈનિકોને જ્યારે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એમને યોગ્ય સારવાર મળતી નથી. ભૂતપૂર્વ સૈનિકોની ભરતી અને એમના પુનઃવસનમાં મોટી ખામી છે. રીટાયર્ડ થયેલા સૈનિકોને કામ મળતું નથી અને બીજી સગવડો પણ મળતી નથી. રાહુલ ગાંધી સુરક્ષા બાબતોની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે. રાહુલ ગાંધીએ નિવૃત્ત સૈનિકોના હેલ્થ ફંડના બજેટ બાબતે પણ નારાજગી દર્શાવી હતી. નિવૃત્ત સૈનિકોને જો કેન્સર અને કિડનીની બિમારી થાય છે ત્યારે એમને મદદ માટે ફક્ત ૭૫ હજાર આપવામાં આવે છે, જે અપુરતા છે.
યુનુસ સરકારે બાંગ્લાદેશના એમ્બેસેડરને તાત્કાલિક ઢાકા બોલાવ્યા
ભારત સ્થિત બાંગ્લાદેશના એમ્બેસેડર રીયાઝ હમીદ ઉલ્લાહ વિદેશ મંત્રાલયના ઇમર્જન્સી કોલને કારણે તાત્કાલીક ઢાકા રવાના થયા હતા. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. એમ કહેવામાં આવે છે કે તાજેતરમાં વણસી ગયેલી પરિસ્થિતિને કારણે એમને ઢાકા બોલાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ પ્રમાણે હમીદ ઉલ્લાહ સાથે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બગડેલા સંબંધો વિશે વાત કરી હતી. રાજકીય અસ્થિરતા, આર્થિક દબાણ અને લઘુમતિઓ પર થઈ રહેલા અત્યાચારના આરોપને કારણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં કડવાશ આવી છે. ઢાકાના અધિકારીઓએ ભારતના એમ્બેસેડર પ્રણવ વર્માને છેલ્લા દિવસોમાં વિવિધ કારણોસર પાંચ વાર મળવા બોલાવ્યા હતા. જોકે ભારતે પણ બાંગ્લાદેશના એમ્બેસેડરને બાંગ્લાદેશની પરિસ્થિતિ જાણવા એકવાર બોલાવ્યા હતા.
સરકાર જેનું પ્રત્યાર્પણ ઇચ્છે છે એ હુસૈન મહેબુબ કોણ છે
ભારતીય વિદેશ મંત્રાલયએ (એમઇએ)એ કેપ્ટન મનમોહનસિંહ વિરદી હત્યાકાંડના ભાગેડુ આરોપી હુસૈન મોહમદ શત્તાફ ઉર્ફ હુસૈન મહેબુબ ખોખાવાલાનું પ્રત્યાર્પણ યુનાઇટેડ આરબ અમીરાત પાસે માંગ્યું છે. ખોખાવાલાએ મર્ચન્ટ નેવીના રીટાયર્ડ કેપ્ટન વિરદીની હત્યા મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે ૨૦૦૬ના જૂન મહિનામાં કરી હતી. એમ મનાય છે કે શત્તાફ બોગસ દસ્તાવેજો બનાવીને યુએઇમાં ગેરકાયદેસર રીતે રહે છે. મનમોહનસિંહની હત્યા ઉપરાંત ખોખાવાલા પર છેતરપીંડી, વિશ્વાસઘાત અને ખોટી જાણકારી આપીને પાસપોર્ટ મેળવવાનો આરોપ પણ છે. કેપ્ટનની હત્યા પછી ખોખાવાલા દેશ છોડીને ભાગી ગયો હતો. યુએઇમાં રહેવા માટે એણે લગ્નનું બોગસ પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. કેપ્ટનની હત્યા માટે ખોખાવાલા ઉપરાંત એની પત્ની વહીદા શત્તાફ અને બીજા એક આરોપી જાનીસ ખાન પણ જવાબદાર હતા.


