Get The App

દિલ્હીની વાત : બંગાળની કોલેજોનું રાજકારણ બદલાયું

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બંગાળની કોલેજોનું રાજકારણ બદલાયું 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી વિવિધ સ્તરે રાજકારણ બદલાઈ રહ્યું છે. હવે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં પણ એની અસર દેખાય છે. હવે આરએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી અને શિક્ષક સંગઠનોએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. એક જમાનામાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં સામ્યવાદીઓ અને તૃણમુલ કોંગ્રેસનો પ્રભાવ વધુ હતો. હવે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે. ઉત્તર બંગાળની કોલેજ કેન્ટીનથી લઈને કોલકત્તાની યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આ બદલાવ દેખાઈ રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નો પ્રભાવ લાંબા સમય સુધી બંગાળની યુનિવર્સિટીઓમાં સામાન્ય રહ્યો હતો. ચૂંટણી પહેલા એબીવીપી ૯૬ કોલેજોમાં સક્રિય હતું હવે આ આંકડો ૪૦૦થી વધી ગયો છે.

ડી કે શિવકુમાર કઈ રીતે સીએમની ખુરશી સુધી પહોંચ્યા

કર્ણાટકમાં મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ડી કે શિવકુમાર આક્રમક રાજકારણી ગણાય છે. તેઓ પહેલેથી જ માને છે કે, 'સત્તા કોઈ આપતું નથી, પરંતુ ઝુંટવવી પડે છે.' એમનું લક્ષ્ય પહેલેથી જ મુખ્યમંત્રીની ખુરશી પર હતું. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા ત્યારે ડી કે શિવકુમારે ચૂપચાપ સિદ્ધારમૈયા વિરોધી ગ્રુપને પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૯૯માં કોંગ્રેસ સરકાર બનવાની હતી ત્યારે એમણે યાદીમાં પોતાનું નામ દાખલ કરાવવા અરધી રાતે એસએમ કૃષ્ણાને ઉઠાડયા હતા. હાઇકમાન્ડે યાદીમાંથી એમનું નામ કાઢી નાખ્યું હતું ત્યારે એમણે એમના જ્યોતિષીની સલાહ લીધી હતી. જ્યોતિષીએ એમને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ પોતે દરવાજો નહીં ખોલે અને મંત્રીપદ નહીં માંગે ત્યાં સુધી એમને કોઈ મંત્રી બનાવશે નહીં. છેવટે કૃષ્ણા પર દબાણ લાવીને તેઓ મંત્રી બન્યા હતા.

હાઇકોર્ટોએ ત્રણ મહિનામાં ચૂકાદો આપવો પડશે

દેશના ન્યાયતંત્રમાં સુધારો કરવા માટે સુપ્રિમ કોર્ટે મોટુ પગલું લીધું છે. હવે દેશની હાઇકોર્ટોએ કોઈપણ કેસમાં ત્રણ મહિનાની અંદર ચૂકાદો આપવો પડશે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્ય બાગચી અને જસ્ટીસ બીપીન એમ પંચોલીની બેંચે સ્પષ્ટતા કરી છે કે કોર્ટ કાર્યવાહીમાં લાલિયાવાડી હવે સહન કરવામાં નહીં આવે. સુપ્રિમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમીકતા આપતા જામીનના કેસોમાં તરત નિર્ણય લેવા જણાવ્યું છે. જામીનની અરજી પર ચુકાદો એ જ દીવસે કે વધુમાં વધુ બીજે દિવસે આપવો પડશે. હુકમ તરત જેલ અધિકારીઓને મોકલવો પડશે કે જેનાથી ૨૪ કે ૪૮ કલાકમાં આરોપી જેલમાંથી છૂટી શકે. ટ્રાયલ કોર્ટે આવા કેસોમાં કોમ્પલાયન્સ રીપોર્ટ જે તે કોર્ટને આપવો પડશે. જો કોઈ કેસમાં ત્રણ મહિનાની અંદર ચુકાદો નહીં આપવામાં આવે તો કેસ બીજા ન્યાયાધીશ સમક્ષ ટ્રાન્સફર કરવો પડશે.

ચાલાક સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીને ઇચ્છાઓની યાદી સોપી

સિદ્ધારમૈયા ખંધા રાજકારણી છે. કોંગ્રેસ હાઇકમાન્ડના દબાણને વશ થઈને એમણે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડયું હવે તેઓ એમના 'બલીદાન'ની કીમત વસુલ કરશે. દિલ્હીમાં સિદ્ધારમૈયા જ્યારે રાહુલ ગાંધીને મળ્યા ત્યારે એમણે હાઇકમાન્ડ સામે પોતાની માંગણીની યાદી મુકી હતી. પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયા માટે નવા મંત્રીમંડળમાં અગત્યનું ખાતુ માંગ્યું છે. આ ઉપરાંત સિદ્ધારમૈયાએ રાજ્યસભા અને વિધાન પરિષદની નિમણૂક માટે પોતાને ગમતા નેતાઓના નામની યાદી આપી હતી. નવા મંત્રીમંડળમાં મંત્રાલયોની વહેંચણી બાબતે પણ સલાહ સૂચન કર્યા હતા. પોતાની નજીક રહેલા નેતાઓ માટે એમણે મહત્ત્વના ખાતા માંગ્યા હતા. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ સિદ્ધારમૈયાને એકદમ નારાજ કરી શકે એમ નથી. સિદ્ધારમૈયાની કેટલીક માંગણીઓ સંતોષીને એમને ઠંડા કરવાનો પ્રયત્ન થશે.

વાઇસ એડમીરલ અજય કોચર કોણ છે?

ભારતીય નૌસેનાએ કેટલાક અગત્યના ફેરફાર કર્યા છે. ઓપરેશન સિંદુર વખતે નૌસેનાની રણનીતિ સંભાળનાર વાઇસ એડમીરલ અજય કોચરને નૌસેનાએ ૪૮માં ઉપપ્રમુખ બનાવ્યા છે. એમની પાસે સમૃદ્રી સુરક્ષા, યુદ્ધ રણનીતિ અને ઉચ્ચ સ્તરીય નૌસૈનિક સંચાલનનો લાંબો અનુભવ છે. નિમણૂક પછી સાઉથ બ્લોક લોન્સમાં એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વાઇસ એડમીરલ કોચર આંદામાન અને નિકોબારના કમાન્ડર ઇન ચીફ રહી ચૂક્યા છે. એ પહેલા તેઓ પશ્ચિમી નૌસેના કમાન્ડમાં ચીફ ઓફ સ્ટાફ પણ હતા અને ઓપરેશન સિંદુર વખતે એમણે અદભૂત કામગીરી કરી હતી. વાઇસ એડમીરલ અજય કોચર ૧૯૮૮ની પહેલી જુલાઈએ ભારતીય નૌસેનામાં જોડાયા હતા. તેઓ ગનેરી અને મિસાઇલ સિસ્ટમના નિષ્ણાત ગણાય છે.

કેરળ વિધાનસભામાં વંદે માતરમ પર વિવાદ

કેરળની નવી વિધાનસભામાં પહેલા દિવસે જ વંદે માતરમ ગીતને લઈને વિવાદ થયો છે. યુડીએફ સરકાર અને રાજ્યપાલ વચ્ચે સીધો ટકરાવ શરૂ થઈ ગયો છે. રાજ્યપાલના સંબોધન પહેલા આ ઘટના બની હતી. કેરળ પોલીસ બેન્ડએ વંદે માતરમનો શરૂઆતી હિસ્સો વગાડયો હતો. રાજ ભવનએ પુર્વાભ્યાસ દરમિયાન સંપૂર્ણ રાષ્ટ્રગીત વગાડવાની સૂચના આપી હતી. રાજ્ય સરકારે આ સૂચના માનવાનો ઇન્કાર કર્યો હતો. સરકારે ફક્ત શરૂઆતનો હિસ્સો વગાડવાની જૂની પરંપરા ચાલુ રાખી હતી. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે સરકારના આ વલણને કારણે આવનાર દિવસોમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે સીધી ટક્કર થશે. વિધાનસભામાં ૧૪૦ સભ્યોમાંથી યુડીએફ પાસે ૧૦૨ ધારાસભ્યો છે. જોકે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરએ ગૃહમાં વિવાદ વધાર્યો નહોતો.

એવરેસ્ટ સર કરનાર પહેલી અફઘાન મહિલા કોણ છે

પર્વતારોહી ઝકીયા અહમદ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલી અફઘાન મહિલા બની છે. ૩૦ વર્ષની ઝકીયા ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઝકીયાએ ૮,૮૪૮ મીટર ઊંચા શીખર પર પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો છે. ઝકીયા હવે રીવર અહમદના નામથી પણ ઓળખાય છે. રીવર અહમદ તાલિબાનના શાસન દરમિયાન કોઈપણ રીતે બચીને ભારત આવી હતી અને ભારતથી ઓસ્ટ્રેલિયા ગઈ હતી. પહેલા એ અફઘાનિસ્તાન યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી. જોકે તાલિબાનોએ મુકેલા પ્રતિબંધ પછી એણે ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કર્યું હતું. એનું કહેવું છે કે નદીઓએ એને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી હતી એટલે એનું નામ રીવર પડી ગયું. રીવરની ઇચ્છા અફઘાનિસ્તાન તરફ વિશ્વનું ધ્યાન દોરવાની છે. વિવિધ સાહસો કરીને રીવર તાલિબાનોના અત્યાચાર વિશે લોકોને જણાવવા માંગે છે.