Get The App

દિલ્હીની વાત : નીતિઆયોગે ભારત વિરોધી તૂર્કીના વખાણ કર્યા

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : નીતિઆયોગે ભારત વિરોધી તૂર્કીના વખાણ કર્યા 1 - image

નવી દિલ્હી : પાકિસ્તાન-ભારતના યુદ્ધ વખતે પાકિસ્તાનને મદદ કરનાર તૂર્કી માટે ભારતના લોકોને ખૂબ ગુસ્સો છે. સરકારે પણ તૂર્કીને પાઠ ભણાવવા કડક પગલા લીધા છે. નવાઈની વાત એ છે કે દેશનું નીતિઆયોગ તૂર્કીના વખાણ કરતા થાકતું નથી. નીતિઆયોગનું તો ત્યાં સુધી કહેવું છે કે ભારતે તૂર્કી પાસે ઘણું શિખવા જેવું છે. નીતિઆયોગે એક રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સૂચન કરવામાં આવ્યું છે કે, ભારતે પોતાના કૌશલ્યમાં વધારો કરવા માટે તૂર્કી પાસેથી શીખવું જોઈએ. ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે કરવો એનો રોડ મેપ તૂર્કીની જેમ તૈયાર કરવો જોઈએ. મધ્યમ ઉદ્યોગો માટે નીતિ બનાવવા વિશેના રીપોર્ટમાં નીતિઆયોગે તૂર્કીનો સમાવેશ એવા દેશોની યાદીમાં કર્યો છે કે, જેની પાસેથી ભારત કંઈક શીખી શકે. આ રીપોર્ટમાં કેનેડા, સિંગાપોર, મલેશિયા અને તૂર્કી જે રીતે ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે એ વિશે કહેવાયું છે.

ફરિયાદ કરનાર નાથુરામ ગોડસેનો વંશજ છે, રાહુલ ગાંધીનો દાવો

વીર સાવરકર બાબતે કરેલા ઉચ્ચારણો માટે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો થયો છે. રાહુલ ગાંધીએ પૂણેની એક ખાસ કોર્ટમાં અરજી દાખલ કરીને એવો દાવો કર્યોે છે કે, એમની સામે ફરિયાદ કરનાર સાત્યકી સાવરકર નાથુરામ ગોડસેના વંશજ છે. ફરિયાદીએ જાણી જોઈને પોતાના વંશની જાણકારી છૂપાવી છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે સાત્યકી સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ ગોડસેના પૌત્ર છે. રાહુલ ગાંધીએ કોર્ટને અપીલ કરી છે કે ફરિયાદીના વંશની જાણકારી જાહેર કરવામાં આવે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે સાત્યકીએ જાણી જોઇને, વ્યવસ્થિત રીતે પોતાના વંશને જાહેર કર્યો નથી. ગોડસે પરિવાર સાથે એનો સંબંધ સમગ્ર કેસની દિશા નક્કી કરવા માટે જાણવો જરૂરી છે.

ઘરના તોફાનો શાંત કરવાને બદલે મહોમદ યુનુસ વિદેશ પ્રવાસે નિકળ્યા

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવ્યા પછી સત્તા પર આવેલા મહોમદ યુનુસ સામે પણ બાંગ્લાદેશમાં વિરોધ વધી રહ્યો છે. યુનુસે રાજીનામું આપ્યાની વાતો પણ બાંગ્લાદેશમાં વહેતી થઈ છે. હવે યુનુસ સ્થાનિક વિરોધ અને તોફાનોને શાંત કરવાને બદલે વિદેશ પ્રવાસે રવાના થઈ ગયા છે. ઢાકામાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)એ યુનુસ વિરુદ્ધ વિશાળ રેલી પણ કાઢી હતી. દેશના શિક્ષકો ઉપરાંત સરકારી કર્મચારીઓ પણ યુનુસ સામે વિરોધ કરી રહ્યા છે. યુનુસે એવો કાયદો બનાવ્યો છે કે, શિસ્તના નામે કોઈપણ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી શકાય. જોકે સ્થાનિક વિરોધની ચિંતા કર્યા વગર યુનુસ ચાર દિવસ માટે જાપાનની સફરે ઉપડી ગયા છે. ખાલિદા જીયાના પક્ષ બીએનપીનું કહેવું છે કે, યુનુસ સરકારને લોકોએ ચૂંટી નથી. એમણે રાજીનામું આપી દેવું જોઈએ.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાની ધમકી, રાહુલ ગાંધીનું મોઢુ કાળુ કરશે

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નાસિક શહેર ઉપપ્રમુખનું કહેવું છે કે, રાહુલ ગાંધી વીર સાવરકર વિરુદ્ધ હંમેશા અપમાનજનક ટીપ્પણી કરે છે. આ વાત હવે સહન નહીં થાય. જો તેઓ સુધરશે નહીં તો એમનું મોઢુ કાળુ કરાશે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાએ કોંગ્રેસના નેતા માટે કરેલી ટીપ્પણીથી મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમી આવી ગઈ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાએ કરેલી ટીપ્પણીથી મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા છે. બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રવક્તાએ નાસિક શહેરના ઉપપ્રમુખ બાલા દરાડેના નિવેદનને એમનું અંગત ગણાવ્યું છે. દરાડેએ સાવરકર જયંતિ પર પત્રકારોને કહ્યું હતું કે એમને ગર્વ છે કે તેઓ વીર સાવરકરની જન્મભૂમિ નાસિક ખાતે રહે છે.

શશી થરૂરને ભાજપના  'સુપર પ્રવક્તા' કહી કોંગ્રેસ નેતા ભડક્યા

ઓલ પાર્ટી ડેલિગેશનમાં પાકિસ્તાન સામે ભારતનો પક્ષ રાખવા માટે અમેરિકા ગયેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂર કેન્દ્ર  સરકારના બે મોઢે વખાણ કરી રહ્યા છે. ઓલ પાર્ટી ડેલિગેશનમાં સામેલ થતા પહેલા પણ શશી થરૂરે કેન્દ્ર સરકારની નીતિના વખાણ કર્યા હતા. હવે કોંગ્રેસના કેટલાક નેતાઓ શશી થરૂરથી નારાજ થયા છે. કોંગ્રેસના સિનિયર નેતા ઉદીત રાજે ટવીટ કરીને શશી થરૂરને ગદ્દાર કહ્યા છે. એમણે લખ્યું છે કે જે પક્ષે તમને આટલું બધું આપ્યું એની સાથે તમે ગદ્દારી કઈ રીતે કરી શકો. ઉદીત રાજે એક્સ પર લખ્યું છે કે 'પ્રિય થરૂર હું તો વડાપ્રધાન મોદીને કહીશ કે તમને ભાજપના સુપર પ્રવક્તા જાહેર કરે. તમે ભારત પરત આવો એ પહેલા તમને વિદેશ મંત્રી બનાવી દેવામાં આવે. તમે કોંગ્રેસના સોનેરી ઇતિહાસને અવગણીને એવું કઈ રીતે કહી શકો કે, વડાપ્રધાન મોદીના સમય પહેલા ભારતે કદી એલઓસી લાઇન પાર કરી નહોતી.'

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નિતિશકુમારને મોટો ફટકો

જેડીયુના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ ચંચલ અને હાજી પરવેઝ સિદ્દીકી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશકુમારે એમને પક્ષના સભ્ય બનાવ્યા હતા. સુરેશ ચંચલનું કહેવું છે કે, રાહુલ ગાંધીની કામગીરી અને વિચારધારાથી પ્રભાવિત થઈને એમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાજી પરવેઝનું કહેવું છે કે નિતિશકુમારને કેટલાકે હાઇજેક કર્યા છે. તેઓ કામ કરી શકતા નથી. નિતિશકુમાર અને ભાજપના સિદ્ધાંત એક જેવા લાગે છે, બંનેમાં કોઈ અંતર નથી. રાજેશકુમારના કહેવા પ્રમાણે નિતિશકુમાર સામાજીક ન્યાયના નામ પર સત્તામાં આવ્યા હતા હવે. તેઓ સામાજીક ન્યાય સાથે અન્યાય કરી રહ્યા છે. વકફ સુધારા બીલ બાબતે નિતિશકુમારે ભાજપને ટેકો આપ્યો હતો.

ઉદ્ધવના નેતાએ શિવસેના (એકનાથ શિંદે) સાથે હાથ મેળવ્યા

મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને આંચકો લાગ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલા ગાવિતએ એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડયો છે. ગાવિતની સાથે નાસિકના લગભગ બે હજારથી વધુ મહિલા કાર્યકરો પણ શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાઈ ગયા છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. નિર્મલા ગાવિતએ કહ્યું હતું કે, 'અમારા નેતા બદલાઈ ગયા છે, પરંતુ પક્ષ શિવસેના જ રહ્યો છે.' એકનાથ શિંદેના કહેવા પ્રમાણે મહાયુતિ સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાઓ અને કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે દરેક મુખ્યપક્ષો સામેના પક્ષમાંથી મધ્યમ કક્ષાના નેતાઓને પોતાની તરફ કરવાની હોડમાં લાગ્યા છે.

ગોવાના મુખ્યપ્રધાન સાવંત સામે તેમના જ પ્રધાનનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

૨૦૨૨માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયી બની ગોવાના મુખ્યપ્રધાન તરીકે બીજી ઇનિગં શરૂ કરનારા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત હાલ વિરોધપક્ષ જ નહીં પણ તેમના પોતાના પક્ષના નેતા અને કેબિનેટના પ્રધાનની ટીકાનો સામનો કરી રહ્યા છે. ગોવાના કળા અને સાંસ્કૃતિક પ્રધાન ગોવિંદ ગૌડેએ તેમની સરકાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી નવો મોરચો ખોલ્યો છે. મુખ્ય પ્રધાનના અખત્યાર હેઠળના આદિવાસી કલ્યાણ ખાતામાં ખાયકી ચાલી રહી હોવાના આક્ષેપ ગૌડેએ કર્યા છે. રવિવારે એક કાર્યક્રમમાં ગોવિંદ ગૌડેએ જણાવ્યુ હતું કે કોન્ટ્રેકટર્સની ફાઇલોનો  ગુપ્ત રીતે શ્રમ શકિતભવનમાં નિકાલ કરવામાં આવે છે. તેમની પાસેથી કશું ક લઇને તેમને તેમની ફાઇલ્સ સુપરત કરવા દેવામાં આવે છે. અને તેઓ એમ માને છે કે અમે આવી બાબતો વિશે કશું જાણતાં નથી. કરદાતાઓના નાણાંની મોટી રકમ આદિવાસી કલ્યાણ ખાતાને ફાળવવામાં આવે છે. જ્યારે આ ખાતું કોઇ કાર્યક્રમ અસરકારક રીતે પાર ન પાડે ત્યારે તે દર્શાવે છે કે સરકારનો વહીવટીતંત્ર પર કોઇ અંકુશ રહ્યો નથી. આદિવાસી સમુદાય લાંબા સમયથી આદિવાસી ભવનના બાંધકામની માંગણી કરી રહ્યો છે. આ યોજના માટે મેં જમીન ફાળવી હતી અને હું આદિવાસી કલ્યાણ પ્રધાન હતો ત્યારે મેં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. પણ ત્રણ વર્ષથી આ યોજના ઠપ થઇને પડી છે. 

કમલહાસન ડીએમકેના ટેકાથી રાજ્યસભામાં એન્ટ્રી મારશે 

તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેએ રાજ્યસભા માટે તેના પક્ષના ત્રણ સભ્યોને નોમિનેટ કર્યા છે જ્યારે એક બેઠક અભિનેતામાંથી રાજકારણી બનેલાં કમલ હાસનના મક્કાલ નિધિ માઇમ-એમએનએમ-પક્ષને ફાળવી છે.  આમ, ડીએમકેના ટેકાથી કમલ હાસન પહેલીવાર રાજ્યસભામાં એન્ટ્રી મારવા તૈયાર છે. આ વર્ષે જુલાઇના અંત સુધીમાં ડીએમકેના રાજ્યસભાના ત્રણ સભ્યો પી. વિલ્સન, એમ.એમ. અબ્દુલ્લા અને એમ.શણ્મુગમ તથા તેમના સાથી પક્ષ એમડીએમકેના નેતા વૈકોની મુદત પુરી થાય છે. આ જ અરસામાં એઆઇડીએમકેના સભ્ય એન. ચન્દ્રશેખરન અનેપીએમકેના  અંબુમણી રામોદાસની મુદત પણ પુરી થાય છે. આમાંથી એડવોકેટ પી. વિલ્સનને એકને જ બીજીવાર બેઠક આપવામાં આવશે. વિલ્સન ઉપરાંત ડીએમકેએ પક્ષના હોદ્દેદાર કવિયત્રી સલમા અને એસ.આર. શિવલિંગમને પણ રાજ્યસભામાં નોમિનેટ કર્યા છે. બંનેને આ પહેલીવાર નોમિનેટ કરવામાં આવી રહ્યા છે. ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલનગોવને જણાવ્યું હતું કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીટાણે કમલ હાસન સાથે થયેલી સમજૂતી અનુસાર રાજ્યસભાની બેઠક એમએનએમને ફાળવવામાં આવી છે. 

આસામના મુખ્યપ્રધાન સરમાનો સી ગ્રેડનો  બોલીવૂડ ડ્રામા

આસામ કોંગ્રેસના નવા વરાયેલાં પ્રમુખ ગૌરવ ગોગોઇએ મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા સરમા પોતાની પાકિસ્તાન મુલાકાતને મામલે સી ગ્રેડના બોલિવૂડ ડ્રામાની જેમ વાહિયાત આક્ષેપો કરી તેમનું ચારિત્ર્યહનન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ૨૦૨૬ની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્યમાં પોતાનું મહત્વ વધારવા તેમના માટે આ મોટી તક બની રહી છે. પણ તેમના આક્ષેપો મુખ્યપ્રધાન તરીકે તેમના ડર અને અસલામતિઓને પણ ખુલ્લી પાડે છે તેમ ગોગોઇએ દિલ્હીમાં જણાવ્યું હતું. 

૨૬ મેના રોજ રાજ્ય કોંગ્રેસના પ્રમુખપદે વરાયેલાં ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે આશરે ૧૪-૧૫ વર્ષ અગાઉ સરકારી નીતિની નિષ્ણાત તરીકે જાણીતી મારી  બ્રિટિશ પત્ની સાથે મેં એક વર્ષ પાકિસ્તાનમાં વીતાવ્યું હતું. તે ૨૦૧૧માં જલવાયુપરિવર્તન વિશે એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. તે ૨૦૧૨-૧૩માં ભારતમાં આવી અને ૨૦૧૫માં નવી જોબ પણ શરૂ કરી. અગાઉ તે તેના જુના સંગઠન સાથે હતી ત્યારે હું તેની સાથે પાકિસ્તાન ગયો હતો. આ હકીકતોમાંથી આસામના મુખ્યપ્રધાને સી ગ્રેડનો બોલિવૂડનો ડ્રામા બનાવી નાંખ્યો છે. 

ગૌરવ ગોગોઇએ ૨૦૧૩માં બ્રિટિશ નાગરિક એલિઝાબેથ કોર્બન સાથે લગ્ન કર્યા છે. ગોગોઇએ કોંગ્રેસની ઓફિસમાં આ પત્રકાર પરિષદ પુરી કરી તેની થોડી મિનિટોમાં જ મુખ્ય પ્રધાન સરમાએ એક્સ પર જણાવ્યું હતું કે ગોગોઇએ કરેલી કબૂલાત દર્શાવે છે કે તેમણે પાકિસ્તાનની મુલાકાત લીધી છે.અમારી પાસે વિશ્વસનીય માહિતી છે જે દર્શાવે છે કે શ્રી ગોગોઇ પાકિસ્તાનીઓ સાથે ગાઢ સંપર્કમાં હતા.  

-ઇન્દર સાહની