Get The App

યુદ્ધની આગ પ્રોપર્ટી બજાર સુધી પહોંચી

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધની આગ પ્રોપર્ટી બજાર સુધી પહોંચી 1 - image

નવીદિલ્હી: મધ્ય પૂર્વના યુદ્ધને કારણે સામાન્ય રીતે દેશના કાપડ, હીરા, જરી, કેમિકલ જેવા ઉદ્યોગો પર અસર થઈ હોવાનું જાહેર છે, પરંતુ હવે પહેલી વખત વાત બહાર આવી છે કે આ યુદ્ધને કારણે ભારતના રીયલ એસ્ટેટ બજારને પણ મોટો ફટકો પડયો છે. દેશના ૭ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ૭ ટકા ઘટી ગયું છે. રીપોર્ટ પ્રમાણે વર્ષના પહેલા ત્રણ મહિનામાં આશરે ૧૦,૦૧,૬૭૫ યુનિટનું વેચાણ થયું છે. ૨૦૨૫ના છેલ્લા ત્રણ મહિનામાં ૧૦,૦૮,૯૭૦ યુનિટનું વેચાણ થયું હતું. મીડલ ઇસ્ટના હોમ બાયર્સ ભારતના પ્રોપર્ટી માર્કેટમાં પણ મોટું રોકાણ કરે છે. યુદ્ધના કારણે એમણે પોતાના રોકાણ પર બ્રેક મારી છે. યુદ્ધને કારણે કન્સ્ટ્રકશન સાથે જોડાયેલી વસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે.

પશ્ચિમ બંગાળમાં સત્તા નજીક પહોચવા ભાજપના તમામ પ્રયત્નો

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સર્વે રીપોર્ટ પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ બાજી મારે એવી શક્યતા છે. ચોથી વખત સત્તામાં આવવા માટે ટીએમસી ઝઝૂમી રહી છે. જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ સત્તા મેળવવા માટે તમામ પ્રયત્નો કરે છે. ચૂંટણીનો નેરેટીવ રક્ષા વિરુદ્ધ વિસ્તારના યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોની આ સૌથી અગત્યની ચૂંટણી ગણાઈ રહી છે. ૨૦૨૧ના વર્ષમાં મમતા બેનર્જીના પક્ષે સળતાથી જીત મેળવી હતી, પરંતુ ભાજપે લડત આપી હતી. કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષોનો સફાયો થઈ ગયો હતો. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે ૨૦૨૪ની પશ્ચિમ બંગાળની ચૂંટણી રાજકારણમાં નિર્ણાયક પરિવર્તન સાબિત થઈ શકે એમ છે. ચૂંટણીનું પરિણામ નક્કી કરશે કે પશ્ચિમ બંગાળ ક્ષેત્રીય અસ્મિતાનું મોડેલ સ્વીકારે છે કે રાષ્ટ્રીય ફલકના રાજકારણનો સ્વીકાર કરે છે. છેલ્લી ચૂંટણીમાં તૃણમૂલને ૪૮ ટકા અને ભાજપને ૩૮ ટકા મતો મળ્યા હતા.

કોંગ્રેસની મુશ્કેલી વધી, ટિકિટ વેચવા બાબતે દિલ્હીમાં એફઆઇઆર દાખલ

દિલ્હીમાં ચૂંટણીની ટિકિટ અપાવવા માટે કરોડો રૂપિયા માંગવાના કિસ્સામાં કોંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. ગૌરવકુમારની ફરિયાદને આધારે દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ૨૦૨૪ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રેવાડી જિલ્લાની બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ વેચાય હોવાનો આક્ષેપ થયો હતો. દિલ્હી પોલીસના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ પદાધિકારી સૂચિત્રા દેવીએ કોંગ્રેસ હાઇકમાન્ડ અને ગાંધી પરિવાર પર આક્ષેપ મૂક્યો હતો કે, બાવલ સીટની ટિકિટને નામે કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. એમના પતિ ગૌરવકુમારે આ બાબતે હવે પોલીસમાં ફરિયાદ કરી છે. ગૌરવકુમારનો આરોપ છે કે કોંગ્રેસ પક્ષના જાણીતા નેતાઓ અને એમના અંગત સચિવોએ રેવાડીની બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ આપવાને નામે કરોડો રૂપિયા બનાવ્યા હતા અને ટિકિટ આપી નહોતી. તમામ પૂરાવાઓ પણ એમણે પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.

ચૂંટણી તાલીમમાં ટીએમસીના પ્રચારનો વિડિયો ચાલ્યો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓને તાલીમ આપવાનું આયોજન થયું હતું. તાલીમ દરમિયાન એક મતદાર અધિકારીને માર મારવાનો કિસ્સો બહાર આવ્યો છે. તાલીમ સત્રમાં તૃણમુલ કોંગ્રેસના પ્રચારનો વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જે બાબતે વિરોધ કરનાર એક અધિકારી સૈકત ચેટર્જીને માર મારવામાં આવ્યો હતો. નાદિયા જિલ્લાના રાણાઘાટમાં યોજાયેલા એક ચૂંટણી તાલીમ વર્ગ દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના રાણાઘાટ દેબનાથ ઇન્સ્ટિટયુટ ફોર બોઇઝ સ્કૂલ ખાતે બની હતી. તાલીમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેટલાક વીડિયો બતાવવામાં આવ્યા હતા. ઘટના પછી લોહીલુહાણ થયેલા અધિકારીએ મીડિયાને સંપૂર્ણ વિગત આપી હતી અને કહ્યું હતું કે કઈ રીતે આચાર સંહિતાનો ભંગ થયો છે.

આઇએએસના રાજીનામા બાબતે નિયમ શું કહે છે

૨૦૧૨ બેંચના આઇએએસ અધિકારી કાનન ગોપીનાથનએ ૨૦૧૯માં રાજીનામું આપ્યું હતું. કાશ્મીરમાં લોકોનો અવાજ દબાતો હોવાનું કારણ હાથ ધરીને કાનન ગોપીનાથને રાજીનામું આપ્યું હતું. એમનું રાજીનામું હજી સ્વીકારવામાં આવ્યું નથી. કાનન ગોપીનાથનએ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કર્યો છે કે છ વર્ષ સુધી જાણી જોઈને હેરાન કરવા માટે એમનું રાજીનામું સ્વીકારવામાં આવતું નથી. આને કારણે તેઓ કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી શક્યા નથી. સરકારનું કહેવું છે કે, ગોપીનાથનું રાજીનામું સ્વીકારવા માટેની ભલામણ હજી સુધી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગને મોકલવામાં આવી નથી. એનો મતલબ એમ થાય કે હજી રાજીનામું ગૃહમંત્રાલય સમક્ષ પડયું છે. આઇએએસ અધિકારી રાજીનામું આપે ત્યારે શું થાય છે? નિયમ પ્રમાણે આઇએએસ અધિકારી ઇચ્છે ત્યારે રાજીનામું આપી શકે છે, પરંતુ એમનું રાજીનામું સ્વીકારવાની કોઈ નક્કી સમયમર્યાદા હોતી નથી.

'અમને ખબર નથી કે બે દિવસ પછી ગેસ મળશે કે નહીં'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ભવાની પૂરથી ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જી ચૂંટણી પ્રચારમાં આક્રમક બની ગયા છે. તેઓ સતત કેન્દ્ર સરકારની ટીકા કરતા રહે છે. રસોઈ ગેસ બાબતે એમણે કહ્યું હતું કે ખબર નથી કે બે દિવસ પછી ગેસ મળશે કે નહીં. વધતી કિંમતો અને સપ્લાય બાબતે ચિંતા દર્શાવીને એમણે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકોએ એ જૂના દિવસોમાં પાછા ફરવું પડશે. મમતાએ કહ્યું હતું કે જો ગેસ સમય પર નહીં મળે તો લોકોએ બળદગાડામાં ફરવું પડશે. પહેલા ચારસો રૂપિયેની કિંમતે મળતો ગેસ સિલિન્ડર હવે અગિયારસો રૂપિયામાં મળે છે. એમનો આરોપ છે કે આ વધારો ચૂપચાપ કરવામાં આવ્યો છે. સામાન્ય માણસને ગેસ મળતા ૨૫ દિવસ સુધી રાહ જોવી પડે છે. મહિલાઓ ખાવાનુ કઈ રીતે બનાવે.

યમુનાની દુર્દશા કેગના રિપોર્ટે ખુલ્લી કરી

યમુના નદીની ખરાબ હાલત અને પાણી તેમજ સીવેજની નબળી વ્યવસ્થા બાબતે કેગના રીપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રીપોર્ટ પ્રમાણે ૨૦૦ એમજીડીથી વધારે ટ્રીટમેન્ટ કર્યા વગરનો સીવેજ સીધો યમુના નદીમાં ઠાલવવામાં આવે છે. એક હજારથી વધુ કોલોની હજી પણ સીવર નેટવર્કની બહાર છે. જલમંત્રી પ્રવેશ સાહિબ સિંહે પણ આ વાત કબુલ કરવી પડી હતી કે વ્યવસ્થામાં ખામી છે. મંત્રીએ પોતે જ કબુલ કર્યું હતું કે દિલ્હીને લગભગ ૧૨૦૦ એમજીડી પાણીની જરૂર છે, પરંતુ સપ્લાય ફક્ત એક હજાર એમજીડીનો થઈ રહ્યો છે. આ સિવાય નોન રેવન્યુ વોટરલોસ ૪૫ થી ૫૩ ટકા સુધી પહોંચી ગયો છે.

 લગભગ ૩૦ લાખ ઘરોમાં પાણી કનેકશન નથી જેને કારણે સમસ્યા વકરી રહી છે. યમુનાની સફાઈનો સૌથી સહેલો રસ્તો ટ્રીટમેન્ટ વગરનો સીવેજને રોકવાનો છે. આ માટે ૩૫ થી વધુ નવા અપગ્રેડેટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાડવા પડશે.