નવીદિલ્હી : શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂત આંદોલનકારીઓને બળજબરીથી હટાવવા બાબતે સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમને બધી ખબર છે. અમને ખબર છે કે કેટલાક લોકો ખેડૂતોની ફરિયાદનો નિકાલ લાવવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને જમીની પરિસ્થિતિનો રીપોર્ટ ફાઇલ કરવા કહ્યું હતું. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ એન કોટીશ્વરસિંહની બેન્ચે આ ટીપ્પણી કરી હતી. પંજાબના એજી ગુરમિંદરસિંહે કોર્ટને એમ કહ્યું હતું કે, શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને દૂર કરીને અવર-જવર શરૂ કરી દેવામાં આવી છે. હરિયાણા તરફની તમામ બેરીકેડ પણ દુર કરવામાં આવી છે. હાઇવે ખૂલ્લો થઈ ગયો હોવાથી હવે લાખો લોકોને સરળતા રહેશે.
બેંગકોકમાં પરિસ્થિતિ ઇમરજન્સી જેવી, ભારત પરત ફરેલાઓએ વ્યથા વર્ણવી
મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાથી આવેલા ધરતીકંપને કારણે ભારે ખાનાખરાબી થઈ છે. આ ધરતીકંપની અસર થાઇલેન્ડ સુધી જોવા મળી હતી. મ્યાનમાર કરતાં થાઇલેન્ડમાં મૃતકોની સંખ્યા ઓછી છે, પરંતુ મિલકતોને ભારે નુકશાન થયું છે. ધરતીકંપ પછી થાઇલેન્ડ ગયેલા પ્રવાસીઓ દેશ છોડી રહ્યા છે. થાઇલેન્ડનો પ્રવાસ અધૂરો મુકીને ભારત પરત ફરેલા પ્રવાસીઓએ ત્યાંની ચિંતાજનક પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. આફટરશોક્સ આવવાને કારણે બેંગકોકમાં બધુ જ બંધ કરી દેવામાં આવ્યું છે. ઓફિસ અને શોપિંગ મોલ્સમાં જેઓ હાજર હતા એમને બહાર મોકલી દેવામાં આવ્યા છે. મેટ્રો રેલ્વે સ્ટેશન પણ બંધ છે. ધરતીકંપના આંચકા આવ્યા ત્યારે એમ લાગતું હતું કે આખુ બેંગકોક શહેર રસ્તા પર આવી ગયું છે. ફરવા માટે બેંગકોક ગયેલા ભારતીય પ્રવાસીઓના ફોન પણ ભારે વ્યસ્તતાને કારણે લાગ્યા નહોતા.
બાબા સિદ્દીકીની પત્નીએ પક્ષકાર બનાવવાની અરજી કરી
એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા થયા પછી મુંબઈ પોલીસ કેસની તપાસ કરી રહી છે. હવે બાબા સિદ્દીકીના પત્નીએ કોર્ટમાં એક અરજી કરીને એમને પક્ષકાર બનાવવાની પરવાનગી માંગી છે. ૨૦૨૪ની ૧૨મી ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીના પત્ની શહજીન સિદ્દીકીએ અરજીમાં કહ્યું છે કે, એમને પૂરી નહીં શકાય એવી ક્ષતી થઈ છે અને સમગ્ર ઘટના વિશે એમને સાચી જાણકારી મળતી રહે અને હકીકત રેકોર્ડ પર લેવામાં આવે એ ખૂબ મહત્ત્વનું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી અગત્યની વાતો એવી છે કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ અરજી મકોકા ન્યાયાધીશ બીડી શેલ્કે સમક્ષ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ૨૬ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આરોપી લોરેન્શ બિશ્નોયના ભાઈ અનમોલ બિશ્નોયને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
બંગાળના મોઠાબાડીમાં થયેલી હિંસાનો રીપોર્ટ હાઇકોર્ટે માંગ્યો
કલકત્તા હાઇકોર્ટે બંગાળના માલદા જિલ્લાના મોઠાબાડી વિસ્તારમાં બે સંપ્રદાયો વચ્ચે થયેલી હિંસાનો રીપોર્ટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ ઉપરી પાસે માંગ્યો છે. કોર્ટનું કહેવું છે કે, બનેલી ઘટનાની સંવેદનશીલતા જોતા રાજ્ય સરકારે સાવધાનીથી કામ કરવું જોઈએ. હિંસાથી અસરગ્રસ્ત લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા સરકારે કામગીરી કરવી જોઈએ. કોર્ટે ત્રીજી એપ્રિલ સુધીમાં રીપોર્ટ રજૂ કરવા કહ્યું છે. રામ નવમી અને ઇદને કારણે સરકારે ૧૪૪મી કલમ લાગુ કરી નથી. મોઠાબાડી વિસ્તારમાં રેપીડએક્સન ફોર્સ અને રાજ્યની સશસ્ત્ર પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
રશિયન સૈન્યમાં ફસાયેલા 18 ભારતીયોમાંથી 16 લાપતા
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે હજી પણ રશિયાની સેનામાં ૧૮ ભારતીય નાગરીકો જોડાયેલા છે. રશિયા દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે આમાંથી ૧૬ નાગરીકોનો અતોપતો નથી. કેન્દ્રીયમંત્રીના જણાવ્યા પ્રમાણે રશિયન લશ્કરમાં ૧૨૭ ભારતીય નાગરીકો હતા જેમાંથી ૯૭ને રજા આપવામાં આવી હતી. રશિયા જઈને ત્યાંના લશ્કરમાં જોડાયેલા ભારતીઓમાંથી કેટલાકને પરત લાવવામાં આવ્યા છે. રાજકીય નીરિક્ષકો માને છે કે, દેશમાં વધી રહેલી બેરોજગારીને કારણે ભારતના યુવાનોએ જાન જોખમમાં મૂકીને રશિયાના લશ્કરમાં જોડાવું પડે છે. મોટી સંખ્યામાં યુવાનો રશિયન લશ્કરમાં જોડાય છે એ જ પુરવાર કરે છે કે રોજગારી ક્ષેત્રે ભારતમાં સબસલામત હોવાના દાવા ખોટા છે.
બિહારના કોસી - મેચી પ્રોજેક્ટ બાબતે ફક્ત વાતોના વડાં
ચોમાસામાં નેપાળમાં ભારે વરસાદ પડે ત્યારે નેપાળની નદીઓ મારફતે આવતૂ પૂર કોસી નદી મારફતે બિહારમાં સંકટ બની જાય છે. ઘણા લોકો મૃત્યુ પામે છે તેમ જ બેઘર થઈ જાય છે. રાહતના નામે દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે અને કરોડો રૂપિયા ચવાઈ જાય છે. બિહારની ચૂંટણી નજીક છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રીમંડળે બિહારની કોસી - મેચી આંતર રાજ્ય લિંક પરીયોજનાને જલશક્તિ મંત્રાલયે પરવાનગી આપી દીધી છે. અહીં સવાલ એ છે કે એક જ પ્રોજેક્ટને અલગ અલગ નામથી કેટલીવાર મંજૂરી આપવામાં આવશે? આ પ્રોજેક્ટની જાહેરાત દર ચૂંટણી પહેલા થાય છે, પરંતુ કામ આગળ વધતું નથી. એમ મનાય છે કે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ખુશ કરવા કોસી-મેચી પ્રોજેક્ટ નામનો ગોળ કોણીએ વળગાડવામાં આવ્યો છે.
પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં વધારો થશે
વધતી મોંઘવારીને કારણે દેશનો સામાન્ય માણસ પરેશાન છે. હવે પડયા પર પાટુ જેવા સમાચાર આવ્યા છે. પહેલી એપ્રિલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. સામાન્ય માણસના ગજવા પર સરકાર કાતર ચલાવવાની છે. સૌથી માઠા સમાચાર એ છે કે, તાવ અને એલર્જી જેવી સામાન્ય બિમારીની દવાઓનો ભાવ વધી જશે. સામાન્ય બિમારીઓ માટે વપરાતી દવાઓના ભાવમાં વધારો કરવા સરકારે મંજૂરી આપી દીધી છે. ડાયાબિટીસ, તાવ અને એલર્જી જેવી દવાઓના ભાવ લગભગ બમણા થઈ જશે. દુખાવા માટે વપરાતી પેઇનકિલરના ભાવ પણ વધશે. ભાવ વધારાનું બહાનું કાચા માલની વધેલી કિંમત બતાવવામાં આવે છે. જોકે ફાર્માસ્યૂટીકલ કંપનીઓ વર્ષમાં અનેક વખત દવાઓના ભાવ કોઈપણ કારણ વગર વધારીને હજારો કરોડ રૂપિયાની કમાણી કરતી રહે છે.
ધાર્મિક બાબતોમાં સરકારે દખલ ન કરવી જોઈએ : ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાન ભાજપના ઘણાં નેતાઓને સમજાતા નથી. એનડીએના સહયોગી ચિરાગ પાસવાન કેન્દ્રમાં મંત્રી છે. એક તરફ લાલ તિલક કરીને સંસદભવનમાં આવી જતા ચિરાગ પાસવાનના પીએમ મોદી ઘણી વખત વખાણ કરે છે. પાસવાન પીએમ મોદીના નજીકના નેતાઓમાં ગણાતા હોવાથી ભાજપના ઘણાં નેતાઓ ચિરાગને ખાસ પજવતા નથી, પરંતુ ચિરાગનું વલણ તેમને અકળાવે છે. એક તરફ તિલક કરીને સંસદભવનમાં આવતા ચિરાગ પાસવાન પિતાની પરંપરાને જાળવીને ઈફ્તાર પાર્ટી પણ યોજે છે. ઈફ્તાર પાર્ટીના બે દિવસ પછી જ જાહેરમાં નમાઝ અદા કરવાના સંદર્ભમાં યોગી સરકારની ટીકામાં નિવેદન આપીને ચિરાગે ચર્ચા જગાવી છે. ચિરાગને પૂછાયું કે મેરઠ જેવા ઘણાં શહેરોમાં જાહેરમાં નમાઝ અદા કરવા સામે કાર્યવાહી થાય છે. તેના જવાબમાં ચિરાગે કહ્યું કે આ તો ફાલતુ વાત છે. આવા મુદ્દે ચર્ચા જ ન થવી જોઈએ. આવું તણાવપૂર્ણ વર્તન ન કરવું જોઈએ. ચિરાગને પૂછાયું કે તમારી સહયોગી પાર્ટી તો આ મુદ્દે બહુ ચર્ચા કરે છે. તો જવાબમાં ચિરાગે કહ્યું કે હું સહયોગી સાથે આ મુદ્દે સહમત નથી. સરકારે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
યુપીની જેમ હરિયાણામાં નવરાત્રિમાં નોનવેજની દુકાનો બંધ રાખવા માગ
દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાજપના ઘણાં નેતાઓએ મીટ શોપ નવરાત્રિ દરમિયાન બંધ રાખવાની માગણી શરૂ કરી છે. યુપીના વારાણસી સહિતના શહેરોમાં તો માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ સ્થાનિક અધિકારીઓ આપી ચૂક્યા છે. હવે હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદે નવરાત્રિ દરમિયાન નોન વેજિટેરિજન ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કલેક્ટરને કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખાસ તો જિંદમાં ચાલતી માંસની દુકાનોને નવ દિવસ માટે બંધ રાખવાની રજૂઆત કરી છે. એ બાબતે હવે રાજ્યમાં રાજકારણ શરૂ થયું છે. અધિકારીઓ પણ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત પછી મુંઝવણમાં મૂકાયા છે કે શું નિર્ણય લેવો? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા ઘણાં રાજ્યોમાં અમુક વિસ્તારોમાં ચૈત્રી નવરાત્રિમાં માંસનું વેચાણ ન કરવાની સૂચના આપવામાં આવી છે.
સૌગાત-એ-મોદી કિટ મુદ્દે ભાજપના નેતાઓ મુંઝવણમાં
ઈદ પહેલાં મુસ્લિમ પરિવારોને કેન્દ્ર સરકારે ઈદની કિટ આપવાનું શરૂ કર્યું છે. ઈદ અગાઉ ૩૨ લાખ કિટના વિતરણનું આયોજન છે. કિટમાં ડ્રાય ફ્રૂટ્સ, કપડાં, દૂધ, ખાંડ, સૈવેયા જેવી ચીજવસ્તુઓ છે. જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને ઈદની શુભકામનાના ભાગરૂપે મળી રહેલી આ કિટનું મુસ્લિમ સમુદાય તરફના સદ્ભાવ તરીકે સ્વાગત તો થઈ જ રહ્યું છે. મુસ્લિમોના તહેવારની ઉજવણી માટે સરકાર સદ્ભાવ બતાવે તે યોગ્ય જ છે, પરંતુ એનાથી ભાજપના ઘણાં નેતાઓ મૂંઝવણમાં મૂકાયા છે. ભાજપના કટ્ટર ઈમેજ ધરાવતા નેતાઓને હવે ઘણાં લોકો આ મુદ્દે સવાલ પૂછી રહ્યા છે. તેમની પાસે કોઈ જવાબ નથી. કેન્દ્રના આ નિર્ણયનો બચાવ કેમ કરવો એ તેમને સમજાતું નથી. જો એને યોગ્ય ગણાવે તો પોતાના કટ્ટર વલણ સામે નમતું જોખવા જેવું થાય અને જો અયોગ્ય ગણાવે તો મોદીના નિર્ણયને ખોટો ઠેરવવા જેવું થાય!
કર્ણાટક ભાજપમાં યેદિયુરપ્પા પરિવારનો દબદબો ફરી સાબિત થયો
કર્ણાટક ભાજપમાં બી.એસ. યેદિયુરપ્પાનો દબદબો છે. ભાજપે એને સાઈડલાઈન કર્યા બાદ ફરીથી સત્તા સોંપવી પડી હતી. તાજેતરમાં કર્ણાટક ભાજપમાં બનેલી ઘટનાએ ફરીથી સાબિત કર્યું છે કે યેદિયુરપ્પા પરિવારનો કર્ણાટક ભાજપ પર દબદબો કાયમ છે. કર્ણાટકમાં ભાજપના સિનિયર નેતા બસનગૌડા પાટિલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાવીને યેદિયુરપ્પાના પરિવારે કર્ણાટક ભાજપના નેતાઓને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ભાજપ હાઈકમાન્ડમાં કોનું વધારે ઉપજે છે. યેદિયુરપ્પા સંગઠનમાં સીધી રીતે સક્રિય નથી, પરંતુ અત્યારે તેમના દીકરા બી.વાય. વિજેન્દ્ર પાસે રાજ્ય ભાજપની કમાન છે. વિજેન્દ્ર અત્યારે કર્ણાટક ભાજપ પ્રમુખ છે. યેદિયુરપ્પાના બીજા દીકરા રાઘવેન્દ્ર સાંસદ છે. બસનગૌડા યેદિયુરપ્પા પરિવારના કટ્ટર વિરોધી નેતા ગણાય છે. તેમની સામે કાર્યવાહી કરીને બધા અસંતુષ્ઠોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
-ઈન્દર સાહની


