Get The App

રાજસ્થાનના મુખ્યમંત્રી બદલાવવાની ચર્ચા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
રાજસ્થાનના મુખ્યમંત્રી બદલાવવાની ચર્ચા 1 - image


નવીદિલ્હી: ૨૦૨૩માં જ્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની ત્યારે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવીને ભાજપ હાઇકમાન્ડે બધાને ચોંકાવી દીધા હતા. મુખ્યમંત્રીની જાહેરાત બાબતનો પત્ર જ્યારે રાજનાથ સિંહે વસુધરા રાજેને આપ્યો ત્યારે બધાના પ્રતિભાવો લોકોને આજ સુધી યાદ છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, ભાજપ હાઇકમાન્ડ રાજસ્થાનના મુખ્યમંત્રીને બદલવાનું આયોજન કરી રહ્યું છે. આ પાછળના ઘણા કારણો પણ છે. જોકે રાજસ્થાન ભાજપના પ્રભારી રાધા મોહનદાસ અગ્રવાલએ ખુલાસો આપ્યો છે. એમણે કહ્યું છે કે, ભાજપમાં કોઈ વ્યક્તિ એકવાર મુખ્યમંત્રી બની જાય પછી રોજ રોજ એને બદલતા નથી. જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે કે શું થઈ રહ્યું છે. અમે આ પ્રકારનું કામ કરીને વિરોધીઓને મોકો નથી આપતા. ભાજપમાં કામગીરીની સમીક્ષા થાય છે ત્યાર પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે છે.

ઇચ્છા આર્કિટેક્ટ બનવાની હતી બની ગયા સીજેઆઇ

એક જાહેર કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ભૂષણ રામકૃષ્ણ ગવઇએ પોતાના જીવનના અંગત અનુભવો શેર કર્યા હતા. એમણે કહ્યું હતું કે તેઓ આકટેક્ટ બનવા માંગતા હતા, પરંતુ એમના પિતાની ઇચ્છા હતી કે તેઓ વકીલ બને. એમના પિતા સ્વતંત્ર સંગ્રામમાં વ્યસ્ત હોવાને કારણે વકીલ બની શક્યા નહોતા. પિતાની વાત માનીને સીજેઆઇએ ન્યાયાધિશ બનવાનું નક્કી કર્યું હતું. સીજેઆઇએ એક અગત્યની વાત કરી હતી કે, ન્યાયિક સક્રિયતા જરૂરી છે, પરંતુ એને ન્યાયીક આતંકવાદમાં ફેરવી શકાય નહીં. ભારતીય લોકશાહિના ત્રણે અંગો માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક અંગે કાયદા અને જોગવાઈ મુજબ કામ કરવું જોઈએ. જો સંસદ કાયદાથી પર જઈને વર્તણુક કરે તો ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે.

ચારે તરફથી હું દુશ્મનો વચ્ચે ઘેરાયો છું : તેજપ્રતાપ યાદવ

લાલુ પ્રસાદ યાદવના વિવાદાસ્પદ પુત્ર તેજપ્રતાપ યાદવએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. એમણે પોતાના દુશ્મનોને ચેતવણી આપી છે. એમણે કહ્યું છે કે, મહાભારતમાં બધાએ જોયું છે કે, કૃષ્ણએ કઈ રીતે જયદ્રથને હણ્યો હતો અને દુર્યોધનની કેવી હાલત કરી હતી. મને જ્યારે પક્ષ અને કુટુંબમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે ખૂબ ખરાબ લાગ્યું હતું. મારી સાથે ખોટુ થયું છે. પિતા માટે તો મને ખૂબ માન છે. મારા માટે મા-બાપ સૌથી અગત્યના છે. હું હમણા એકલો છું ત્યારે મારી માતાને મારી ચિંતા થતી જ હશે. હું કામ દ્વારા બધાને જવાબ આપીશ. દુશ્મન ઘરનો છે કે બહારનો એ શોધવું ખૂબ અઘરુ છે. હું પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

રામદાસ આઠવલેના રાહુલ ગાંધી - ખડગે પર પ્રહાર

આજકાલ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ શશી થરૂર ચર્ચામાં છે. થરૂર વડાપ્રધાન મોદીના વખાણ કરતા રહે છે. આ બાબતે ટોણો મારતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે કેટલાક લોકો માટે મોદી પહેલા છે અમારા માટે દેશ પહેલો છે. ખડગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી છે. સંસદમાં જોડકણા જેવી કવિતાઓ રચીને બધાને હસાવનાર આઠવલેએ કહ્યું છે કે, 'શશી થરૂર વડાપ્રધાન મોદીના વખાણ કરે છે. રાહુલ ગાંધી અને ખડગેને મોદીનું નામ સાંભળીને ગુસ્સો આવે છે. એમને ગમે એટલો ગુસ્સો આવે, પરંતુ લોકો મોદીની સાથે છે. મોદીએ સારુ કામ કર્યું છે અને પાકિસ્તાનને પદાર્થપાઠ ભણાવ્યો છે. વિરોધ પક્ષોએ ફાલતુ વાતો કરવી જોઈએ નહીં.'

બોલપેનો વહેચીને નવમી ફેલ બિહારનો રાજા નહીં બની શકે

ઇલેકશન સ્ટ્રેટજીસ્ટમાંથી રાજકારણી બનેલા જનસૂરાજ પક્ષના પ્રમુખ પ્રશાંત કિશોરએ તેજસ્વી યાદવની આકરી ટીકા કરી છે. એમણે તેજસ્વી યાદવને નવમી ફેલ કહ્યા છે. તેજસ્વી યાદવ આજકાલ બિહારમાં બોલપેનો વહેચી રહ્યા છે. આ સંદર્ભે પ્રશાંત કિશોરએ કહ્યું કે, બોલપેન વહેચીને નવમી ફેલ વ્યક્તિ બિહારનો રાજા નહીં બની શકે. તેજસ્વીની સાથે કિશોરએ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને પણ હડફેટે લીધા છે. યુવાનોને બોલપેનો વહેચનાર તેજસ્વીએ જો ૧૦મુ પાસ કર્યું હોત તો યુવાનો એમના પર વિશ્વાસ કરતે. સામાન્ય કુટુંબના ભણેલા યુવાનો પણ બેકાર છે અને મજૂરી કરી રહ્યા છે. કલમો વહેચવાથી સારુ શિક્ષણ મળતું નથી. રાજ્યમાં સારી સ્કૂલો હોવી જરૂરી છે. માતા અને પિતા બંને મુખ્ય મંત્રી રહ્યા હોવા છતાં તેજસ્વી ભણ્યો નહોતો.

અતિક અહમદના મૃત્યુ પછી પણ એમની ગેંગ સક્રિય

માફિયા અતિક મોહનના મૃત્યુ પછી પણ એમની ગેંગ કેટલાક જિલ્લાઓમાં હજી સક્રિય છે. અતિકના સાઢુ ઇમરાન અહમદ સહિત આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગેરકાયદેસર જમીનનો કબજો કરવા તેમ જ બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનો વેચી મારવાની ફરિયાદો દાખલ થઈ છે. આ ઉપરાંત એમની સામે ખંડણી ઉઘરાવવાના કેસો પણ થયા છે. બમરૌલીના રહેવાસી મનોજકુમાર ભારતીયાની વારસાગત જમીન હડપવા બાબતે ફરિયાદ થઈ છે. ૨૦૦૧ના વર્ષમાં અતિક અને એમના સાઢુ ઇમરાન અહમદએ જમીનના મૂળ માલિકો રામદાસ, શોભલાલ, રામ આશરે અને ઓકારનું અપહરણ કર્યું હતું. એમને મારી નાખવાની ધમકી આપીને જમીન બીજાને નામે કરાવી દીધી હતી. અતિકના મૃત્યુ છતા પણ એમના કુટુંબીઓ હજી પણ આ કેસના ફરિયાદીને હેરાન કરી રહ્યા છે.

એનડીએમાં એકતાની વાતો છતાં રાજકીય ખેંચતાણ

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષ એક બીજા પર હાવી થવાની કોશિષ કરી રહ્યા છે. જેડીયુના પ્રમુખ અને મુખ્યમંત્રી નિતિશકુમારના ગઢમાં લોજપા (રા)નો બહુજન ભીમ સંકલ્પ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં પક્ષ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચીરાગ પાસવાન પણ હાજર રહ્યા હતા. ચિરાગએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ચિરાગ પાસવાન પહેલેથી જ કહેતા હતા કે એમને બિહારના રાજકારણમાં રસ છે. એમની તૈયારી તો તમામ ૨૪૩ બેઠકો પરથી ચૂંટણી લડવાની છે. બિહારમાં લોજપા (રા)ની તૈયારીઓ બીજા રાજકીય પક્ષો કરતા વધુ આક્રમક છે. પક્ષના પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી રણનીતિ ઘડી રહ્યા છે. ચિરાગ પાસવાનની સક્રીયતાને કારણે નિતિશકુમાર તો ચિંતીત છે જ પરંતુ એનડીએના સાથી પક્ષો પણ નારાજ થઈ રહ્યા છે.


Tags :