દિલ્હીની વાત : 'અશુદ્ધ લોકો મસ્જિદમાં નહીં આવી શકે'
નવીદિલ્હી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શાહબુદ્દીન રઝવી બરેલવીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને એક પત્ર લખ્યો છે. એમણે પત્ર લખીને મૌલાના મોહીબબુલ્લાહ નદવીને મસ્જિદના ઇમામ તરીકે દુર કરવાની માંગણી કરી છે. થોડા દિવસો પહેલા મસ્જિદમાં સમાજવાદી પક્ષની મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગને કારણે મોટો વિવાદ થયો હતો. આ મિટિંગમાં અખિલેશ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ અને ઇકરા હસન સહિત બીજા નેતાઓ પણ હાજર રહ્યા હતા. પોતાના પત્રમાં બરેલવીએ લખ્યું છે કે, 'મસ્જિદની અંદર સમાજવાદી પક્ષની બેઠક યોજીને મસ્જિદની પવિત્રતાનું અપમાન કર્યું છે. મુસલમાનોની ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાં આવી છે. મસ્જિદની અંદર અલ્લાહની ઇબાદત સિવાય બીજી કોઈ કામગીરી થઈ શકે નહીં.' એમણે એમ પણ લખ્યું હતું કે, 'અશુદ્ધ લોકો મસ્જિદમાં જઈ શકતા નથી. જેઓ શુદ્ધ છે તેઓ જ મસ્જિદમાં જઈ શકે છે.'
ચિરાગએ ફેરવી તોળ્યું, નિતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી બનશે
બિહારની ચૂંટણી નજીક છે ત્યારે એનડીએના બે સાથી પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. લોજપા (રામવિલાસ) પક્ષના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનએ બિહારમાં ધામા નાંખ્યા છે અને એમના નિવેદનોને કારણે નિતિશકુમાર પણ ચિંતામાં પડી ગયા છે. ચિરાગ પાસવાન પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન કહે છે. હવે એકાએક ચિરાગ પાસવાનએ એવી ટીપ્પણી કરી છે કે, જેની ચર્ચા બિહારમાં થઈ રહી છે. ચિરાગ પાસવાનએ એવું કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી પછી નિતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી બનશે. ચિરાગ પાસવાન હવે બિહારની કાયદો વ્યવસ્થાની બગડેલી પરિસ્થિતિ ભૂલી ગયા લાગે છે. એમ લાગે છે કે ચિરાગ પાસવાનને દિલ્હીથી સંદેશો મળી ગયો છે કે માપમાં રહે.
છાંગુર બાબાનું દાઉદ કનેક્શન
દેશના ઇતિહાસમાં સૌથી મોટા પાયે ધર્માંતરણનું રેકેટ ચલાવનાર છાંગુર બાબાના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. હવે એવી વાત બહાર આવી છે કે છાંગુર બાબાને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમ સાથે પણ સંબંધ હતા. આ સંબંધનો ફાયદો એમને લખનૌ આવ્યા પછી મળ્યો હતો. દાઉદ ગેંગના કહેવાથી છાંગુર બાબાને દાઉદના કુટુંબીની હોટલ ચીનહટમાં રોકાવા મળ્યું હતું. થોડા સમય પછી આ હોટલ બીજા વેપારીને વેચી દેવામાં આવી હતી. આ વેપારીનું મૃત્યુ થયું છે. હવે એટીએસ એમની સાથે સંપર્ક ધરાવનારાઓને શોધી રહી છે. એટીએસ શોધી રહી છે કે એ વખતે છાંગુરને કેવા પ્રકારની મદદ મળી હતી. એમણે પણ છાંગુરને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સાથ તો નથી આપ્યોને. ઉતરોલાના મધુપુર સ્થિત છાંગુરના ઘરની પાછળથી એક ગુપ્ત કબ્રસ્તાન મળ્યું છે. એમ કહેવાય છે કે આ કબ્રસ્તાનમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.
માફ કરો અને આગળ વધો, સુપ્રીમ કોર્ટની સલાહ
બાલાકોટ એરસ્ટ્રાઇકમાં ભાગ લેનાર એક ફાઇટર પાયલોટને એમના પત્ની સાથે વિવાદ થયો હતો. આ સમસ્યા સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે. બંને વચ્ચે ચાલતા લગ્ન જીવનના વિવાદ પર ટીપ્પણી કરતા સુપ્રિમ કોર્ટે એવું સૂચન કર્યું છે કે, બંનેએ એકબીજાને માફ કરીને આગળ વધવું જોઈએ. કોર્ટે બંનેને જૂની વાતો ભૂલી જવાની સલાહ આપી છે. ૨૦૧૯ની ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામાં આતંકવાદી હુમલા પછી ભારતની વાયુ સેનાએ વળતો હુમલો કરીને બાલાકોટમાં આવેલા આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કર્યા હતા. જસ્ટીસ પી એમ નરસિંહા અને જસ્ટીસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે પતિ - પત્નીને વિવાદનો ઉકેલ સમજદારીથી લાવવાની સલાહ આપી હતી. વાયુ સેના અધિકારીની અરજી પર નોટીસ બહાર પાડીને બદલાની ભાવના નહી રાખવાની સલાહ પણ કોર્ટે આપી છે.
'મને કેદ રાખ્યો, એમને લાગ્યું કે બીજા લાલુ આવી ગયા છે'
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. લાલુપ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને ચૂંટણી સમયએ જ લાલુએ પક્ષ અને કુટુંબમાંથી દુર કર્યા છે. જોકે લાલુના આ પગલાથી તેજપ્રતાપ યાદવની રાજકીય મહત્વાકાંક્ષા ઓછી થઈ નથી. તેજપ્રતાપએ જાહેરાત કરી છે કે તેઓ મહુવા વિધાનસભાની બેઠકથી ચૂંટણી લડશે. હવે તેજપ્રતાપએ એમના વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે, એમના વિરોધીઓ એટલા માટે ડરી ગયા હતા કે એમને લાગ્યું કે બીજા લાલુપ્રસાદ યાદવ આવી ગયા છે. પક્ષમાંથી પણ એટલા માટે જ એમને દુર કરવામાં આવ્યા. તેજપ્રતાપએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'જે રીતે લાલુપ્રસાદ યાદવએ વિદ્યાર્થીકાળ દરમિયાન સંઘર્ષ કર્યો હતો અને બીએન કોલેજમાં પ્રવેશ લીધો હતો એ જ રીતે હું પણ સંઘર્ષ કરી રહ્યો છું. ગોપાલગંજની ધરતી પર લાલુપ્રસાદ યાદવ જેવા મહાન યોદ્ધાએ જન્મ લીધો હતો.'
બિહારની 60 બેઠકો પર વીઆઇપી પક્ષ ચૂંટણી લડશે
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનના મુખ્ય પક્ષ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી) એ જાહેર કર્યું છે કે, એમને ૬૦ બેઠકો પરથી ચૂંટણી લડવી છે. બાકીની તમામ બેઠકો પર એમના સાથી પક્ષો ચૂંટણી લડશે. વીઆઇપીના સ્થાપક અને ભૂતપૂર્વ મંત્રી મુકેશ સહનીએ પોતાના સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી છે. આ પહેલીવાર નથી કે સહની ૬૦ બેઠકો પર ચૂંટણી લડવાની વાતો કરે છે. અગાઉ પણ તેઓ આ કહી ચૂક્યા છે. એમણે એમ પણ કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનશે અને મુખ્યમંત્રી તેજસ્વી યાદવ હશે. ઉપમુખ્યમંત્રી તરીકે બિહારના અતિ પછાત સમાજ મલ્લાહની વ્યક્તિ હશે.
ત્રિપુરામાં સરની માગણી થતા ભાજપ વિમાસણમાં
ત્રિપુરામાં સહયોગી દળ તિપરા મોથાએ બિહારમાં યોજાઈ રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન(સર) જેવી કવાયત કરવાની માગણી કરતા ભાજપ બેકફૂટ પર આવી ગયો છે. બાંગ્લાદેશ સાથે ૮૫૬ કિમી. લાંબી સરહદ ધરાવતા ત્રિપુરામાં બાંગ્લાદેશથી આવેલા બંગાળી હિન્દુઓની સંખ્યા મોટી છે. તિપરા મોથા નેતાઓના એક ડેલિગેશને ગયા અઠવાડિયે ચૂંટણી કમિશનની મુલાકાત લીધી હતી અને ત્રિપુરામાં સરની કવાયત કરવાની માગણી કરી હતી.
શ્વાનને પ્રમાણપત્ર મળતા ચૂંટણી પંચ મજાકનું કેન્દ્ર બન્યું
પટનામાં એક શ્વાનની રહેણાંક પ્રમાણપત્ર સાથે મસોરહીના નિવાસી તરીકે નોંધણી થતા વિપક્ષને ચૂંટણી પંચના સર કાર્યક્રમ સામે હુમલો કરવાનું નવું બહાનુ મળી ગયું છે. રવિવારે મોડી રાત્રે યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે એક શ્વાનને નિવાસી પ્રમાણપત્ર મળી ગયું છે. આ એ જ પ્રમાણપત્ર છે જેને બિહારમાં સર હેઠળ સ્વીકારવામાં આવ્યું છે જ્યારે આધાર અને રેશન કાર્ડ નકારવામાં આવ્યા છે. યાદવે ધ્યાન દોર્યું કે પ્રમાણપત્રમાં શ્વાનનું નામ ડોગ બાબુ, માતાનું નામ કુતીયા બાબુ અને પિતાનું નામ કુત્તા બાબુ તરીકે ઉલ્લેખાયું હતું. સર કવાયત માટે ચૂંટણી પંચે માન્ય કરેલા અગિયાર દસ્તાવેજોમાં નિવાસી પ્રમાણપત્ર સામેલ છે, જ્યારે આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા મતદાર કાર્ડને માન્ય નથી કરાયું.
- ઈન્દર સાહની