દિલ્હીમાં કોંગ્રેસ - આપના સંબંધો કેમ વણસ્યા
નવીદિલ્હી: લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એક સાથે ચૂંટણી લડેલા કોંગ્રેસ અને આપ હવે અલગ થઈ ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હી કોંગ્રેસને ગ્રીન સિગ્નલ આપ્યા પછી હવે અજય માકન અને સંદીપ દીક્ષિત અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહાર કરી રહ્યા છે. અજય માકન અને સંદીપ દીક્ષિતને પહેલેથી જ આપ સામે વાંધો હતો, પરંતુ હાઇકમાન્ડની ઇચ્છા હોવાથી આપ સાથે ગઠબંધન કરવું પડયું હતું. અજય માકને તો અરવિંદ કેજરીવાલને દેશદ્રોહી જાહેર કર્યા છે તો આપના સંજય સિંહ અને આતિશી મારલેનાએ કોંગ્રેસ, ભાજપના પૈસે ચૂંટણી લડતી હોવાનું કહ્યું છે. આપના કેટલાક નેતાઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી પણ ભાજપ જ કરી રહ્યો છે. આપ - કોંગ્રેસ વચ્ચેની કટ્ટરતા વધવાનું કારણ આપે કોંગ્રેસની મતબેંક છીનવી લીધી હોવાનું મનાય છે. છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરનારાઓ જાણે છે કે જ્યાં સુધી કોંગ્રેસ આપની સાથે રહેશે ત્યાં સુધી દિલ્હીમાં એને સફળતા મળવાની નથી.
આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલે સરકારની ઓફર નકારી
પંજાબના ખનોરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજિત સિંહ દલ્લેવાલની તબિયત લથડી રહી છે. આ બાબતે સુપ્રિમ કોર્ટે પણ સરકારને આદેશ આપ્યો છે. સરકારને આદેશ આપ્યો છે કે દલ્લેવાલને યોગ્ય સારવાર મળવી જોઈએ. દલ્લેવાલના ઉપવાસના ૩૨ દિવસ પુરા થયા છે. સુપ્રિમ કોર્ટના આદેશ પછી પંજાબ સરકારની ઉચ્ચ સ્તરીય ટીમ અને ડોક્ટરો ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. જોકે દલ્લેવાલે સરકારની આ ઓફર નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેઓ નેતા બનવા માટે લડાઈ લડતા નથી, પરંતુ ખેડૂતોની આવતી પેઢીના હક્ક માટે આંદોલન કરી રહ્યા છે. દલ્લેવાલની જીદને કારણે પંજાબ સરકાર પણ મુસીબતમાં મુકાઈ ગઈ છે.
દિલ્હીના ઉપરાજ્યપાલે કોંગ્રેસની માંગણી સ્વિકારતા વિવાદ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે આમ આદમી પાર્ટીએ મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની સામે આપની સરકારના કેટલાક વિભાગોએ જ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી કોંગ્રેસે મતદારોને ખોટા પ્રલોભનો આપવા સામે આપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસે ઉપરાજ્યપાલને પણ આપ સામે પગલા લેવા કહ્યું હતું. હવે એલજીએ મહિલા સન્માન યોજના બાબતે તપાસના આદેશ આપ્યા છે. એલજીએ રાજ્યના ચીફ સેક્રેટરી અને ડિવિઝનલ કમિશનરને તપાસ કરવા માટે ઓર્ડર આપ્યા છે. પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે કે જેમણે પણ આ યોજનાની જાહેરાત કરી હોય એમની સામે કાયદાકીય પગલા લે. દિલ્હીના રાજકીય વર્તુળમાં ચર્ચાય રહ્યું છે કે કદાચ પહેલી વાર દિલ્હીના એલજીએ વિરોધપક્ષની માંગણી સ્વિકારી હશે.
પોતાનો વિડિયો જોઈને કુલ્લુના એસડીએમ ભડક્યા, કેસ દાખલ કર્યો
કુલ્લુના એસડીએમ વિકાસ શુક્લનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો વિડિયો વાયરલ થાય તો ખુશી અનુભવે છે, પરંતુ વિકાસ શુક્લ પોતાનો વિડિયો જોઈને ભડક્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વિડિયોમાં એસડીએમ પોતાના મિત્ર સાથે એક ગાડીમાં બેઠા છે અને એક યુવક સાથે દલીલબાજી કરી રહ્યા છે એવા દ્રશ્યો હતા. દલીલ કરનાર યુવક કોઈ ગાડીને ટક્કર મારવાની વાત કરી રહ્યો છે. હકીકતમાં ઘટના એવી હતી કે હીમાચલ પ્રદેશના રસોલ વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા આશરે ૨૦૦ જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એસડીએમ ગયા હતા. એ વખતે સ્થાનીક લોકોએ રસ્તો રોકીને એમની સાથે ગેરવર્તન કર્યું હતું. વિડિયો એ વખતનું હોવાનું કહેવાય છે. હવે પોલીસે વિડિયો વાયરલ કરવા માટે કેટલીક વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષોથી લોકોને ઠગતી 'લૂંટેરી દુલ્હન' ગેંગ પકડાઈ
ઉત્તર પ્રદેશમાં વર્ષોથી લોકોને ઠગનાર એક ગેંગ ઓપરેટ કરતી હતી. આ ગેંગના સભ્યો મેટ્રીમોન્યલ સાઇટ પર જુઠા પ્રોફાઇલ બનાવીને મૂકતા હતા. જે સ્ત્રી અને પુરુષો લગ્ન માટે ઉત્સુક હતા એમની સાથે ઠગાઈ કરવાનો ટાર્ગેટ આ ગેંગનો રહેતો. પહેલા તેઓ એવી સ્ત્રીઓ શોધી કાઢતા કે જેમના લગ્ન થઈ રહ્યા નહોતા. ત્યાર પછી લગ્ન માટે ઉત્સુક પુરુષોને શોધી કાઢવામાં આવતા હતા. આવા સ્ત્રી પુરુષોને મેળવવામાં આવતા હતા અને એમના લગ્ન પછી મહિલા એને મળેલા પૈસા અને દાગીના લઈને છૂમંતર થઈ જતી હતી. આ ગેંગનું નામ લૂંટેરી દુલ્હન પડયું હતું. ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે આ બાબતે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
હવે પંજાબની જેલોમાં કબુતર પણ પ્રવેશી નહીં શકે એવી સુરક્ષા
પંજાબની જેલોમાં કેદીઓ બેફામ બની રહ્યા હોવાની ફરિયાદો વધતા પંજાબ સરકારે હવે પંજાબની દરેક જેલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનું નક્કી કર્યું છે. પંજાબની જિલ્લા જેલોમાં કેદી પર નજર રાખવા માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ પણ લેવાશે. જેલના દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા રાખવામાં આવશે. નવી ટેકનિકનો ઉપયોગ કરીને એવા કેદીઓ પર ખાસ નજર રાખવામાં આવશે કે જેમણે ભૂતકાળમાં ભાગવાની કોશિષ કરી છે.
કેદીઓ મોબાઇલનો ઉપયોગ નહી કરી શકે એ માટે ઠેરઠેર જામર લગાડવામાં આવશે. ભઠીંડા જેલમાં વધુ સુરક્ષા માટે સીઆરપીએફની વધારાની કંપની પણ ગોઠવી દેવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદીઓ ફરીથી સક્રિય થઈ રહ્યા છે ત્યારે હવે પંજાબ સરકાર પણ જાગૃત થઈ છે.
જમ્મુની આરજે સિમરનની આત્મહત્યા બાબતે સોશિયલ મીડિયા પર વિવાદ
જમ્મુની રેડિયો જોકી સિમરને કરેલી આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. સિમરન ગુરૂગ્રામમાં રહેતી હતી. સિમરનના કુટુંબીઓ જમ્મુના રહેવાસી છે. સિમરનના પિતા જસવિંદર સિંહ રિટાયર્ડ કર્મચારી છે જ્યારે ભાઈ કેનેડા રહે છે. આ બાબતે સોશિયલ મીડિયામાં ઉગ્ર ચર્ચા થઈ રહી છે. સિમરનના પડોશીઓના કહેવા પ્રમાણે સિમરને થોડા દિવસો પહેલા જ પિતા માટે ફોર્ચ્યુનર કાર બુક કરાવી હતી. પડોશીઓના કહેવા પ્રમાણે સિમરન અતિ લોકપ્રિય હોવા છતાં અન્ય લોકો સાથે એનું વર્તન વિનમ્ર હતું. કારની ડીલીવરી લેવા માટે સિમરન જમ્મુ જવાની હતી. સિમરને કયા કારણસર આત્મહત્યા કરી એનું કારણ પોલીસ શોધી રહી છે.
મનમોહનના નિધન પર રાજકરણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
ભાજપના નેતાઓએ નિગમબોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પછી કથિત રાજનીતિ કરવા બાબતે કોંગ્રેસની અને ખાસ કરીને રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સ્થળ વિશે અસંતોષ વ્યક્ત કરીને તેને સિંહની વિરાસતના અપમાન તરીકે લેખાવ્યું હતું. ભાજપના સાંસદ સબિત પાત્રાએ આ આરોપોને કમનસીબ ગણાવીને કોંગ્રેસ પર શોકના દિવસે પણ વિભાજનકારી રાજકરણ કરવાનો આરોપ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની સિંહના નિધનનું રાજનીતિકરણ કરવા બદલ ટીકા કરતા જણાવ્યું કે કોંગ્રેસે કદી પણ સિંહનો તેમના જીવનકાળ દરમ્યાન આદર નહોતો કર્યો. ભાજપે કોંગ્રેસની ટીકાને તકવાદી અને અયોગ્ય ગણાવીને આવા ગંભીર અવસરોનો ઉપયોગ રાજકીય લાભ માટે ન કરવાની અપીલ કરી હતી.
ભાજપ હરિયાણામાં ૫૦ લાખ સભ્યોના લક્ષ્યાંકથી દૂર
ભાજપે હરિયાણામાં પચાસ લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા પંચાવન લાખથી વધુ મતો મળ્યા હોવાથી આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. ભાજપને અત્યાર સુધી ૩૯ લાખ સામાન્ય સભ્યો બનાવવામાં સફળતા મળી છે જે લક્ષ્યાંકના ૮૦ ટકા પણ નથી. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતના ૩૯.૯૪ ટકા મળ્યા હતા.કુલ ૨,૦૩,૫૪,૩૫૦ મતદારો પૈકી ૧,૩૮,૨૦,૬૦૩ મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી ભાજપને પંચાવન લાખથી વધુ મત મળ્યા હતા.
- ઈન્દર સાહની