Get The App

દિલ્હીની વાત : એક્ઝિટ પોલની વિશ્વસનીયતા કેટલી

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : એક્ઝિટ પોલની વિશ્વસનીયતા કેટલી 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના બીજા તબક્કાનું મતદાન પુરુ થયા પછી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા. ચોથી મેએ તમામ રાજ્યોમાં મતગણતરી થવાની છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પૂરી થતા એક્ઝિટ પોલ મારફતે ચૂંટણીના સંભવિત પરીણામો બતાવવામાં આવે છે. જોકે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા હંમેશા શંકામાં રહી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી હોય કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી હોય કે પછી ૨૦૨૫ની બિહાર - દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોય. એક્ઝિટ પોલ સાચા પુરવાર થયા નથી. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળની ચૂંટણીના એક્ઝિટ પોલમાં ટીએમસીની જીત બતાવવામાં આવી હતી જ્યારે ભાજપ જોરદાર ટક્કર આપશે એવી આગાહી હતી. જોકે ભાજપનો દેખાવ પોલમાં જણાવ્યા પ્રમાણેનો રહ્યો નહોતો. એજ રીતે ૨૦૨૧માં આસામ વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં એનડીએની જીત બતાવવામાં આવી હતી એના કરતા વધુ માર્જીનથી એનડીએ જીત્યું હતું.

રાજેન્દ્ર ગુપ્તા પાછા આવશે, પંજાબના મંત્રીને ખાતરી

આમ આદમી પાર્ટીના ૭ રાજ્યસભા સાંસદો ભાજપ સાથે જોડાઈ ગયા હતા જેમાંથી ૬ સાંસદ પંજાબના અને ૧ દિલ્હીના છે. હવે પંજાબના વિજળી મંત્રી સંજીવ અરોરાએ એવો દાવો કર્યો છે કે ભાજપમાં ગયેલા સાંસદ રાજેન્દ્ર ગુપ્તા ફરીથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જશે. એમના કહેવા પ્રમાણે ૬૮ મહિનાથી રાઘવ ચઢ્ઢા સાથે એમની વાતચીત થઈ નથી. સંજીવ અરોરાના રહેઠાણએ ઇડીએ રેડ કરી હતી. આ બાબતે અરોરાએ કહ્યું હતું કે, હું ડરતો નથી અને ઇડીની કાર્યવાહી પછી મે કહ્યુ હતું કે હું ઇડીને પુરો સહકાર આપીશ. હું પક્ષ છોડીને કસે જવાનો નથી. અરોરાની વાત પરથી એવું લાગે છે કે અરોરા રાજેન્દ્ર ગુપ્તાના સંપર્કમાં છે. રાજેન્દ્ર ગુપ્તા ફરીથી અને કયારે આમ આદમી પાર્ટીમાં જોડાશે એ વિશે અરોરાએ કોઈ ફોડ પાડયો નથી. પરંતુ કોઈપણ કારણસર રાજેન્દ્ર ગુપ્તા ભાજપથી ખુશ નહીં હોય તો ફરીથી આમ આદમી પાર્ટી એમને સ્વિકારે કે નહીં એ પણ જોવું રહ્યું.

પેટ્રોલ - ડિઝલ કાર ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એવું કહ્યું છે કે પેટ્રોલ અને ડિઝલથી ચાલતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એમના કહેવા પ્રમાણે આ મોટરો હંમેશા રહેશે નહીં. ઓટો ઇન્ડસ્ટ્રીએ ચોખ્ખા ઇધણ અને વધુ સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળવું જોઈએ. ગડકરીના કહેવા પ્રમાણે ભવિષ્યમાં ઇલેક્ટ્રીક મોટરો, બાયોફ્યુલ, સીએનજી, એલએનજી અને હાઇડ્રોજન જેવા ઇધણની ડિમાન્ડ વધુ રહેશે.  નિતિન ગડકરી કેન્દ્રીય મંત્રી છે, પરંતુ તેઓ વારંવાર એવા નિર્ણયો લે છે કે જેનાથી હજારો કરોડ રૂપિયાનો ફેર પડી શકે. ભૂતકાળમાં પણ એમણે નિવેદન કર્યું છે કે હવે ડિઝલથી ચાલતી ગાડીઓ બંધ કરવામાં આવશે. ગડકરીના ટીકાકારો કહે છે કે, ગડકરીના આવા નિવેદનોને કારણે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર પડી શકે છે.

નફરત ફેલાવતા ભાષણો માટે હમણાના કાયદા પર્યાપ્ત

સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે નફરત ફેલાવનાર ભાષણો ને પહોંચી વળવા માટે હમણાના કાયદા પર્યાપ્ત છે જેને કારણે એ બાબતે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે, ગુનો નક્કી કરવો અને સજાનો નિર્ણય લેવો એ સંપૂર્ણ રીતે કાયદાકીય અધિકાર ક્ષેત્રમાં આવી જાય છે. જસ્ટીસ વિક્રમનાથએ ચૂકાદો આપતા કહ્યું હતું કે, બંધારણ પ્રમાણે કોર્ટ કાયદો બનાવી શકે નહીં અને ગુનાની વ્યાખ્યા પણ પોતાના આધારે નક્કી કરી શકે નહીં. અરજીમાં જણાવવામાં આવેલી ફરજ પ્રમાણે ચુકાદો આપવા બેન્ચે ઇન્કાર કરી દીધો હતો. બેન્ચે કહ્યું હતું કે, બદલાતી જતી સામાજીક વ્યવસ્થાને જોતા નવો કાયદો બનાવવો કે જૂના કાયદામાં ફેરફાર કરવો એ સરકાર અને કાયદા વિભાગનું કામ છે.

રાઘવ ચઢ્ઢાના ટીકાકારોએ તમામ મર્યાદા વટાવી

સાંસદ રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા ત્યાર પછી સતત સમાચારમાં રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓને એમના માટે અણગમો હોય એ સમજી શકાય છે. આપના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને રાઘવ ચઢ્ઢાની ઝાટકણી કાઢી હતી. કેટલાકે એમના વિશે 'ગદ્દાર' જેવા શબ્દો પણ વાપર્યા હતા. હવે ચઢ્ઢાના કેટલાક વિરોધીઓ એના લગ્ન જીવનને પણ વચ્ચે લાવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાએ ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજએ ચઢ્ઢાના અંગત જીવન વિશે ટીપ્પણી કરી છે. એમણે કહ્યું છે કે રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતી ચોપરાએ એટલા માટે લગ્ન કર્યા હતા કે આમ આદમી પાર્ટીએ એમને રાજ્ય સભાના સભ્ય બનાવ્યા હતા. જો આપ એમને સાંસદ નહીં બનાવતે તો એમને કોઈ ભાવ આપે એવું નહોતું.

ટીડીપીમાં મોટો બદલાવ

આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ પક્ષમાં મોટો ફેરફાર કર્યો છે. ટીડીપીએ નવી કાર્યકારણી સમીતીઓ બનાવી છે. પક્ષપ્રમુખ અને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ નિર્ણય લીધો છે. ચંદ્રાબાબુએ એમના પુત્ર અને આઇટી મંત્રી નારા લોકેશને પક્ષના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. સંગઠન મજબૂત કરવા માટેની જવાબદારી એમને આપવામાં આવી છે. નાયડુના કહેવા પ્રમાણે નવી સમીતીઓમાં અનુભવી અને નવા ચહેરાઓ વચ્ચે સમતોલન રાખવામાં આવ્યું છે. જમીની સ્તર પર કામ કરતા કાર્યકરોને પણ ઊંચા હોદ્દા આપવામાં આવ્યા છે જેને કારણે નીચેથી જ સંગઠનને મજબૂત કરી શકાય. ચંદ્રાબાબુ નાયડુ માને કે છે કેડર જ નેતા છે. સિનિયર નેતાઓને માન મળે તેમજ નવા લોકોને પણ અન્યાય નહીં થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ૪૪ વર્ષ જૂના પક્ષમાં પ્રાણ ફૂકવા માટે આ પગલું લેવાયુ છે.

કેરળમાં પાવર કટની સમસ્યાથી લોકો પરેશાન

છેલ્લા કેટલાક સમયથી કેરળમાં વીજળી ડુલ થવાની સમસ્યા વકરી રહી છે. વીજળીના અઘોષીત કાપને કારણે સરકારનો વિરોધ થઈ રહ્યો છે. ત્રાસી ગયેલા લોકોએ કેએસઇબીની સ્થાનિક ઓફિસો સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. ત્રિશુર જિલ્લામાં લાંબા સમય સુધી વીજળી નહીં આવતા અરધી રાત્રે લોકોના ટોળા કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ (કેએસઇબી)ના કુંદનુર ડીવીઝન પર ધસી ગયા હતા. વીજળી બોર્ડના કર્મચારીઓને ઓફિસમાં જતા પણ રોકવામાં આવ્યા હતા. સરકારનું કહેવું છે કે એક પ્રમુખ ફીડર લાઇનમાં ગરબડ થવાને કારણે વીજળી કાપ કરવામાં આવ્યો છે. કોઝીકોડથી પણ આ જ પ્રકારના દેખાવોના સમાચાર આવી રહ્યા છે. કેએસઇબીના કર્મચારીઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. ભારે ગરમી વચ્ચે થતા વીજળી કાપને કારણે લોકો ત્રાહીમામ છે.