Get The App

દિલ્હીની વાત : જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચાલુ રહેશે

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચાલુ રહેશે 1 - image

નવીદિલ્હી : છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી જેપી નડ્ડાને બદલે નવી નિમણૂક થવાની વાત ચાલી રહી છે. નાગપુર ખાતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા ત્યારે પણ એવી ચર્ચા થઈ હતી કે ભાજપ પ્રમુખનું નામ નક્કી કરવા માટે બંને એ મુલાકાત કરી હતી. જોકે હવે ફરીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક લંબાઈ ગઈ છે. એમ મનાય છે કે, પહેલગામ આતંકવાદી હુમલાને કારણે ભાજપ હમણા નવા પ્રમુખની નિમણૂક કરવા માંગતો નથી. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જેપી નડ્ડાને બદલવામાં નહીં આવે એવી વાત રાજકીય નીરિક્ષકો કરી રહ્યા છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે ભાજપ પોતાનું સંપૂર્ણ ધ્યાન પહેલગામ હુમલા પર આપવા માંગે છે.

'દોસ્તો હું મરવા માંગુ છું, મને હવે આરામ કરવો છે : માર્કંડેય કાટજુ'

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાટજુએ કહ્યું છે કે, તેઓ હવે મરવા માંગે છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા કાટજુએ આ વાત સોશ્યલ મીડિયા એક્સ પર લખી છે. એમણે લખ્યું છે કે, મે મારા દેશ માટે ફરજ નિભાવી છે અને હવે મને આરામની જરૂર છે. સોશ્યલ મીડિયા પર કાટજુ એમના ટીકાકારોને વળતા જવાબ આપવા માટે ખ્યાતનામ છે. લોકો માની રહ્યા છે કે કાટજુએ આ પોસ્ટ મજાકમાં લખી હશે. ભૂતકાળમાં પણ કાટજુએ કેટલીક પોસ્ટ મજાકમાં લખી હતી. કાટજુ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એક વખત એમણે કહ્યું હતું કે ૯૦ ટકા ભારતીઓ બેવકુફ છે.

'મારા પતિને શહીદનો દરજ્જો આપો, મને જીવવાનો ઉદ્દેશ મળશે'

પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર કાનપુરના સુભમ દ્વીવેદીના પત્ની આશનિયાએ એવી માંગણી કરી છે કે એમના પતિને શહીદનો દરજ્જો આપવામાં આવે. એમણે કહ્યું હતું કે, 'મારા પતિએ ગર્વથી પોતાને હિન્દુ તરીકે ઓળખાવીને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. મને સરકાર પાસેથી બીજુ કંઈ જોઈતું નથી. બસ, સુભમને શહીદનો દરજ્જો આપવામાં આવે. જો સરકાર મારી માંગણી સ્વીકારશે તો મને જીવવાનો ઉદ્દેશ મળી જશે. આતંકવાદીઓએ જ્યારે અમને પૂછયું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ ત્યારે મારા પતિએ હિંમતથી કહ્યું હતું કે અમે હિન્દુ છીએ. આ સાંભળીને આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી હતી. આતંકવાદીઓનું ધ્યાન અમારા તરફ હતુ એટલે બીજી ઘણી વ્યક્તિઓને ભાગવાનો મોકો મળી ગયો હતો.'

રેલીમાં સિદ્ધારમૈયાએ એએસપીને થપ્પડ મારવા હાથ ઉગામ્યો

કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા એમના ગુસ્સા માટે જાણીતા છે. બેલગામની એક રેલીમાં એમણે જાહેરમાં ગુસ્સાનું પ્રદર્શન કર્યું હતું. રેલીને સંબોધન કરવા માટે સિધ્ધારમૈયા પહોંચ્યા અને મંચ પર હાજર એક પોલીસ અધિકારીને થપ્પડ મારવાનો ઇશારો કર્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ ખૂબ વાયરલ થયો છે. સિધ્ધારમૈયાએ જેવો હાથ ઉચો કર્યો કે પોલીસ અધિકારી પાછળ હટી ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોગ્રેસની રેલી દરમિયાન સિધ્ધારમૈયાને કેટલાક લોકોએ કાળા ઝંડા બતાવ્યા હતા. આને કારણે સિધ્ધારમૈયાનું મગજ છટક્યુ હતું. તેઓ મંચ પર ચઢતી વખતે બોલતા હતા કે વિરોધીઓને કાળા ઝંડા સાથે કોણે આવવા દીધા. એમણે મોટા અવાજે કહ્યું હતું કે, અહીં આવો, એસપી કોણ છે? તમે લોકો શું કરતા હતા? ઘારવાડના એડિશ્નલ એસપી નારાયણ બરમની સિધ્ધારમૈયાની સામે હોવાથી એમણે ગુસ્સાનો ભોગ બનવું પડયું હતું.

પહેલગામ હુમલા પછી ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ બકવાસ કર્યો

અમેરિકાસ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ સાથે સાંઠગાંઠ હોવાનું મનાય છે. થોડા સમય પહેલા ભારતીય શૂટરના ડરને કારણે પન્નુ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. હવે પહેલગામ હુમલા પછી પન્નુએ ડંફાસ મારી છે કે એનો ટેકો પાકિસ્તાનને છે. એ કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન પર ભારતને હુમલો કરવા દેશે નહીં. ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. જીઓ ટીવીના કહેવા પ્રમાણે પન્નુએ એવું કહ્યું છે કે, 'અમે ભારતની સેનાને પંજાબમાંથી પસાર થવા દઈશું નહીં. ભારતની સેના પાકિસ્તાન પર હુમલો કરી શકશે નહીં. અમે બે કરોડ શીખો પાકિસ્તાન સાથે ચટ્ટાનની જેમ ઉભા છીએ.'

દિલ્હીમાં ખાનગી શાળાઓ આડેધડ ફી વસૂલી નહીં શકે

દિલ્હીમાં અત્યાર સુધી ખાનગી શાળાઓ માટે ફીના કોઈ નિયત ધારાધોરણ ન હતા. અરવિંદ કેજરીવાલની સરકારે નોટિફિકેશન બહાર પાડીને ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યા હતા એ પ્રમાણે ફીનું ધોરણ ચાલતું હતું. હવે ભાજપની સરકારે સ્કૂલ ફી એક્ટ લાગુ પાડયો હોવાથી ખાનગી શાળાઓ નિયત ફી વસૂલી શકશે. હજુ આ બિલ પસાર થયું છે અને કેબિનેટે મંજૂરી આપી છે, પરંતુ ઘણી સ્પષ્ટતા થઈ નથી. ૧૦ સભ્યોની સમિતિ બનાવીને આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે. આ સમિતિ રિપોર્ટ આપશે તેના આધારે ફી નક્કી થશે.

બિહારમાં એકેય ગઠબંધન હવે નવી પાર્ટીઓને જોડશે નહીં

બિહારમાં મહાગઠબંધન અને એનડીએ ગઠબંધનનો મુકાબલો થશે. ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારી શરૂ થઈ ગઈ છે. હવે બંને ગઠબંધનમાં મુશ્કેલી એ છે કે નવા પક્ષોને જોડવાની જગ્યા રહી નથી. મહાગઠબંધનમાં સાત પક્ષો છે. એનડીએમાં પાંચ પાર્ટીઓ છે. હજુ નાની-નાની પાર્ટીઓને એક નહીં તો બીજા ગઠબંધનનો હિસ્સો બનવું છે, પરંતુ એ માટે બંને ગઠબંધને ઉત્સાહ બતાવવાનું બંધ કર્યું છે. કારણ કે હવે જો નવી પાર્ટીઓને જોડે તો સીટ શેરિંગની ફોર્મુલા વધુ જટિલ બની જાય. અત્યારે જ બધી પાર્ટીઓની ડિમાન્ડ પ્રમાણે બેઠકો ફાળવવાનું અઘરું બન્યું છે, એમાં જો નવા પક્ષોને જોડવામાં આવે તો વધારે મુશ્કેલી થાય. નીતિશ કુમારે તો ભાજપને કહેડાવી દીધું છે કે તમે કોઈ પાર્ટીને જોડવા માગતા હોય તો તમારી બેઠકોમાંથી હિસ્સો આપજો. જેડીયુ એક હદથી વધારે બેઠકો સહયોગીઓ માટે આપવા તૈયાર નથી.

યુપીમાં સંપત્તિની વહેચણી અને વેચાણમાં નવો ટેક્સ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિર્દેશ આપ્યો છે એ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સંપત્તિની વહેચણી થાય કે પછી વેચાણ થાય, એ બધામાં એક સરખો શુલ્ક લગાડવામાં આવશે. અત્યારે નગરપાલિકાઓ જુદી જુદી રીતે ટેક્સ લે છે. ગ્રામ પંચાયતોમાં સોદો થાય તો મામલતદાર કચેરી એની રીતે ટેક્સ વસૂલે છે. આ વ્યવસ્થાને યોગી સમાન રીતે લાગુ પાડવા માગે છે. અત્યારે યુપીમાં શહેર પ્રમાણે ભારે વિસંગતતા છે. જેમકે, ગાઝિયાબાદમાં સંપત્તિ બીજાના નામે ચઢાવવી હોય તો ૫૦૦૦ રૂપિયાનો ચાર્જ લાગે છે. તો વળી, પ્રયાગરાજમાં આ ભાવ ૨૦૦૦ રૂપિયા છે. એક સિસ્ટમ લાગુ પાડવાથી સરકારી તિજોરીને વર્ષે અબજોનો ફાયદો થશે એવી ધારણા છે.

દિઘામાં નવનિર્મિત જગન્નાથ મંદિરમાં મમતાની હાજરીમાં મહાયજ્ઞા 

૧૨મી સદીમાં જગન્નાથ પુરીમાં બનેલા જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ જેવું જ મંદિર પશ્વિમ બંગાળના દીઘામાં ૨૪ એકર જમીનમાં બન્યું છે. એને જગન્નાથધામ  નામથી ઓળખવામાં આવશે. અખાત્રીજે જ આ મંદિરમાં મહાયજ્ઞા થવાનો છે. મંદિરમાં કેટલાય અનુષ્ઠાનો થશે. એ સમય દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહેવાના છે. તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દિઘા પશ્વિમ બંગાળમાં સમૃદ્ર કાંઠે આવેલું શહેર છે. પર્યટન માટે જાણીતું છે. હજારો પર્યટકો આ સ્થળે દરિયાકાંઠે ફરવા આવે છે. તે કારણે પશ્વિમ બંગાળની સરકારે દિઘામાં જગન્નાથ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. દિઘા જગન્નાથ પુરીથી લગભગ ૩૫૦ કિલોમીટરના અંતરે છે. 

સાંસદો, ધારાસભ્યોને સલામ કરો : એમપી ડીજીપીનો પોલીસને આદેશ

મધ્યપ્રદેશના ડીજીપી કૈલાશ મકવાણાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે જાહેર કાર્યક્રમોમાં હાજર સાંસદો અને ધારાસભ્યોને સલામી આપો. આ એક પ્રકારનો શિષ્ટાચાર છે. અત્યાર સુધી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મંત્રીઓને જ સલામી આપતા હતા. એટલું જ નહીં, ડીજીપીના આ નવા સર્ક્યુલરમાં કહેવાયું કે તેમનો ફોન આવે તો તુરંત રીસિવ કરો. સાંસદો-ધારાસભ્યો જનપ્રતિનિધિ હોવાથી તેમને પ્રાથમિકતા આપો. આ સર્ક્યુલર પછી વિવાદ પણ ખડો થયો છે. એક તરફ પોલીસ અધિકારીઓમાં જ આનો વિરોધ ઉઠયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈચ્છતા નથી કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નેતાઓને સલામી આપવામાં આવે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બંને પાર્ટીના નેતાઓએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે આ યોગ્ય નથી. મંત્રીઓને સેલ્યુટ કરવા સુધી વાત બરાબર છે.

- ઈન્દર સાહની