નવીદિલ્હી: સતત ચૂંટણીમાં હારી રહેલી કોંગ્રેસએ સત્તામાં પરત ફરવા માટે હવે એક ખૂબ જ ખાનગી, આક્રમક અને ચોંકાવનારી રણનીતિનો પ્લાન તૈયાર કર્યો છે. પક્ષના ઉચ્ચ હોદ્દેદારોના કહેવા પ્રમાણે કોંગ્રેસ હવે ભાજપને એમના જ મેદાન પર એમની જ રીતે એટલે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર લડી લેવા તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટી ગંગોત્રીથી ગંગા સાગર સુધી વહેનાર દેશની જીવનરૂપી ગંગા અને તિરંગાને પોતાનું નવું હથિયાર બનાવશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા કોંગ્રેસ આરએસએસની જેમ ગુરુદક્ષિણા મોડેલ પણ અપનાવશે. આને લીધે ર્કોર્પોરેટ્સ અને મોટા દાનોને સરકારી એજન્સીઓના રડારથી બચાવી શકાય. ફંડ ભેગુ કરવા માટે કોંગ્રેસના રણનીતિકારોએ એક ખાસ ફોર્મ્યુલા બનાવી છે. આ ફોર્મ્યુલાને તિરંગા સન્માન નીધિ નામ આપવામાં આવ્યું છે.
કર્ણાટકમાં સત્તાની ખેંચતાણ ત્રણ દિવસમાં કઈ રીતે સમાપ્ત થઈ
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે છેલ્લા ત્રણ વર્ષથી ખેંચતાણ ચાલતી હતી. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે હટાવીને ઉપમુખ્યમંત્રી ડી કે શીવકુમાર પોતે મુખ્યમંત્રી બનવા માંગતા હતા. ૨૦૨૩ના મે મહિનામાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. એ વખતે પક્ષના બે સિનિયર નેતાઓ સિદ્ધારમૈયા અને ડી કે શીવકુમાર મુખ્યમંત્રીપદની રેસમાં હતા. કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયાના અનુભવ પર ભરોસો મુકીને એમને સીએમ બનાવ્યા હતા. એ વખતે બંને નેતાઓ અઢી - અઢી વર્ષ મુખ્યમંત્રી બનવાની વાત હતી. જોકે અઢી વર્ષ પૂરા થયા પછી પણ સિદ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નહોતા. વાત ખૂબ આગળ વધી ત્યારે રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવી સમજાવ્યા હતા. જો સિદ્ધારમૈયા માનતે નહીં તો એમની હાલત પણ અશોક ગેહલોત જેવી થતે. રાજસ્થાનમાં ખેંચતાણ થયા પછી અશોક ગેહલોતે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો એટલે આજે તેઓ હાઇકમાન્ડની નજરમાંથી ઉતરી ગયા છે. સિદ્ધારમૈયાએ સમાધાન કરી લઈને રાજ્યસભાના સભ્ય બનવાનું પસંદ કર્યું છે.
મમતાના પક્ષમાં આંતરીક ઝઘડો વકર્યો
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કાકોલી ઘોષ દ્વારા એમના પર મુકવામાં આવેલા આરોપોની પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું હતું કે, સંસદમાં બનતી કોઈપણ ઘટનાની જાણકારી તરત સ્પિકરને આપવી જોઈએ. નિયમ પ્રમાણે સંસદની અંદર કોઈ ઘટના બને છે તો મોડુ કર્યા વગર સ્પિકરના ધ્યાનમાં લાવવું જરૂરી છે. મૂળ મુદ્દો એ છે કે, કોણે શું કહ્યું અને ક્યારે કહ્યું. મારા પર આરોપ મૂકનારાઓના મનમાં કંઈક બીજુ જ છે. પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા પછી તૃણમુલ કોંગ્રેસમાં આંતરીક ઝઘડો ચરમ સીમાએ છે. ટીએમસી નેતા કાકોલી ઘોષ દસકીદારએ લોકસભા સ્પિકર ઓમ બીરલાને પત્ર લખીને પક્ષના સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી માંગી છે. કાકોલી ઘોષએ આરોપ મૂક્યો છે કે કલ્યાણજી બેનર્જીએ લોકસભામાં એમની સાથે દુરવ્યવહાર કર્યો હતો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
વરિષ્ઠ વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટ જજ
સુપ્રિમ કાર્ર્ટ કોલેજિયમએ સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને પાંચ નામોની ભલામણ કરી છે. કોલેજિયમએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શીલ નાગુ, બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ સચદેવા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરૂણ પલ્લીના નામોની ભલામણ કરી છે. આ સાથે જ વરિષ્ઠ એડવોકેટ વી મોહનાના નામની પણ ભલામણ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર આ ભલામણોને મંજૂરી આપે તો વી મોહના બારમાંથી સીધા સુપ્રિમ કોર્ટ પહોંચનાર ૧૧મી વ્યક્તિ બનશે. રીટાયર્ડ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા પછી આ પદ મેળવનાર તેઓ બીજી મહિલા હશે. વી મોહના સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરે છે અને ભારતીય સેનાની મહિલા અધિકારીઓ માટેના કમિશન સાથે જોડાયેલા છે.
ભાજપએ રાજ્યના પ્રમુખો બદલ્યા
ભાજપએ સંગઠન લેવલ પર મોટા ફેરફાર કર્યા છે. ભાજપે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરાના પ્રદેશ પ્રમુખો બદલ્યા છે. દિલ્હીની જવાબદારી ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાને આપવામાં આવી છે. પંજાબ ભાજપ પ્રદેશના પ્રમુખ તરીકે કેવલ સિંહ ઢીલ્લો, હરિયાણા પ્રદેશ પ્રમુખ તરીકે અર્ચના ગુપ્તા અને ત્રિપુરા પ્રદેશ પ્રમુખ તરીકે અભિષેક દેબરોય કામ કરશે. હર્ષ મલ્હોત્રા કેન્દ્રીય મંત્રીમંડળમાં છે અને તેઓ માર્ગ વાહન વ્યવહારના રાજ્યમંત્રી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પછી ભાજપ હાઇકમાન્ડે ડો. અર્ચના ગુપ્તાને હરિયાણા ભાજપના પ્રમુખ બનાવ્યા છે. મોહનલાલ બદોલીને બદલવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી. હરિયાણા ભાજપના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
નાણાકીય ગુનાઓને નાથવા માટે ઇડીનો વ્યાપ વધારાયો
કેન્દ્ર સરકારે ઇડીના પુનર્ગઠનને મંજૂરી આપી દીધી છે. ઇડીના કેડરની સંખ્યા વધારવામાં આવશે. નાણામંત્રાલયે વ્યાપ વધારવાને મંજૂરી આપી દીધી છે. ઇડીના સંચાલન અને વહીવટને મજબૂત કરવા આ પગલું લેવામાં આવ્યું છે. હમણાના એડિશનલ ડિરેક્ટરોની સંખ્યા ૧૦ થી વધારીને ૨૪ કરવામાં આવી છે જ્યારે જોઇન્ટ ડિરેક્ટરોની સંખ્યા ૨૮ થી વધારીને ૪૯ કરવામાં આવી છે. ડેપ્યુટી ડિરેક્ટરોની સંખ્યા ૧૪૮ થી વધારીને ૨૬૬ થશે, જ્યારે આસીસ્ટન્ટ ડિરેક્ટરોની સંખ્યા ૨૫૫ માંથી વધારીને ૫૩૧ કરવામાં આવી છે. કાયદાકીય કેડરમાં એડિશનલ ડિરેક્ટરની સંખ્યા ૧ થી વધારીને ૭ કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ઇડીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની સંખ્યા વધારવામાં આવશે.


