નવીદિલ્હી : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર એશિયા - પ્રશાંત ક્ષેત્રની અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. જો આ સંકટ લાંબું ચાલે તો ૨૦૨૬ - ૨૦૨૭ દરમિયાન ક્ષેત્રના આર્થિકવૃદ્ધિ દરમાં ૧.૩ ટકા ઘટ આવી શકે છે. જ્યારે મોંઘવારી ૩.૨ ટકા વધી શકે છે. યુદ્ધને કારણે ઓઈલના ભાવમાં વધારો, હેરફેરમાં ઘટાડો, ખુલ્લા વેપારમાં અવરોધ અને બીજી નકારાત્મક બાબતે સામે આવી રહી છે. રેટીંગ એજન્સીઓના અહેવાલ અનુસાર એશિયાના દેશોનો પશ્ચિમ સાથે સીધો વેપાર ભલે ઓછો હોય, પરંતુ ઓઇલ અને બીજા ઉર્જાના સાધનો પર આધાર રાખવો પડતો હોવાથી એમના પર અસર થઈ શકે. રેટીંગ એજન્સીઓએ ખાસ કરીને હોર્મૂઝ ખાડીનો ઉલ્લેખ કર્યો છે. જ્યાંથી દુનિયાના લગભગ ૨૦ ટકા તેલ અને ગેસનો સપ્લાય પ્રસાર થાય છે.
મમતા બેનર્જીએ સીઆરપીએફને આપેલી ધમકીના વીડિયોથી બબાલ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહી ગયો છે. ટીએમસી અને ભાજપ વચ્ચે આક્ષેપો - પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. કેટલીક બાબતોએ મમતા બેનર્જીની મુશ્કેલી વધારી છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી એક રીપોર્ટ મંગાવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કર્મચારીઓને ધમકી આપતા હોય એવા વીડિયો બાબતે અહેવાલ મંગાવવામાં આવ્યો છે. ચૂંટણી કમિશનને મળેલા અને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મમતા તમામ મહિલાઓને મતદાન કેન્દ્રો પર રહેવાની અપીલ કરે છે. વીડિયોમાં તેઓ કહે છે કે, તમામ મહિલાઓ અને યુવતીઓ મતદાન કેન્દ્ર પર રહે અને જરૂર પડે તો પરિસ્થિતિને પહોંચી વળવા રસોઇના સાધનોનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણી કમિશન આ વીડિયોની ચકાસણી કરી રહ્યું છે.
તામિલનાડુ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી બાબતે બબાલ
કોંગ્રેસ સાંસદ એસ જ્યોતિમણિએ તામિલનાડુમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ડીએમકે સાથેના ગઠબંધનમાં બેઠકની વહેંચણી બાબતે આરોપ મૂક્યો છે. એમના કહેવા પ્રમાણે ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં પારદર્શીતા રાખવામાં આવી નથી. પક્ષનું હીત કોરાણે મૂકવામાં આવ્યું છે. જ્યોતિમણિએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું હતું કે, મારી સલાહ છે કે, ઉમેદવારની પસંદગી વિસ્તૃત ચર્ચા કરીને થવી જોઈએ. આ માટે જવાબદાર પદાધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. ગઠબંધનમાં કોંગ્રેસને કુલ ૨૮ બેઠકો આપવામાં આવી છે. કોંગ્રેસના સાંસદનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તામિલનાડુની મુખ્ય બે પાર્ટીઓ ડીએમકે અને એઆઇએડીએમકે આવનારી ચૂંટણીની રણનીતિને છેલ્લો ઓપ આપી રહી હોય. તામિલનાડુનો તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) જેવો નવો પક્ષ પણ કાઠુ કાઢી રહ્યો છે.
ગોવાના અગ્નીકાંડ મામલે લૂથરા ભાઈઓને ફટકો
ગોવાના બહુ ચર્ચાયેલા નાઇટ કલબ અગ્નીકાંડ ઘટના બાબતે નવો વળાંક આવ્યો છે. કોર્ટે કલબના માલિક સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરાની જામીન અરજી ફગાવી દીધી છે. આ ચૂકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કેસમાં બોગસ દસ્તાવેજોને આધારે લાયસન્સ મેળવવાનો આરોપ લાગ્યો છે. ૨૦૨૫ની છઠ્ઠી ડિસેમ્બરે લાગેલી આગમાં ૨૫ લોકોના મૃત્યુ થયા હતા અને ૫૦થી વધુ ઘાયલ થયા હતા. ગોવાના માપુસાની વધારાની કોર્ટે બંને ભાઈઓની અરજી ફગાવી દીધી છે. બંને આરોપીઓ ઉત્તર ગોવાની કોલવાલે સેન્ટ્રલ જેલમાં કેદ છે. આગ લાગ્યા પછી બંને ભાઈઓ થાઇલેન્ડ ભાગી ગયા હતા. જોકે ૧૭મી ડિસેમ્બરે એમને ત્યાંથી ડિપોર્ટ કરીને ભારત પરત લાવવામાં આવ્યા હતા. માપુસા પોલીસે લૂથરા ભાઈઓ સામે બનાવટી દસ્તાવેજો બનાવવાનો કેસ દાખલ કર્યો છે.
આઇપીએલ ટિકિટ બાબતે તેજસ્વી સૂર્યાએ 'વીઆઇપી સંસ્કૃતિ'ની ટીકા કરી
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને બેંગ્લુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા સારા વક્તા તરીકે જાણીતા છે. એમણે એક રાજકીય વર્ગ પર શાબ્દિક હુમલો કર્યો છે. કર્ણાટકના કેટલાક ધારાસભ્યો આઇપીએલની ટિકિટની જે રીતે માંગણી કરી રહ્યા છે એમને માટે તેજસ્વી સૂર્યાએ 'વીઆઇપી સંસ્કૃતિ' શબ્દ વાપર્યો છે. સોશ્યલ મીડિયા પર સૂર્યાએ કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (કેએસસીએ)ના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદને ટેકો જાહેર કર્યો છે. એમણે સોશ્યલ મીડિયા પર એક ફોટોગ્રાફ પણ મૂક્યો હતો જેમાં વેંકટેશ પ્રસાદ હાથ જોડીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ઉભેલા દેખાય છે. સૂર્યાના કહેવા પ્રમાણે આ તસવીર આપણા રાજકીય સંસ્કૃતિની અધોગતિ દર્શાવે છે. એમણે લખ્યું છે કે આ તસવીર એક હજાર શબ્દો કરતા પણ વધુ કહી જાય છે. કઈ રીતે પ્રસાદ જેવા એક રાષ્ટ્રીય નાયકે મુખ્યમંત્રી સામે હાથ જોડીને ઉભા રહેવું પડે છે.
મમતાના વિમાનને ઉતરવાની પરવાનગી ન મળી, પાયલોટે જીવ બચાવ્યા
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમના ચાટર્ડ વિમાનના પાયલોટના ખુબ વખાણ કર્યા છે. ખરાબ હવામાનને કારણે એમના વિમાનને કોલકત્તા એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી નહોતી. ત્યાર પછી આકાશમાં એમનું વિમાન એક કલાકથી વધુ સમય સુધી ઉડતું રહ્યું હતું. મમતાના કહેવા પ્રમાણે પાયલોટ ખુબ હોશિયાર હતો અને એમના કારણે એમનો જીવ બચ્યો. ચૂંટણી રેલીમાં ભાગ લીધા પછી અંડાલથી કોલકત્તા આવતી વખતે પવનની આંધી, વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે મુખ્યમંત્રીનું ચાટર્ડ વિમાન સમયસર ઉતરી શક્યું નહોતું. જ્યારે હવામાનમાં સુધારો થયો ત્યારે કોલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાન મથકે વિમાન ઉતર્યું હતું. આ ઘટનાને કારણે મમતાના બીજા દિવસના કેટલાક કાર્યક્રમો રદ થયા હતા.
આસામમા ભાજપને હરાવવા છ પક્ષો ભેગા થયા
આસામમાં છેલ્લી ઘડીએ ભાજપ વિરુદ્ધના વિરોધપક્ષો એક થયા છે. આ ગઠબંધન કેટલું સફળ થશે એ તો સમય જ કહેશે, પરંતુ વિરોધીઓના એક થવાથી આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા ચિંતીત થઈ ગયા છે. આસામમાં ભાજપ ત્રીજી વખત સત્તા પર આવવાની કોશિષ કરે છે. છ પક્ષોનું મહાગઠબંધન શક્તિશાળી ગણાય છે. ખાસ કરીને આસામના ઉપરના ભાગમાં એહોમ જ્ઞાતિની વસ્તિ, ચાના બગીચામાં કામ કરનાર શ્રમીકો સાથે મળીને વધુ છે. મહાગઠબંધનના ત્રણ મુખ્ય નેતાઓ - કોંગ્રેસના ગૌરવ ગોગોઇ, રાજોર ડોલના અખિલ ગોગોઇ અને આસામ જાતીય પરિષદ (એજેપી)ના લ્યુરીન જ્યોતિ ગોગોઇ આ તમામ એહોમ જ્ઞાતિના છે. ડિલિમિટેશન પછી જે નવા સમીકરણો રચાયા છે એને કારણે એહોમ મતદારો ૪૫ મત વિસ્તારોમાં વિભાજીત થયા છે. બે મહિના પહેલા આસામમાં ભાજપની જીત આસાન ગણાતી હતી, પરંતુ હવે રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે આસામ જીતવું ભાજપ માટે આસાન નહીં હોય. જોકે ભાજપે પણ કેટલાક નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. આ નાના પક્ષો સ્થાનિક સ્તરે સાદો દેખાવ કરી શકે એમ છે.


