નવી દિલ્હી : ગુજરાત સરકારના વગર વિચાર્યે આપેલા હુકમનું પાલન કરવા જતા ગુજરાત પોલીસનો ભવાડો થયો છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી એક કાર્યક્રમ માટે ગુજરાત આવ્યા હતા. એ વખતે એમણે એક કવિતા ગાઈ હતી. ગુજરાત સરકારના કેટલાક નેતાઓને એવું લાગ્યું કે ઇમરાન પ્રતાપગઢીએ કોમવાદી કવિતા ગાઈ છે. સરકારનું માનીને પોલીસે તરત જ પ્રતાપગઢી સામે એફઆઇઆર દાખલ કરી દીધી. હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને મોટો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર છે. બંધારણ અને બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલા આદર્શોનું પાલન યોગ્ય રીતે થાય એ જોવાની ફરજ કોર્ટની છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, કવિતા, નાટક, ફિલ્મ, વ્યંગ, કળા સહિતના સાહિત્ય મનુષ્ય જીવનને વધુ આનંદીત બનાવે છે.
કામરા મુદ્દે કોર્ટનું આ વલણ રહેશે તો શિંદેની નાલેશી થવાના અણસાર
કૃણાલ કામરાને મદ્રાસ હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. તે ઉપરાંત કામરાએ બચાવમાં એવીય દલીલ કરી હતી કે તેણે કોઈ નેતાને નામ લઈને ગદ્દાર કહ્યા નથી. પેરોડી કરવી એ તો વ્યંગનો એક પ્રકાર છે. કૃણાલ કામરાએ કહ્યું હતું કે તેને મુંબઈમાં મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તે તમિલનાડુનો રહેવાસી છે. જો મુંબઈ જશે તો મુંબઈની પોલીસ તેની ધરપકડ કરશે અને શિંદેની શિવસેનાના કાર્યકરો તેના પર હુમલો કરી શકે છે. શિવસૈનિકોથી તેના પર જીવનું જોખમ છે. આ દલીલને કોર્ટે માન્ય રાખી હતી. હવે ઈમરાન પ્રતાપગઢીના મુદ્દે સુપ્રીમનું જે વલણ જોવા મળ્યું એવું વલણ જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનું કૃણાલ કામરા અંગે જોવા મળશે તો શિંદે અને તેના સમર્થકોની નાલેશી થવાની છે. જો કામરા શિંદે અને તેમના સમર્થકો પર જાનથી મારી નાખવાની કોશિશની ફરિયાદ કરે તો મુંબઈ પોલીસે બેફામ ધમકીઓ આપતા કાર્યકરોની ધરપકડ પણ કરવી પડે. એટલે ઈમરાન પ્રતાપગઢી મુદ્દે ગુજરાત પોલીસની જેમ કામરા બાબતે મુંબઈ પોલીસની પણ ફજેતી થઈ શકે.
ઓક્સફોર્ડ યુનિવર્ર્સિટી બહાર થયેલા મમતા બેનર્જીના વિરોધ પાછળ ભાજપનો હાથ
યુકેના પ્રવાસે ગયેલા મમતા બેનર્જી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મુલાકાતે ગયા હતા. કેલોગ કોલેજમાં એક સભાને એમણે સંબોધન કર્યું હતું. એ વખતે કેટલાક તત્વોએ આરજીકર મેડિકલ કોલેજ મામલે અને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા બાબતે મમતા બેનર્જીનો વિરોધ કર્યો હતો. ભાજપના પ્રવક્તા આ વિરોધને કારણે ગેલમાં આવી ગયા હતા. એમણે આ વિરોધને બંગાળનું કલંક ગણાવ્યું હતું. ભાજપના પ્રવક્તા ભલે એમ કહેતા હોય કે વિરોધ કરનારાઓ બંગાળના હિન્દુઓ હતા, પરંતુ રાજકીયસૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની યુવા પાંખના કેટલાક તોફાની તત્વો પહેલેથી જ આયોજન મુજબ મમતાનો વિરોધ કરવા પહોંચી ગયા હતા. વિરોધ છતા મમતા બેનર્જીએ વિચલીત થયા વગર હસીને સામે જવાબો આપ્યા હતા.
ભાજપના નેતાએ ભૂતપૂર્વ મંત્રીની માફી માગવી પડી
એક કાર્યક્રમમાં સીપીઆઇના નેતા અને ભૂતપૂર્વ મંત્રી પી કે શ્રીમતી બાબતે કરેલી અપમાનજનક ટીપ્પણી મામલે કેરળ ભાજપના નેતા બી ગોપાલકૃષ્ણનએ નાક રગડીને જાહેરમાં માફી માંગવી પડી છે. ગોપાલકૃષ્ણનએ કહ્યું હતું કે શ્રીમતીને થયેલી માનસિક વ્યથા બદલ એમને ખુબ દુઃખ થયું છે. એમણે એમ પણ કહ્યું હતું કે મે જે આક્ષેપો કર્યા હતા એના કોઈ પુરાવા મારી પાસે નથી. એક ટેલિવીઝન ડિબેટ દરમિયાન ગોપાલકૃષ્ણનએ શ્રીમતી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ બાબતે શ્રીમતી કોર્ટમાં ગયા હતા અને ગોપાલકૃષ્ણન પર બદનક્ષીનો દાવો ઠોક્યો હતો. ડરી ગયેલા ભાજપના નેતાએ પારોઠના પગલા ભરી માફી માંગી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હરનૌત બેઠક પર બધાની નજર
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર એક અપવાદને બાદ કરતા ૨૫ વર્ષમાં કદી વિધાનસભાની ચૂંટણી લડયા નથી. નિતિશકુમાર હંમેશા વિધાન પરિષદના સભ્ય તરીકે જ ચૂંટાઈને વિધાનસભામાં ગયા છે. ૧૯૭૭માં નિતિશકુમાર પહેલી વખત બિહારની હરનૌત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. આ ચૂંટણી તેઓ હારી ગયા હતા. ૧૯૮૦માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નિતિશકુમાર ફરીથી હરનૌત બેઠક પરથી ઉભા રહ્યા હતા અને ફરીથી હારી ગયા હતા. ત્યાર પછી ૧૯૮૫માં નિતિશ હરનૌતની બેઠક પરથી પહેલી વખત જીત્યા હતા. એ વખતે તેઓ લોકદળની ટીકીટ પર લડયા હતા. હરનૌત બેઠક પર ત્યાર પછી મોટે ભાગે અપક્ષ ઉમેદવારો જ ચૂંટણી જીત્યા છે. નવેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં નિતિશકુમાર હરનૌત બેઠક પરથી ઉભા રહે છે કે નહીં એ બાબતે ચર્ચા થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે સંયુક્ત પરિવારો નષ્ટ થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી
દેશમાં સંયુક્ત કુટુંબોની ઘટતી સંખ્યા બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, ભારત દેશ 'વસુધૈવ કુટુંબકમ'ના સિદ્ધાંતમાં માને છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી નજીકનો સંબંધ ધરાવતા કુટુંબીઓ હવે અલગ થઈ રહ્યા છે. સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી ઉત્તર પ્રદેશના ૬૮ વર્ષના સમતોલા દેવીએ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે કરી હતી. સમતોલાએ એના મોટા પુત્ર કૃષ્ણકુમારને ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે આવેલા કૌટુંબીક ઘરમાંથી બેદખલ કરવાની માંગણી કરી હતી. જસ્ટીસ પંકજ મીથલ અને જસ્ટીસ પસવી એન ભટ્ટીની બેન્ચે કહ્યું હતું કે, 'આપણે માનતા હતા કે સંપૂર્ણ વિશ્વ એક પરીવાર છે. જોકે આપણે આપણા કુટુંબમાં પણ એકતા રાખી શકવા માટે પણ સક્ષમ નથી. સંગઠીત પરિવારની માન્યતા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે એ ખુબ દુઃખદ છે.
આસામમાં પત્રકારને જામીન મળ્યા તો બીજા કેસમાં ફીટ કરી દીધો
આસામના ગૌહટ્ટી પ્રેસ કલબના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી બિલવર હુસૈન મોજુમદારની ધરપકડ પોલીસે કરી હતી. આસામ કો-ઓપરેટીવ એપેક્સ બેન્કના જનરલ મેનેજરને નાણાકીય ગોટાળા બાબતે સવાલ કરવા બદલ પત્રકારને પકડવામાં આવ્યા હતા. એક ન્યૂઝ પોર્ટલમાં રીપોર્ટર તરીકે નોકરી કરતા હુસૈનને કોર્ટે જામીન આપ્યા હતા. તેઓ જેલમાંથી બહાર આવ્યા કે તરત જ બીજા કેસમાં પોલીસે એમને અંદર કરી દીધા હતા. એમની સામે બેન્કના દસ્તાવેજો ચોરવાનો કેસ ઠોકી દેવામાં આવ્યો હતો. બેન્કમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને એમણે સ્ટાફને ધમકાવ્યો હોવાની ફરીયાદ પણ એમની સામે ઉભી છે. આસામના મુખ્યમંત્રી હેમંતકુમાર બિસ્વાએ એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે, જે પત્રકારો પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા હોય એમને જ પત્રકાર ગણી શકાય. પોર્ટલમાં કામ કરનાર હુસૈન પત્રકાર નથી.
ગોવામાં સરકારી મિલક્તોનો રંગ એક જ રહેશે, જોકે ભગવો રંગ નહીં હોય
ગોવાની સરકારે રાજ્યની તમામ સરકારી મિલકતોને એક જ રંગે રંગવાનું નક્કી કર્યું છે. આ બાબતે જ્યારે વિધાનસભામાં વિપક્ષોએ રંગ બાબતે પૂછયું ત્યારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, મિલકતોનો રંગ ભગવો નહીં રહે. ગોવામાં વર્ષો સુધી પોર્ટૂગિઝનું શાસન રહ્યું હતું જેને કારણે ગોવાના મકાનોની બાંધણી અને રંગો દેશના બીજા વિસ્તારોથી જૂદા પડે છે. ગોવાના મોટા ભાગના મકાનોના રંગ ઘેરા હોય છે. સરકારી મિલકતો પર રંગકામ કરતા પહેલા એમનું ઓડીટ થશે. તમામ મિલકતોનું રીનોવેશન પણ કરાવવામાં આવશે. મિલકતોના રંગરોગાન માટે ૨૭૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગોવામાં છેલ્લા એકાદ વર્ષથી ટૂરિસ્ટોની સંખ્યામાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી કદાચ ટુરિસ્ટોને ફરીથી આકર્ષવા માટે ગોવાની મિલકતો આકર્ષક બનાવી રહ્યા છે.
દિલ્હી રેલ્વે સ્ટેશને થયેલી ભાગદોડ માટે રેલ્વે મંત્રીની બહાનાબાજી
ફેબ્રુઆરી મહિનામાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. પ્લેટફોર્મ પર હજારો લોકો એક સાથે જમા થઈ ગયા હતા અને સ્ટેશન પર કોઈ વ્યવસ્થા હતી નહી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સૌથી નબળા રેલ્વે મંત્રી પુરવાર થઈ રહ્યા છે. રેલ્વે પ્રવાસીઓ કહી રહ્યા છે કે રેલ્વે તંત્ર ખાડે ગયું છે. દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ માટે વૈષ્ણવે એવું બહાનું બતાવ્યું હતું કે તે દિવસે ૧૧,૦૯૯ પ્લેટફોર્મ ટીકીટ વેચવામાં આવી હતી. જોકે જાણકારોનું કહેવું છે કે સામાન્ય કરતા ફક્ત ૧૧ ટકા વધુ પ્લેટફોર્મ ટીકીટો વેચવામાં આવી હતી. પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભને માટે વધુ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં નહીં આવી હોવાથી આ ઘટના બની હતી.
બિહારમાં કનૈયાકુમારની મુલાકાત બાદ મંદિર શુદ્ધ કરાયું : કોંગ્રેસ
બિહારમાં કનૈયાકુમારની પદયાત્રા ચાલી રહી છે. પલાયન રોકો, નોકરી દો - એવા નારા સાથે ચાલી રહેલી પદયાત્રા સહરસા જિલ્લાના બનગાઁવમાં પહોંચી હતી. એ ગામમાં દુર્ગામાતાના મંદિરમાં કનૈયાકુમારે દર્શન કર્યા હતા. ત્યાંથી જ ગામના લોકોને સંબોધન કર્યું હતું. કનૈયાકુમાર ત્યાંથી નીકળી ગયા બાદ મંદિરને ગંગાજળથી શુદ્ધ કરાયું હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. સોશિયલ મિડીયામાં એક વિડીયો શેર થયો હતો, જેમાં કનૈયાકુમાર નીકળી ગયા પછી મંદિરને ધોઈને શુદ્ધ કરાયું હતું. એ કામ ભાજપના કાર્યકરોએ કર્યું હોવાનો કોંગ્રેસનો આરોપ છે. બિહાર કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ હજુ પણ ભેદભાવ અને અછૂતનું રાજકારણ કરે છે.
એનડીએના સહયોગી જયંત ચૌધરીનો યોગીની સરકાર પર કટાક્ષ
મેરઠની પોલીસે જાહેરમાં નમાઝ અદા કરનારા સામે કાર્યવાહી થશે એવી જાહેરાત કરી છે. જાહેર સ્થળોએ નમાઝ અદા કરનારા સામે મેરઠની પોલીસે લાયસન્સ અને પાસપોર્ટ રદ્ કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી આપી છે. એના ન્યૂઝ સંઘના મુખપત્રમાં છપાયા હતા. એ ન્યૂઝને જયંત ચૌધરીએ શેર કર્યા હતા અને ભાજપની સરકાર પર કટાક્ષ કર્યો હતો કે આ ઓરવેલિયન ૧૯૮૪ થઈ રહી છે? જ્યોર્જ ઓરવેલની નવલકથા ૧૯૮૪માં આ પ્રકારની કાર્યવાહીનો કટાક્ષ થયો હતો. નાગરિકોના જીવનમાં સરકાર બધા પ્રકારની દખલ કરે છે એવો વ્યંગ એ નોવેલમાં થયો છે. તે સંદર્ભમાં જયંત ચૌધરીએ વ્યંગ કર્યો હતો. જયંત ચૌધરીએ છેલ્લાં એક સપ્તાહમાં બીજી-ત્રીજી વખત યોગી સરકારની આડકતરી ટીકા કરી છે તેનાથી રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે.
- ઈન્દર સાહની


